મનોજ દત્તાત્રેય મોરે : મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓના જાહેરમાં વિરોધાભાસી નિવેદનો કરવા બદલ નારાજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે કે ગઠબંધનના ત્રણેય મુખ્ય પાર્ટીના નેતાઓએ એક અવાજમાં બોલવું જોઈએ. પવારે મંગળવારે સાંજે મુંબઈમાં તેમના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે ઉદ્ધવ ઠાકરે સાથે યોજાયેલી બેઠકમાં આ વાત કહી હતી. પવારે એવો પણ સંકેત આપ્યો હતો કે તેઓ રાજ્યમાં યોજાનારી MVA રેલીઓમાં હાજરી આપી શકે છે.
શિવસેના (UBT) ના પ્રવક્તા સંજય રાઉતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે એનસીપીના વડાએ કહ્યું કે ત્રણેય પક્ષોનો પોતાના એજન્ડા અને તેમની પોતાની યોજનાઓ અને નીતિઓ હોઈ શકે છે, પરંતુ જ્યારે તેઓ એમવીએ નેતાઓ તરીકે લોકો સમક્ષ જાય છે ત્યારે તેઓએ એક અવાજ અને એક ભાષામાં બોલવાની જરૂર છે. જો આપણે લોકો સમક્ષ અલગ-અલગ મંતવ્યો રજૂ કરીશું તો તેઓ મૂંઝવણમાં આવશે અને તે MVA માટે ખરાબ પ્રચાર થશે.
રાઉતે જણાવ્યું હતું કે સેના પ્રમુખ પવારના મત સાથે સહમત છે અને પોતાના વિચારો અને તેમના મંતવ્યો જાહેરમાં પ્રસારિત ન કરવા. ભાજપને હરાવવા માટે ચર્ચા કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. રાઉતે કહ્યું કે અમે પણ એનસીપીના પ્રમુખ જેવા જ વિચારો ધરાવીએ છીએ.
અદાણી ગ્રૂપ અને હિન્દુત્વના વિચારક વી ડી સાવરકર જેવા વિવિધ મુદ્દાઓ પર મહાવિકાસ અઘાડીના દળો વચ્ચે વિવાદ છે. અદાણી મુદ્દે પવારે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તપાસનો વિરોધ કર્યો હતો જ્યારે કોંગ્રેસે જેપીસીની તરફેણ કરી હતી. સાવરકરના મુદ્દા પર શિવસેના અને એનસીપીએ તેમના માટે ભારત રત્નની માંગણી કરી જ્યારે કોંગ્રેસે સાવરકર પર જેલમાંથી મુક્ત થયા પછી અંગ્રેજોના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો – નીતિશ અને તેજસ્વીને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું – આ વિપક્ષને એકજુટ કરવાની દિશામાં પગલું
મંગળવારે જ્યારે પવાર અને ઉદ્ધવ મળ્યા ત્યારે એનસીપીના સુપ્રિયા સુલે અને રાઉત પોતે હાજર હતા. તેઓએ દોઢ કલાક સુધી ચર્ચા કરી હતી. રાઉતે જણાવ્યું હતું કે MVA પક્ષો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા માટે NCP પ્રમુખ અને ઉદ્ધવ ઠાકરેએ હંમેશા એકબીજા સાથે વાતચીત કરી છે. આ પૃષ્ઠભૂમિમાં બેઠક યોજાઈ હતી.
રાઉતે કહ્યું કે બંને નેતાઓએ અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગ, લંડનમાં રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને સંસદમાં સત્તારૂઢ ભાજપ દ્વારા સર્જાયેલ હોબાળો, પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન સહિતના અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. રાઉતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અયોધ્યાની મુલાકાત અંગે પણ ચર્ચા કરી હતી.
રાઉતે કહ્યું હતું કે પવાર ચૂંટણી પહેલા રાજ્યભરમાં એમવીએ દ્વારા આયોજિત રેલીઓમાં હાજરી આપે તેવી શક્યતા છે. ઔરંગાબાદમાં MVA ની પહેલી જ રેલીને ભારે પ્રતિસાદ મળ્યો હતો. 16 એપ્રિલે નાગપુરમાં બીજી બેઠક યોજાશે. 1 મેના રોજ એનસીપીના પ્રમુખ શરદ પવાર પૂણેમાં એમવીએ રેલીને સંબોધિત કરે તેવી અપેક્ષા છે.