/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/New-Parliament-Inauguration-schedule.jpg)
નવા સંસદ ભવનનું રવિવારે ઉદ્ધાટન
New Parliament Inauguration: નવા સંસદ ભવનનું રવિવારે (28 મે, 2023)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવા માટે સાત કલાકનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ઉજવણીની શરૂઆત હવન અને પૂજાથી થશે અને પીએમ મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે.
નવા સંસદ ભવનની ઇમારતમાં ભારતના લોકશાહી વારસાને દર્શાવવા માટે વિશાળ બંધારણીય હોલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, એક પુસ્તકાલય, વિવિધ કમિટી રૂમ, ખાવા માટેની જગ્યાઓ અને પાર્કિંગ વગેરેની ભવ્ય સુવિધા હશે.
19 પક્ષો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે લોકશાહીની આત્મા સંસદમાંથી ચૂસી લેવામાં આવી છે, ત્યારે અમને નવી ઇમારતની કોઈ કિંમત દેખાઈ રહી નથી. આ મામલાને લગતી એક જાહેર હિતની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે શુક્રવારે (26 મે) ના રોજ ફગાવી દીધી હતી.
28 મે, 2023 ના રોજ યોજાનાર સમારોહની શરૂઆત સવારે 7.30 થી 8.30 સુધી હવન અને પૂજાથી થશે. મહાત્મા ગાંધીની મૂર્તિ પાસે વિશેષ રીતે શણગારવામાં આવેલ પંડાલ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને અન્ય કેટલાક મંત્રીઓ પૂજા દરમિયાન હાજર રહેશે. પૂજા બાદ લોકસભા સ્પીકરની ખુરશી પાસે સેંગોલ લગાવવામાં આવશે. શંકરાચાર્ય સહિત નામાંકિત વિદ્વાનો, પંડિતો અને સંતોની હાજરીમાં સવારે 9.00 કલાકે પ્રાર્થના સભા શરૂ થશે.
બીજો તબક્કો 12 વાગ્યે શરૂ થશે
સમારોહનો બીજો તબક્કો બપોરે 12 વાગ્યે રાષ્ટ્રગીત સાથે શરૂ થશે. આ મહત્વપૂર્ણ પ્રસંગનું મહત્વ દર્શાવતી બે ટૂંકી ફિલ્મો દર્શાવવામાં આવશે. ત્યારબાદ, રાજ્યસભાના ઉપસભાપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા સંદેશાઓનું વાંચન થશે અને ઔપચારિક કાર્યવાહી આગળ ધપાવાશે. આ પ્રસંગે સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે સંબોધન કરશે. કાર્યક્રમ બપોરે 2:00 થી 2:30 દરમિયાન સમાપ્ત થશે.
હવે તમે કાર્યક્રમ વિશે જાણી ગયા છો, પરંતુ નવા અને જૂના સંસદ ભવનને લઈને મનમાં ઘણા નાના-મોટા પ્રશ્નો ચાલી રહ્યા છે. અહીં એક પછી એક તમામ જવાબો જાણો
જૂના સંસદ ભવનનું શું થશે?
આ સમયે લોકોના મનમાં પહેલો સવાલ એ આવે છે કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થયા બાદ જૂનાનું શું થશે. તમને જણાવી દઈએ કે, સરકારે આ માટે પહેલાથી જ વ્યવસ્થા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં જૂના સંસદ ભવનનો ઉપયોગ સંસદીય કાર્યક્રમો માટે કરવામાં આવશે. આ ઉપરાંત આ જૂના સંસદ ભવનને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે.
શું સેન્ટ્રલ વિસ્ટા નવા સંસદ ભવનથી અલગ છે?
ના, વાસ્તવમાં સેન્ટ્રલ વિસ્ટા એક મોટો પ્રોજેક્ટ છે અને આ નવું સંસદ ભવન તે પ્રોજેક્ટનો એક ભાગ છે. એટલે કે નવા સંસદ ભવન એ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું માત્ર એક પાસું છે. આખા સેન્ટ્રલ વિસ્ટા પર લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ જો આપણે ફક્ત નવા સંસદ ભવનની વાત કરીએ તો, તે 12 હજાર કરોડ રૂપિયામાં પૂર્ણ થયું છે. સેન્ટ્રલ વિસ્ટાની અંદર રાષ્ટ્રપતિ ભવન, સંસદ, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, ઉપરાષ્ટ્રપતિનું ઘર પણ સામેલ છે.
નવું સંસદ ભવન બનાવવાની જરૂર કેમ પડી?
આ સવાલ સરકાર સામે અનેક વખત પૂછવામાં આવ્યો છે, વિપક્ષના ઘણા નેતાઓએ પણ કહ્યું છે કે, નવું સંસદ ભવન માત્ર પૈસા વેડફવા બનાવવામાં આવ્યું હતું. પરંતુ કેન્દ્રની સીધી દલીલ છે કે, વર્તમાન સંસદ ભવનમાં જગ્યા ઓછી છે, વધુ સાંસદો બેસી શકતા નથી. નિષ્ણાતોના દૃષ્ટિકોણથી, જૂની સંસદ હવે સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ અનુકૂળ નથી. બ્રિટિશ કાળમાં બનેલી જૂની સંસદ લગભગ 100 વર્ષ જૂની છે, તેથી તેમાં મોટા ભૂકંપનો સામનો કરવાની પણ તાકાત નથી. જેના કારણે નવી ઇમારત બનાવવામાં આવી છે.
આ પણ વાંચો - PM મોદીની અધ્યક્ષતામાં ચાલી રહી નીતિ આયોગની બેઠક, કેજરીવાલ, મમતા બેનરજી સહિત 10 CM ન થયા સામેલ
નવા સંસદ ભવન વિશે શું છે ખાસ?
સરકારની દૃષ્ટિએ આ નવા સંસદભવનમાં ઘણી ખાસ બાબતો છે. સ્થળની દ્રષ્ટિએ એક મોટો ફેરફાર આવવાનો છે. નવા સંસદ ભવનમાં, લોકસભામાં હવે 888 સભ્યોની ક્ષમતા હશે, જે પહેલા માત્ર 552 હતી. એ જ રીતે, રાજ્યસભામાં, નવા સંસદમાં આ આંકડો 384 થશે, જે અગાઉ માત્ર 250 હતો. સંયુક્ત બેઠક દરમિયાન હવે એક સાથે 1272 સભ્યો બેસી શકશે. આ વખતે આકર્ષણનું કેન્દ્ર લોકસભા અને રાજ્યસભાની ડિઝાઇન પણ છે. વાસ્તવમાં નવી લોકસભાની રચના રાષ્ટ્રીય પક્ષી મોરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યારે રાજ્યસભા કમળના ફૂલથી પ્રેરિત હોવાનું કહેવાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us