Nuh violence : હરિયાણાના નૂહમાં ફરી એકવાર શોભા યાત્રા કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ શોભાયાત્રા પ્રથમ શોભાયાત્રાનો એક ભાગ છે. પલવલમાં યોજાયેલી બેઠકમાં મહાપંચાયતે આ નિર્ણય લીધો છે. ધાર્મિક સંગઠનોઓ માંગણી કરી હતી કે અધુરી રહેલી શોભાયાત્રાને પુરી કરવી જોઈએ. આ જ કારણે હવે 28 ઓગસ્ટે ફરી શોભાયાત્રા કાઢવામાં આવશે.
શું છે મહાપંચાયતની માંગ?
હવે વાત માત્ર નૂહમાં શોભા યાત્રા કાઢવાની વાત નથી, મહાપંચાયતે સરકાર સમક્ષ અનેક માંગણીઓ પણ મુકી છે. તે માંગણીઓમાં હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવાર માટે 1 કરોડ રૂપિયા, સરકારી નોકરી આપવાની વાત પણ કહેવામાં આવી છે. આ સિવાય એ વાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે કે જે લોકો આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહે છે, પછી તે બાંગ્લાદેશી હોય કે રોહિંગ્યા હોય, તે બધાને બહારનો રસ્તો બતાવવામાં આવે. નૂહની આસપાસના ગામોમાં લોકોને હથિયારના લાયસન્સ આપવામાં આવે.
આ પણ વાંચો – હરિયાણા હિંસા : પોલીસવાળાને જીવતા સળગાવવાની હતી યોજના? પોલીસની એફઆઈઆરમાં ગંભીર આરોપ
નૂહમાં હિંસા કેવી રીતે થઇ હતી?
તમને જણાવી દઈએ કે ગત વખતે જ્યારે નૂહમાં વિહિપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે હિંસા શરુ થઇ હતી. વાસ્તવમાં બજરંગ દળના નેતા મોનુ માનેસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વીડિયોમાં મોનુએ કહ્યું હતું કે તે પણ નૂહ શોભાયાત્રામાં ભાગ લેશે. આ કારણે નૂહનો મુસ્લિમ સમુદાય આક્રોશિત થઇ ગયો હતો. મોનુ પર નાસિર અને જુનૈદની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. પોલીસ તેને શોધી રહી છે, પરંતુ તે ફરાર છે.
આ જ કારણસર શોભાયાત્રા નૂહ પહોંચી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આગચંપી થઈ હતી અને જોરદાર હંગામો થયો. તે હિંસામાં કુલ 6 લોકોના મોત થયા હતા. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે કે, પ્રશાસન દ્વારા હિંસામાં સામેલ લોકો પર બુલડોઝરની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઘણા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.





