Norovirus case: કોરોના વાયરસનો કહેર હજી સમાપ્ત થયો નથી ત્યારે ભારતમાં વધુ એક બીમારીએ ચિંતા વધારી દીધી છે અને તેનું નામ છે નોરોવાયરસ. કેરળના આરોગ્ય વિભાગે સોમવારે (24 જાન્યુઆરી) એર્નાકુલમ જિલ્લામાં ધોરણ 1 ના વિદ્યાર્થીઓમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ચેપ નોરોવાયરસના બે કેસની પુષ્ટિ કરી હતી. વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ઝાડા, પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, શરીરનું વધારે તાપમાન, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેમના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
નોરોવાયરસ શું છે અને તેનો ચેપ કેટલો જોખમી છે?
નોરોવાયરસ એ કાંઇ નવો નથી. 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા વ્યક્તિઓને આ વાયરસનો ચેપ લાગે છે અને તે ગેસ્ટ્રોએન્ટેરિટિસની બીમારી થવાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. આ વાયરસથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં 200,000 વ્યક્તિઓના મોત થતા હોવાનો અંદાજ છે, અને મૃત્યુ પામનાર મોટાભાગની વ્યક્તિઓની ઉંમર પાંચ વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધારે છે.
નોરોવાયરસ નીચા તાપમાનમાં જીવીત રહેવા સક્ષમ છે અને તેથી જ તે શિયાળા દરમિયાન અને ઓછું તાપમાન ધરાવતા દેશોમાં તેનો ચેપ વધારે ફેલાય છે. આથી જ તેને કેટલીકવાર “winter vomiting disease” તરીકે ઓળખવામાં આવે છે. યુનાઇટેડ કિંગડમમાં કોરોના મહામારી દરમિયાન નોરોવાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો, કદાચ આ બીમારી પાછળ વધારે ધ્યાન આપવામાં આવ્યું ન હોય તેવું પણ બની શકે છે. જો કે હાલમાં ત્યાં પણ આ બીમારીના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) દ્વારા વર્ષ 2022માં અપેક્ષિત કરતાં 48 ટકા વધુ કેસ નોંધાયા હતા.
પીઅર રિવ્યુડ જર્નલ વાઈરસમાં પ્રકાશિત થયેલ 2022નો અભ્યાસ કહે છે કે નોરોવાયરસ ચેપ વધુ આવક ધરાવતા દેશોમાં વધારે વખત જોવા મળે છે, જેમાં લગભગ 40 ટકા કેસ લાંબા ગાળાની સારવાર માંગી લે છે. તેનાથી વિપરીત, ભારતમાં નોરોવાયરસના કેસ મોટાભાગે શાળાઓ અને છાત્રાલયો જેવા સ્થળોએ મળી આવ્યા છે, જ્યાં લોકો ભોજનની આપ-લે કરતા હોય છે.
ભારતમાં નોરોવાયરસના કેટલા કેસ છે?
નોરોવાયરસના કેસને અન્ય દેશોમાં જેમ સામાન્ય ગણાય છે તેવું ભારતમાં નથી. આમ તો કેરળમાં તાજેતરમાં નોંધાયેલા આ વાયરસના કેસ ચિંતાજનક નથી. અગાઉ પણ આ વાયરસના કેસ નોંધાયા છે તે મુખ્યત્વ દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને કેરળમાં હતા.
ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ-વેલ્લોર દ્વારા 2016માં કરાયેલા એક અભ્યાસ મુજબ, જેમાં 373 વ્યક્તિનું જન્મ બાદ ત્રણ વર્ષ સુધી મોનેટરિંગ કરાયુ હતુ, જેમાં 1,856 ઝાડા અને 147 ઉલટીના કેસ નોંધાયા હતા. અભ્યાસમાં જણાવાયું છે કે 11.2 ટકા ઝાડાના કેસમાં અને 20.4 ટકા ઉલટીના કેસમાં નોરોવાયરસ જોવા મળ્યો હતો.
હૈદરાબાદના 2021ના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસ ધરાવતા બાળકોના 10.3 ટકા સેમ્પલમાં નોરોવાયરસ જોવા મળ્યો હતો.
