કર્ણાટકમાં 20 મે ના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ સંભાળશે જ્યારે ડીકે શિવકુમાર તેમના ડેપ્યુટી સીએમ બનશે. આ પહેલા ડીકે શિવકુમાર સીએમ પદ પર અડગ હતા પરંતુ મલ્લિકાર્જુન ખડગે તેમને મનાવવામાં સફળ રહ્યા છે. કર્ણાટક જેવા અન્ય રાજ્યોમાં પણ ડેપ્યુટી સીએમ પદને મોટાભાગે સમાધાનનું પગલું માનવામાં આવે છે.
હાલ દેશના ઓછામાં ઓછા 11 રાજ્યોમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં ગઠબંધનની સરકાર છે. અહીં ચાર રાજ્યોમાં ડેપ્યુટી સીએમ પદની વ્યવસ્થા કરવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ડેપ્યુટી સીએમ છે. રાજન્ના ડોરા પેડિકા, બુદી મુત્યાલા નાયડુ, કોટ્ટુ સત્યનારાયણ, કે નારાયણ સ્વામી અને અમજથ ભાષા શેખ બેપારી ડેપ્યુટી સીએમ છે.
દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા યુપીમાં હાલ બે ડેપ્યુટી સીએમ છે. કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. યૂપીની રાજનીતિ પર નજર રાખનારનું કહેવું છે કે રાજ્યમાં યોગી આદિત્યનાથ પ્રશાસન પર પુરી પકડ રાખે છે. આવામાં મૌર્ય અને પાઠકને નાયબ મુખ્યમંત્રી તરીકેની નિમણૂકને વિવિધ જાતિઓને સંતોષિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
દેશના સૌથી લાંબા સમય સુધી ડેપ્યુટી સીએમ રહેવાની વાત કરીએ તો આ રેકોર્ડ ભાજપના નેતા સુશીલ મોદીના નામે છે. સુશીલ મોદી લગભગ એક દાયકા સુધી બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નાયબ સુપ્રીમ નીતિશ કુમારના ડિપ્ટી રહ્યા છે. તે નવેમ્બર 2005થી જૂન 2013 અને જુલાઈ 2017થી ડિસેમ્બર 2020 સુધી ડેપ્યુટી સીએમ રહ્યા હતા.
ગઠબંધન સરકાર
હરિયાણામાં જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા મનોહર લાલ ખટ્ટર સરકારમાં ડેપ્યુટી સીએમ છે. 2019માં રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત ન મળ્યા બાદ તેમણે સરકારને સમર્થન આપ્યું હતું. આ પછી ઘણા યુવા હોવા છતા તેમને ડેપ્યુટી સીએમનું પદ સોંપવામાં આવ્યું હતું. તેનું એકમાત્ર કારણ તેમની પાર્ટી કિંગ મેકર તરીકે ઊભરી આવી હતી. જોકે રાજ્યમાંથી ભાજપ-જેજેપી વચ્ચે ખરાબ સંબંધો હોવાના અહેવાલો સતત આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને પક્ષો સાથે મળીને આગામી ચૂંટણી લડશે નહીં.
આ પણ વાંચો – બે દિવસ સુધી વાતચીત, રાતભરની મિટિંગો, જાણો કેવી રીતે થઇ કર્ણાટકની ડીલ
એ જ રીતે મહારાષ્ટ્રમાં શિંદે સેના અને ભાજપ વચ્ચે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભાજપ એક મોટી પાર્ટી છે પરંતુ સીએમ પદ એકનાથ શિંદેને એટલા માટે આપવામાં આવ્યું કારણ કે તેઓ શિવસેનાને તોડવામાં સફળ રહ્યા, જેના કારણે મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઇ હતી. આ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ છે. મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારાઓનું કહેવું છે કે આ સરકારનું અસલી રિમોટ કંટ્રોલ ફડણવીસના હાથમાં છે.
બિહારમાં મહાગઠબંધનની સરકાર છે. નીતીશ મુખ્યમંત્રી છે અને આરજેડીના તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ છે. બિહારમાં નીતિશ ભાજપ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયા હતા. આ પછી તેજસ્વી યાદવ નવી વ્યવસ્થામાં તેમના ડેપ્યુટી બન્યા હતા. હવે બિહારના રાજકારણથી એવા સંકેત મળી રહ્યા છે કે નીતિશ કુમાર 2024 માટે દિલ્હી જઈ શકે છે ત્યારે તેજસ્વી તેમની ખુરશી સંભાળી શકે છે.
તાજેતરની ચૂંટણીઓ પર એક નજર
નાગાલેન્ડમાં એનડીપીપી અને ભાજપે સરકાર બનાવી હતી. અહીં એનડીપીપીના નેફિયુ રિયો મુખ્યમંત્રી બન્યા છે જ્યારે ટીઆર ઝેલાંગ ડેપ્યુટી સીએમ બન્યા છે. ગત વર્ષે હિમાચલમાં કોંગ્રેસનો વિજય થયો હતો. સુખવિંદર સિંહ સુખુને સીએમ બનાવવામાં આવ્યા જ્યારે મુકેશ અગ્નિહોત્રીને ડેપ્યુટી સીએમનું પદ આપવામાં આવ્યું છે. હિમાચલમાં આવું પહેલીવાર બન્યું છે.
કેટલીક જગ્યાએ સમસ્યાઓ
રાજસ્થાનમાં 2018ની ચૂંટણી બાદ અશોક ગેહલોત સીએમ બન્યા હતા જ્યારે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. રાજ્યમાં શરૂઆતથી જ બંને નેતાઓ વચ્ચે વિવાદ ચાલતો હતો. હવે કર્ણાટકમાં કોંગ્રેસ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે બધુ બરાબર રાખવાનો પડકાર રહેશે.
ડેપ્યુટી સીએમ પદનો કાનૂની દરજ્જો?
મુખ્યમંત્રી અને મંત્રી પદની જેમ ડેપ્યુટી સીએમ કોઇ બંધારણીય પદ નથી. રાજ્યના અન્ય કેબિનેટ મંત્રીની જેમ આ પદ છે અને આ પદ ઉપર પણ કેબિનેટ મંત્રી જેવા લાભ મળે છે. એક કેબિનેટ મંત્રીને મળતી સેલેરી ટેક્સ ફ્રી હોય છે અને આ જ લાભ ડેપ્યુટી સીએમના કિસ્સામાં પણ મળે છે. આવું જ ડેપ્યુટી પીએમ પદને લઇને પણ હોય છે. નહેરુ સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ નાયબ વડા પ્રધાન હતા.
આર્ટિકલ 75માં ડેપ્યુટી પીએમ અને ડેપ્યુટી સીએમના હોદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આર્ટિકલ 75 યૂનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ અને આર્ટિકલ 164 સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ બાબતો સાથે સંબંધિત છે. 1989માં હરિયાણાના દેવીલાલ ચૌધરીને વી પી સિંહ સરકારમાં ડેપ્યુટી પીએમ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેમની નિમણૂકને કોર્ટમાં એ આધાર પર પડકારવામાં આવી હતી કે તેમને અપાવેલા શપથ બંધારણ અનુસાર નથી. જોકે ત્યારે આ કેસમાં સુપ્રીમ કોર્ટે દેવીલાલની નિયુક્તિને માન્ય રાખી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલના નિવેદન પર તેને મંત્રીપરિષદમાં સામેલ અન્ય મંત્રીઓની જેમ ગણાવ્યું હતું.