નીતિ આયોગના ટાસ્ક ફોર્સે ખેતીની જમીનની ફળદ્રૂપતા અને ભેજનું પ્રમાણ વધારવા માટે ગૌમુત્ર અને છાણનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. નીતિ આયોગ ટાસ્ક ફોર્સે અવલોકન કર્યું છે કે ભારતની જમીનમાં કુદરતી તત્વો ઘટી રહ્યા છે અને ખેતીમાં પાકને પોષણ આપવા માટે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.
નીતિ આયોગના સભ્ય રમેશ ચંદની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે રાસાયણિક ખાતરોના સ્થાને ગાયના છાણ-આધારિત જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવાની સંભાવના ચકાસવા પણ ભલામણ કરી છે.
ટાસ્ક ફોર્સે તૈયાર કરેલો – ‘ગૌશાળાઓની આર્થિક સદ્ધરતા સુધારવા પર વિશેષ ધ્યાનની સાથે કુદરતી અને જૈવિક ખાતરોના ઉત્પાદન અને પ્રોત્સાહન’ (Production and Promotion of Organic and Bio Fertilisers with Special Focus on Improving Economic Viability of Gaushalas) શિર્ષકનો રિપોર્ટ શુક્રવારે રમેશ ચંદ દ્વારા જારી કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે, “ભારતની જમીનમાં કુદરતી પોષક તત્વોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જો માટીમાં જૈવિક ખાતર અને આવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ વધારવામાં નહીં આવે, તો દેશને ટકાઉપણાના ગંભીર પડકારોનો સામનો કરવો પડશે. છાણ ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવું એ ગૌશાળાઓની અર્થવ્યવસ્થાને સુધારવા, કુદરતી ખેતીને ટેકો આપવા અને ખેતીનું ટકાઉપણું સુધારવા માટે ખૂબ જરૂર છે. તેથી ગાયના છાણ અને ગૌમૂત્રનો ખેતીમાં પાક માટેના પોષક તત્વ તરીકે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઉપરાંત ખાતરનું વેચાણ અને ઉત્પાદન કરતી એજન્સીઓ માટે રાસાયણિક અને જૈવિક ખાતરનું ફરજિયાતપણે કેટલાક ચોક્કસ પ્રમાણમા વેચાણ કરવાની નવીનત્તમ પદ્ધતિ લાગુ કરવાની જરૂર છે.”
નીતિ આયોગની આ ટાસ્ક ફોર્સમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના 17 સભ્યોનો સમાવેશ થાય છે.
ટાસ્ક ફોર્સના રિપોર્ટ અનુસાર, “જાહેર ક્ષેત્રની સંસ્થાઓને ગૌશાળાઓ દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક અને જૈવિક ખાતરોનું માર્કેટિંગ કરવાનું ફરજિયાત બનાવવું જોઈએ. તેમને ગાયના છાણ આધારિત જૈવિક ખાતરના પ્લાન્ટ્સ સ્થાપવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.”

ગૌશાળાઓ માટે પ્રોત્સાહનોની ભલામણ કરતાં અહેવાલ જણાવે છે કે, “ગૌશાળાઓને મૂડીરોકાણ અને કામકાજના ખર્ચ માટે ઉદારતાપૂર્વક સસ્તા વ્યાજે ધિરાણ આપવું જોઈએ. તમામ અનુદાન ગાયોની સંખ્યા સાથે જોડાયેલું હોવું જોઈએ (વસુકેલી ગાય, બચાવેલા અથવા ત્યજી દેવાયેલા ઢોર પર વધારે ધ્યાન આપવું જોઈએ).
તેઓ ઉમેરો છે કે, “ગૌશાળાઓને તેમની ઇમારતો પર સોલાર પ્લાન્ટ્સ અને ગૌશાળાઓની જમીન પર સોલાર પ્લાન્ટમાં રોકાણ કરીને આવકના વધારાના સ્ત્રોતો ઉભા કરવા માટે મદદ કરવી જોઈએ.”
“ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત ઉત્પાદનોના વ્યાપક સમાવેશ માટે ભારત સરકારના ફર્ટિલાઇઝર કન્ટ્રોલ ઓર્ડરમાં ગાયના છાણ આધારિત જૈવિક ખાતરો માટે નિર્ધારિત માપદંડોની પુનઃવિચારણા કરવી જોઈએ. જૈવિક ખાતર માટે હાલની ટેસ્ટિંગ ફેસિલિટી, ગાયના છાણ પર આધારિત પ્રોડક્ટોના તમામ હાલના અને નવા ફોર્મ્યુલેશન સુધી વિસ્તારવા જોઈએ.”
ટાસ્ક ફોર્સે તમામ ગૌશાળાઓની ઓનલાઈન નોંધણી માટે નીતિ આયોગના દર્પણ જેવા નવા પોર્ટલનું પણ સૂચન કર્યું છે. “આ રજિસ્ટર્ડ ગૌશાળાઓ પશુ કલ્યાણ બોર્ડ તરફથી સમર્થન મેળવવા માટે પાત્ર હશે,” તે કહે છે.
ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર, એનિમલ વેલફર બોર્ડની ખામીઓને દૂર કરવા માટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ આ ગૌશાળાઓમાં પ્રધાનમંત્રી પશુ ઔષધિ કેન્દ્ર સ્થાપી શકે છે. ઉપરાંત, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ડેરી પ્રોડક્ટોના માર્કેટિંગ અને ઘાસચારો અને એથનો-વેટરનરી પ્રેક્ટિસની જોગવાઈઓમાં ગૌશાળાઓને સમર્થન આપી શકે છે.
એક સ્ટડી રિપોર્ટનો હવાલો આપતા જણાવાયું છે કે, “1,000 ગાયો ધરાવતી ગૌશાળા ચલાવવાનો કુલ ખર્ચ દૈનિક 1,18,182 રૂપિયા થાય છે, જેમાં જમીનનો પણ સમાવેશ થાય છે, જ્યારે જમીન વગર તેનો દર રોજનો ખર્ચ 82,475 રૂપિયા જેટલો આવે છે. સર્વે દર્શાવે છે કે ગૌશાળાના પેદાશોના વેચાણથી થતી આવક માત્ર 30 ટકા યોગદાન આપે છે, જ્યારે બાકીની રકમ દાન, ગ્રાન્ટ અને આવકના અન્ય સ્ત્રોતોથી પ્રાપ્ત થાય છે. 1,000 ગાયો વાળી એક ગૌશાળાની દૈનિક કુલ આવક માત્ર 50,074 રૂપિયા છે. આટલા મોટા આવક તફાવતથી ગૌશાળાઓ આર્થિક રીતે બિનઉપયોગી બની જાય છે.”
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, “ગૌશાળાઓમાં તેમના દ્વારા ઉત્પાદિત ખાતર અને અન્ય જૈવિક ખાતરનું માર્કેટિંગ કરવાની ક્ષમતાનો અભાવ છે અને તેમની પેદાશો માટે કોઈ સંગઠિત બજાર અને ખરીદનાર નથી. જાહેર ક્ષેત્રની ખાતર વિતરણ એજન્સીઓ જેવી કે ઇફ્કો ( IFFCO) , KRIBHCO અને આવી અન્ય રાજ્ય સ્તરની એજન્સીઓને ગૌશાળાઓ દ્વારા ઉત્પાદિત પ્રમાણિત ઓર્ગેનિક અને બાયો ફર્ટિલાઇઝર્સનું માર્કેટિંગ કરવાનું ફરજિયાત બનાવવું જોઈએ.” ટાસ્ક ફોર્સ એવું પણ સૂચન કરે છે કે મનરેગા યોજના દ્વારા ફોડર બેંકની રચના માટે ગૌશાળાઓને સહાય પૂરી પાડવામાં ગ્રામ પંચાયતનો સમાવેશ કરવો જોઈએ.