Odisha Crime News : ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક 25 વર્ષીય વ્યક્તિની તેની પત્ની અને બે વર્ષની પુત્રીને તેમના રૂમમાં ઝેરી સાપ છોડીને હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના વિશે જાણીને આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો આ ઘટના પર વિશ્વાસ કરી શકતા નથી.
આ કેસમાં પોલીસે જણાવ્યું કે, આ ઘટના અહીંથી લગભગ 60 કિલોમીટર દૂર કબીસૂરિયા નગર વિસ્તારના અધેગાંવ ગામમાં બની હતી. આરોપીની ઓળખ ગણેશ પાત્રના રૂપમાં છે. પાત્રાની 23 વર્ષની પત્ની કે. બસંતી પાત્રા સાથે વિવાદ ચાલી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર, તેમના લગ્ન 2020 માં થયા હતા અને તેમને બે વર્ષની પુત્રી છે.
પૂજાના બહાને એક મદારી પાસેથી સાપ ખરીદ્યો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ કથિત રીતે સાપને એક મદારી પાસેથી ખરીદ્યો હતો. તેણે મદારીને કહ્યું હતું કે, તે સાપનો ધાર્મિક હેતુ માટે ઉપયોગ કરશે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ગયા મહિને 6 ઓક્ટોબરે તે પ્લાસ્ટિકની બરણીમાં કિંગ કોબ્રા સાપ લાવ્યો હતો અને તેને તે રૂમમાં છોડી દીધો હતો. તે રૂમમાં તેની પત્ની અને પુત્રી સુતા હતા. તેણે કહ્યું કે, બીજા દિવસે સવારે સાપના ડંખને કારણે બંનેનું મોત થયું હતું, જ્યારે આરોપી પાત્રા બીજા રૂમમાં સૂતો હતો.
ગંજમ જિલ્લા પોલીસ અધિક્ષક જગમોહન મીનાએ જણાવ્યું કે, પોલીસે શરૂઆતમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો પરંતુ, આરોપીના સસરાએ તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. આ કેસમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, “આરોપીની ઘટનાના એક મહિના પછી ધરપકડ કરવામાં આવી હતી કારણ કે, તેની સામે પુરાવા એકત્ર કરવામાં થોડો વિલંબ થયો હતો. પૂછપરછ દરમિયાન, તેણે શરૂઆતમાં આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, સાપ તેની જાતે રૂમમાં પ્રવેશ્યો હોઈ શકે છે. જોકે તેણે ગુનો કબૂલી લીધો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.