આ વાયરસના કેસ કેરળમાં કેમ વધારે નોંધાય છે?
આનું કારણ કેરળની મજબૂત જાહેર આરોગ્ય વ્યવસ્થા છે જે ચેપને ઓળખવામાં અને તેનું ઝડપી ટેસ્ટિંગ કરવામાં સક્ષમ છે.
નોરોવાયરસના કેસ મોટા પ્રમાણમાં ફેલાઇ શકે છે?
ના. નોરોવાયરસના વધુ કેસો શોધી કાઢવામાં આવ્યા હોવા છતાં, નિષ્ણાતો કહે છે કે આનાથી મોટા પ્રમાણમાં મહામારી ફાટી નીકળવાની શક્યતા નથી. ડો. શ્રીકુમારે જણાવ્યુ કે, “જો કે અમે આ બીમારીના કેસોનો મહામારીના સહ-સંબંધમાં અભ્યાસ કર્યો નથી, અમે એક વાત નોંધી છે કે નોરોવાયરસના કેસો છૂટાછવાયા હોય છે અને તે શાળાઓ અથવા હોસ્ટેલમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે જ્યાં લોકો ભોજનની આપ-લે કરતા હોય છે. આ ચેપનું સંક્રમણ પણ આપમેળે મર્યાદિત છે. તે એક વ્યક્તિગત સમસ્યા છે, જાહેર આરોગ્યની બીમારી નથી.”
નોરોવાયરસના લક્ષણો
નોરોવાયરસના સંક્રમણના લક્ષણોમાં ઝાડા, ઉલટી, ઉબકા આવવા અને પેટમાં દુખાવો થવો વગેરે છે. આ બીમારીમાં વ્યક્તિને અતિશય ઝાડા થતા તેનાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ શકે છે. આ બીમારીમાં પુષ્કળ પ્રવાહી પીવાની ભલામણ કરવામાં આવે છે.
- ઝાડા
- તાવ આવવો
- ઉબકા આવવા
- ઉલટી થવી
- પેટમાં દુખાવો
- સ્નાયુમાં દુખાવો
- માથામાં દુખાવો અને શરીરમાં દુખાવો
- પેટમાં ગરબડ
નોરોવાયરસનો ચેપ કેવી રીતે ફેલાય છે?
નોરોવાયરસનો ચેપ દૂષિત ખોરાક, વાયરસથી દૂષિત સપાટીને સ્પર્શ કરવાથી અને ત્યારબાદ મોંને સ્પર્શ કરવાથી, અને ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ફેલાઇ શકે છે. સંક્રમિત વ્યક્તિની સારવાર ચાલી રહી હોય ત્યારે તેમના ખોરાક અને વાસણોને અલગ રાખવા જોઇએ.
- દૂષિત પાણી પીવું
- દૂષિત ખોરાક ખાવો
- નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું
- દૂષિત સપાટી અથવા વસ્તુના સંપર્કમાં આવ્યા પછી તમારા હાથથી મોંને સ્પર્શ કરવો
નોરોવાયરસના ચેપથી કેવી રીતે બચી શકાય?
હાથ સ્વચ્છ રાખવા એ આ વાયરસને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તમારા હાથને સાબુ અને પાણી વડે 20 સેકન્ડ સુધી ધોઈ લો. એવું માનવામાં આવે છે કે હેન્ડ સેનિટાઈઝર નોરોવાઈરસ સામે વધારે અસરકારક રીતે કામ કરતું નથી.
જેમ કે નોરોવાયરસનો ચેપ ભોજન મારફતે ફેલાય છે, તેથી એક બીમાર વ્યક્તિ અન્ય લોકો માટે ભોજન ન બનાવે તેવી ભલામણ કરાય છે. તમામ ખાદ્ય ચીજોને કાળજીપૂર્વક ધોઈને ઊંચા તાપમાને રાંધવી જોઈએ. નોરોવાયરસ 60 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને પણ જીવતી રહી શકે છે.
બીમાર વ્યક્તિને ઉલટી અથવા ઝાડા થયા હોય તેવા વિસ્તારોને જંતુનાશકો અથવા બ્લીચિંગનો ઉપયોગ કરીને સાફ કરવા જોઈએ.