Haryana Violence Updates : હરિયાણાના નૂહમાં હજુ પણ તણાવ યથાવત છે. વહીવટીતંત્રે જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો છે. દરમિયાન આ કેસમાં હરિયાણા પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે નૂહ હિંસા એક આયોજિત કાવતરું હતું. તેનો હેતુ માત્ર પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો જ નહીં, પરંતુ તેમને જીવતા સળગાવવાનો પણ હતો.
એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે સેંકડો લોકોના ટોળાએ હત્યાના ઇરાદાથી અનેક સ્થળોએ પોલીસ પર હુમલો કર્યો હતો. સાઈબર પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાને લઇને એક એફઆઈઆરમાં કહેવામાં આવ્યું કે સેંકડો લોકોએ તેને ઘેરી લઈને પથ્થરમારો કર્યો હતો અને નારા લગાવ્યા કે તેઓ પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેશે.
પોલીસકર્મીઓ પર ફાયરિંગ પણ કર્યું
આ સિવાય એફઆઈઆરમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રદર્શનકારીઓએ બસનો ઉપયોગ કરીને પોલીસ સ્ટેશનનો મુખ્ય ગેટ અને દિવાલ તોડીને પોલીસ સ્ટેશનની ઉપર ચડી ગયા હતા. આ પછી તેઓએ ગેરકાયદેસર હથિયારોથી પોલીસકર્મીઓ પર ફાયરિંગ પણ કર્યું હતું. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે પહેલા પોલીસ દ્વારા ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં આત્મરક્ષામાં 100 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.
એફઆઈઆરમાં જણાવાયું છે કે પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની અંદર 15થી વધુ વાહનોને સળગાવી દીધા હતા. જ્યાં સુધી ત્યાં વધુ પોલીસફોર્સ ન પહોંચી ત્યાં સુધી ટોળાએ પોલીસ સ્ટેશનમાં હંગામો ચાલુ રાખ્યો હતો. એફઆઈઆરમાં જણાવ્યું છે કે ટોળું પોલીસકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતું રહ્યું હતું.
આ પણ વાંચો – પોલીસની અછત, મોનૂ માનેસર અંગે અફવાહ,સાઇબર ક્રાઇમ વિરુદ્ધ એક્શન.., જાણો નૂહમાં કેમ ભડકી હિંસા?
અન્ય એક એફઆઈઆરમાં જણાવ્યું છે કે વીએચપીની યાત્રા દરમિયાન 600 થી 700 પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બધું નૂહના નલ્હડ વિસ્તારમાં આવેલા નલ્કેશ્વર મંદિરમાં થયું હતું. જ્યાંથી યાત્રા શરૂ થવાની હતી.
હુમલામાં બે હોમગાર્ડ જવાનના મોત
પોલીસની એફઆઈઆરથી સ્પષ્ટ થાય છે કે પ્રદર્શનકારીઓ બંદૂકો, લાકડીઓથી સજ્જ હતા અને પોલીસને નિશાન બનાવ્યા હતા. નૂહમાં થયેલી હિંસામાં પોલીસના બે હોમગાર્ડ જવાનના મોત થયા હતા. નૂહમાં થયેલી હિંસા બાદ હરિયાણામાં અત્યાર સુધી કુલ 6 લોકોના મોત થયા છે. નૂહમાં થયેલી હિંસા બાદ ગુરુગ્રામની એક મસ્જિદમાં એક ઇમામની પણ હત્યા કરવામાં આવી હતી.
નૂહ, ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ અને ઝજ્જરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. નૂહના ડેપ્યુટી કમિશનર પ્રશાંત પનવારે જણાવ્યું હતું કે પોલીસની 14 કંપનીઓ ગ્રાઉન્ડ પર તૈનાત છે. શૈક્ષણિક સંસ્થાઓને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. સાયબર પોલીસ સ્ટેશનની ટીમ પણ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. વીએચપીએ આ મામલે એનઆઈએ તપાસની માંગ કરી છે.





