Nitin Gadkari News: ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એ ગરીબી અંગે આપેલા નિવેદનથી મોદી સરકારના દાવાઓ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી ગડકરીએ દેશમાં વધી રહેલી ગરીબી અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, દેશમાં ગરીબી વધી રહી છે અને ગણ્યાગાંઠ્યા કેટલાક અમીર લોકો પાસે જાણે વધુ રુપિયા પહોંચી રહ્યા છે.
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ નાગપુર સ્થિત એક કાર્યક્રમાં બોલતાં કહ્યું કે, દેશમાં વધતી ગરીબીને પગલે રુપિયાના વિકેન્દ્રીકરણની જરૂરિયાત છે જેનાથી આર્થિક વિકાસ તો થાય સાથોસાથ ગ્રામિણ વિસ્તારના લોકોનું પણ કલ્યાણ થાય. તેમણે ખેતી, વિનિર્માણ અને પ્રાથમિક સુવિધાઓ મામલે જાહેર અને ખાનગી ભાગીદારી જેવા મુદ્દે વિસ્તારથી વાત કરી હતી.
મોદી સરકારના વરિષ્ઠ મંત્રી ગડકરીએ ગરીબી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ધીરે ધીરે ગરીબ લોકોની સંખ્યા વધી રહી છે અને કેટલાક અમીર લોકોના હાથમાં ધન એકત્ર થઇ રહ્યું છે. એવું ન થવું જોઇએ. અર્થવ્યવસ્થાએ એ રીતે વિકસિત કરવાની જરુર છે કે જેનાથી રોજગાર વધે અને ગ્રામિણ વિસ્તારોને પ્રોત્સાહન મળી શકે.
અમિત શાહ એ કહ્યું- તો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ન રહ્યું હોત…
આર્થિક સુધાર અંગે તેમણે કહ્યું કે, અમે એક એવા આર્થિક મોડલ અંગે વિચાર કરી રહ્યા છીએ કે જે રોજગારની તકો વધારી શકે અને અર્થવ્યવસ્થાના વિકાસને વધારી શકે. ધન વિકેન્દ્રીકરણની જરૂરિયાત છે અને આ દિશામાં ઘણા સુધારા થયા છે.
મનમોહન સિંહ અને નરસિંમ્હા રાવના કર્યા વખાણ
નીતિન ગડકરી એ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ અને પી.વી નરસિમ્હારાવની ઉદાર આર્થિક નીતિઓની સરાહના કરી સાથોસાથ અનિયંત્રિત કેન્દ્રિકરણ સંદર્ભે ચેતવણી પણ ઉચ્ચારી. તેમણે કહ્યું કે, આપણે આ દિશામાં પણ ચિંતા કરવી પડશે. ભારતની આર્થિક સંરચનાનો ઉલ્લેખ કરતાં તેમણે જીડીપીમાં વિભિન્ન ક્ષેત્રોના યોગદાનમાં અસંતુલન મામલે પણ ચિંતા વ્યક્ત કરી.
પેટ ખાલી હોય તો દર્શનશાસ્ત્ર ન ભણાવાય…
સ્વામી વિવેકાનંદના ક્વોટને ટાંકીને તેમણે કહ્યું કે, જેનું પેટ ખાલી હોય એને દર્શનશાસ્ત્ર ન ભણાવી શકાય. આ સંદર્ભે તેમણે ગ્રામિણ ક્ષેત્રે જીડીપીના ઓછા યોગદાન અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, વિનિર્માણ ક્ષેત્રનું યોગદાન 22-24 ટકા, સેવા ક્ષેત્રમાં 52-54 ટકા છે. જ્યારે 65-70 ટકા ગ્રામિણ વસ્તી પર નિર્ભર કૃષિ ક્ષેત્રનું યોદગાન માત્ર 12 ટકાની આસપાસ જ છે.
પૈસા નહિં, કામ ઓછા છે…
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, મેં માર્ગ નિર્માણ માટે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સર્ફર (બીઓટી) સિસ્ટમ શરુ કરી હતી. માર્ગ વિકાસ માટે પૈસાની કોઇ ઉણપ નથી. ક્યારેક હું કહું છું કે મારી પાસે ધનની કોઇ કમી નથી પરંતુ કામની કમી છે. તેમણે કહ્યું કે, હાલમાં ટોલ બુથોથી અંદાજે 55 હજાર કરોડ રુપિયા આવક થાય છે જે આગામી બે વર્ષમાં આ વધીને 1.40 લાખ કરોડ રુપિયા થશે.