I.N.D.I.A. Alliance : લોકસભા ચૂંટણી 2024 માટે સત્તાપક્ષે કમર કસી લીધી છે ત્યારે ઇન્ડિયા એલાયન્સ પણ સક્રિય છે. પરંતુ બિહારના સીએમ નીતિશ કુમારનું એક એવું નિવેદન સામે આવ્યું કે જેનાથી અંદાજો લગાવી શકાય છે કે ઇન્ડિયા ગઠબંધનમાં બધુ ઠીક નથી. મીડિયા રિપોર્ટ અનુસાર નીતિશ કુમારે કહ્યું છે કે હાલ ગઠબંધન પહેલાની જેમ સક્રિય નથી અને કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં પાંચ વિધાનસભા ચૂંટણી માટે હલચલ તેજ થઈ ગઇ છે. નવેમ્બરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં અલગ અલગ તારીખે ચૂંટણી યોજાશે. 2024માં લોકસભાની ચૂંટણી પહેલા જ યોજાઈ રહેલી આ ચૂંટણીઓથી દેશના મૂડનો પણ ખ્યાલ આવી જશે.
શું કહ્યું નીતિશ કુમારે?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસ પાસે ઇન્ડિયા ગઠબંધન માટે સમય નથી અને તે પાંચ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. નીતિશ કુમારના આ નિવેદનથી ઘણા રાજકીય અર્થ કાઢી શકાય છે. ઇન્ડિયા એલાયન્સની છેલ્લી બેઠક મુંબઇમાં યોજાઇ હતી, જ્યાં તમામ વિપક્ષી દળોના નેતાઓ પહોંચ્યા હતા. બેઠકોની વહેંચણીને લઇને ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે નીતિશ કુમારના આ નિવેદનથી વિપક્ષી ગઠબંધનોમાં હલચલ મચી જાય તે સ્વાભાવિક માનવામાં આવે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાને લઈને પણ વાકયુદ્ધ થયું હતું.
આ પણ વાંચો – કટ્ટર ઇમાનદારને જામીન પણ મળી રહ્યા નથી, સંબિત પાત્રાએ સીએમ કેજરીવાલ પર કર્યો પ્રહાર
મોદી સરકાર ઉપર પણ કર્યો પ્રહાર
આ સમયગાળા દરમિયાન સીએમ નીતીશ કુમારે પણ મોદી સરકાર ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. નીતિશ કુમારે કહ્યું કે ભાજપ આ દેશનો ઈતિહાસ બદલવા માંગે છે અને તેમને દેશ સાથે કોઈ લાગણી નથી.
નીતિશ કુમારે એક તરફ કોંગ્રેસ પર નિશાન સાધ્યું તો બીજી તરફ એકજુટતામાં સાથે ચાલવાની વાત પણ કરી. નીતિશ કુમારે કહ્યું કે અમારા કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સારા સંબંધો છે અને સામ્યવાદી-સમાજવાદી એક સાથે મળીને ચાલશે. નીતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધન બનાવનારા પ્રમુખ લોકોમાંથી એક માનવામાં આવે છે.