/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/No-Confidence-Motion.jpg)
અવિશ્વાસ પ્રસ્તાવ શું છે
No Confidence Motion: મણિપુર હિંસા પર વિપક્ષી પાર્ટીઓ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય રંજન ગોગોઈ દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવ પર ચર્ચા માટે મંજૂરી આપવામાં આવી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તેઓ તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ અંગે ચર્ચાની તારીખ વિશે માહિતી આપશે. મંગળવારે સાંજે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે મીડિયાને માહિતી આપી હતી. ચાલો તમને જણાવીએ કે અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?
અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?
સંસદીય લોકશાહીમાં, સરકાર માત્ર ત્યારે જ સત્તામાં રહી શકે છે, જ્યાં સુધી તેની પાસે ચૂંટાયેલા ગૃહ (લોકસભા)માં બહુમતી હોય. આપણા બંધારણની કલમ 75(3) એ નિયમ કહે છે કે, મંત્રી પરિષદ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર છે. અવિશ્વાસ પ્રસ્તાવ માટે 50 સાંસદોનું સમર્થન મેળવનાર લોકસભાનો કોઈપણ સભ્ય કોઈપણ સમયે મંત્રી પરિષદ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મંજૂર થયા બાદ સંસદમાં તેની ચર્ચા થાય છે. અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપતા સાંસદો સરકારની ખામીઓને પ્રકાશિત કરે છે અને ટ્રેઝરી બેન્ચ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપે છે.
અવિશ્વાસની દરખાસ્ત પર થાય છે વોટીંગ
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ મતદાન કરવામાં આવે છે. જો લોકસભાના બહુમતી સભ્યો સરકારની તરફેણમાં મતદાન કરે છે, તો સરકાર જીતે છે અને સત્તામાં રહે છે. તેનાથી વિપરીત, જો બહુમતી સાંસદો અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપે છે, તો સરકાર પડી જાય છે.
શું મોદી સરકાર પર કોઈ ખતરો છે?
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી. ભાજપ પાસે 303 સાંસદ છે. એનડીએના સાંસદોની સંખ્યા 331 છે, જ્યારે વિપક્ષ I.N.D.I.A. ગઠબંધન પાસે 150થી ઓછા સાંસદો છે. BRS, YSR કોંગ્રેસ અને BJD ના સાંસદો મિશ્ર કરવામાં આવે તો પણ આ સંખ્યા NDA કરતા ઓછી છે. આવી સ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્ત મોદી સરકારને પાડી શકવાની ક્ષમતા ધરાવતી નથી.
અવિશ્વાસ પ્રસ્તાવ નબળો હોવાનું નિશ્ચિત, તો વિપક્ષે કેમ લીધો આ નિર્ણય?
મીડિયા સાથે વાત કરતા લોકસભામાં કોંગ્રેસના વ્હીપ મણિકમ ટાગોરે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A. નો આ વિચાર છે. તેમણે કહ્યું કે, અમારું માનવું છે કે (અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ)નો ઉપયોગ સરકારના ઘમંડને તોડવા અને મણિપુરના મુદ્દા પર તેમને બોલવા માટે મજબૂર કરવા માટે છેલ્લા હથિયાર તરીકે થવો જોઈએ.
આ પણ વાંચો - લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની મંજૂરી, શું BJP-NDAને ડરવાની જરૂર છે?
દેશમાં અત્યાર સુધીમાં 27 અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે
ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 27 અવિ શ્વાસ પ્રસ્તાવો લાવવામાં આવ્યા છે. મોદી સરકાર સામે છેલ્લો અવિશ્વાસ પ્રસ્તાવ જુલાઈ 2018માં આવ્યો હતો. આ પ્રસ્તાવ પણ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. એનડીએને 325 વોટ મળ્યા જ્યારે વિપક્ષના પ્રસ્તાવને 126 વોટ જ મળ્યા હતા. વર્ષ 1963માં પંડિત નેહરુ વિરુદ્ધ દેશમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ કોંગ્રેસના નેતા આચાર્ય ક્રિપલાની દ્વારા લાવવામાં આવ્યો હતો અને તેમનો પરાજય થયો હતો. ઈન્દિરા ગાંધી વિરુદ્ધ 15 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને તે દરેક વખતે તેમની સરકાર બચાવવામાં સફળ રહ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us