નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) બુધવારે પાકિસ્તાન અને કેનેડા સહિત વિદેશી દેશોમાં સ્થિત ગેંગસ્ટરો, ડ્રગ સ્મગલરો અને આતંકવાદી જૂથો વચ્ચેના કથિત સાંઠગાંઠ પર તેની કાર્યવાહીના ભાગરૂપે છ રાજ્યોમાં 122 સ્થળો પર સર્ચ કરી રહી છે. અત્યાર સુધીની પ્રાપ્ત વિગતો મુજબ NIAની ટીમોએ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં કેટલાક શંકાસ્પદ ઘરો પર દરોડા પાડ્યા હતા. લગભગ એક ડઝન અધિકારીઓની બનેલી NIA અધિકારીઓની એક ટીમ સવારે લગભગ 4 વાગ્યે આ તમામ સ્થળો પર ગઈ હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે “NIA દ્વારા નોંધાયેલા ત્રણ કેસોના સંબંધમાં શોધ ચાલુ છે. દરોડા અને સર્ચ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ , રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થિત સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ્સ અને નેટવર્ક, ટોચના ગેંગસ્ટરો અને તેમના ગુનાહિત અને વ્યવસાયિક સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહીનો ભાગ છે.”
એક અધિકારીએ જણાવ્યું કે તપાસ આવા આતંકવાદી નેટવર્ક તેમજ તેમના ફંડિંગ અને સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાનું ચાલુ રાખશે. ફેબ્રુઆરીમાં NIAએ હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં ગેંગસ્ટરોના સંપર્કમાં હોવાની શંકા ધરાવતા લોકોના ઘરો પર દરોડા પાડ્યા હતા . એજન્સીએ ત્રણ કેસમાંથી બે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
એનઆઈએની ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતમાં સક્રિય સંખ્યાબંધ ગુનાહિત ગેંગ હવે દુબઈથી સંચાલિત થઈ રહી છે, અને ખાલિસ્તાન તરફી સંગઠનો તેમના નેટવર્કનો ઉપયોગ 1990 ના દાયકામાં અંડરવર્લ્ડની જેમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે કરી રહ્યા છે. અર્શ દલા અને ગૌરવ પટિયાલ જેવા ભાગેડુઓ, જેઓ વિદેશમાં રહે છે, તેઓ લક્ષ્યાંકિત હત્યાઓ, ગેરવસૂલી અને આતંકવાદી કૃત્યો કરવા માટે ભારતીય જેલો અને અન્ય દેશોમાં બંધ ખાલિસ્તાન તરફી તત્વોના સંપર્કમાં છે. તે પણ પ્રકાશમાં આવ્યું છે કે જેલો એવી જગ્યા છે જ્યાં ગુનાખોરી-આતંકી સાંઠગાંઠ મજબૂત થઈ હતી.
NIA દ્વારા ઓગસ્ટ 2022માં કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંઘ ઉર્ફે લંડા, પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર હરવિંદર સિંઘ રિંડા અને યુએસ સ્થિત ગુરપતવંત સિંહ પન્નુ, જેઓ પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સ્થાપક છે, વિરુદ્ધ ત્રણ કેસ નોંધવામાં આવ્યા હતા. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને વિક્રમ બ્રાર તેમજ તેમના હરીફો દવિન્દર બંબીહા, કૌશલ ચૌધરી, નીરજ બવાના, સુનીલ ઉર્ફે ટિલ્લુ તાજપુરિયા, દિલપ્રીત અને સુખપ્રીત ઉર્ફે બુધા સામે બે કેસ નોંધાયા હતા.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો