Odisha Train Accident : ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હવે તપાસનો પ્રારંભિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સિગ્નલ ફેલ થવાને કારણે આ અકસ્માત થયો છે.
તપાસમાં શું સામે આવ્યું?
જે ઈન્સ્પેક્શન રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ બીજી ટ્રેનને સમયસર સિગ્નલ ન મળી શક્યું જેના કારણે એક જ ટ્રેક પર બે ટ્રેન આવી ગઈ અને આ મોટી દુર્ઘટના થઈ. અત્યાર સુધી આ અહેવાલને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલ છે કે, સિગ્નલ ન મળવું એ અકસ્માતનું મુખ્ય કારણ બની ગયું છે. તકનીકી શબ્દ લૂપ લાઇન. વાસ્તવમાં, જ્યારે કોઈ સ્ટેશન પરથી ટ્રેન પસાર કરવાની હોય છે, ત્યારે બીજી ટ્રેનને લૂપ લાઇન પર રાખવામાં આવે છે. આ કિસ્સામાં માલગાડી ટ્રેન લૂપ લાઈન પર હતી, જેથી કોરોમંડલ એક્સપ્રેસનો રસ્તો ક્લિયર થઈ શકે. હવે કોરોમંડલ એક્સપ્રેસ તેજ ગતિથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે કેટલાક કોચ માલલાડી સાથે ટકરાયા હતા. ત્યારબાદ એ જ ટ્રેક પર દોડતી યશવંતપુર હાવડા એક્સપ્રેસ આવી અને કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ.
સરકારની સહાય રકમની જાહેરાત
હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળની મુલાકાત લેવાના છે. તે ત્યાં પહોંચશે અને હોસ્પિટલમાં પીડિતોને પણ મળશે, અધિકારીઓ સાથે બેઠક પણ કરી શકે છે.
અકસ્માતની વાત કરીએ તો, લગભગ 1000 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, લોકોને બંગાળથી લઈને ઓડિશા સુધી અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનો માટે રૂ. 10 લાખ, વધુ ગંભીર ઇજાગ્રસ્તોને રૂ. 2 લાખ અને નાની-મોટી ઇજા પહોંચી છે તેમને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
અકસ્માત અંગે કોંગ્રેસે શું કહ્યું?
ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસે શનિવારે કહ્યું કે, આ દુર્ઘટના એ વિચારવા મજબૂર કરે છે કે રેલવેમાં સુરક્ષા હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે, આ દુર્ઘટનાને લઈને ઘણા સવાલો ઉઠાવવાની જરૂર છે, પરંતુ તેમની પાર્ટી આ સવાલો રવિવારે ઉઠાવશે.





