Odisha train tragedy: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) સાંજે થયેલા અકસ્માત સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે અકસ્માત સમયે આ વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો. આ વીડિયોમાં તે ક્ષણ બતાવવામાં આવી છે જ્યારે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જોકે અમે આ દાવાની ખરાઈ કરતા નથી.
વીડિયોમાં શું છે?
ઓડિશાની એક ટીવી ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મુસાફરો આરામ કરતા અને સફાઇ કર્મીઓ જોવા મળે છે. અચાનક જ એક ઝટકો લાગે છે અને દરેક બાજુ ચીસ-પુકાર સંભળાય છે. આ પછી સ્ક્રીન પર અંધારું થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એ જ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેનના અકસ્માતના સમયનો છે.
હોસ્પિટલમાં દાખલ પુત્રએ ટીવી પર માતા-પિતાને જોયા
ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 15 વર્ષના યુવકે હોસ્પિટલમાં ચાલી રહેલા ટીવી પર પોતાના માતા-પિતાની ઓળખ કરી હતી. આ ઘટના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના માતા-પિતા તેની શોધખોળ કરી રહ્યા હતા. તેને લાઇવ ટેલિવિઝન ઇન્ટરવ્યૂથી તેમના સગીર પુત્રને શોધવામાં મદદ મળી હતી. 15 વર્ષીય રામાનંદ પાસવાન કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર હતો જ્યારે 2 જૂને આ અકસ્માત થયો હતો.
આ પણ વાંચો – ઓડિશા ટ્રેન અકસ્માત : રેલ અકસ્માતની સંખ્યા અને કારણો વિશે CAGની રિપોર્ટમાં ચોંકાવનાર ખુલાસો
15 વર્ષીય રામાનંદે એક ન્યૂઝ ચેનલ પર તેના માતા-પિતાને જોયા હતા અને અધિકારીઓને જાણ કરી હતી. આ પછી વહીવટી તંત્ર સતર્ક બની ગયું હતું અને તેના માતા-પિતા સાથે તેનું મિલન થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા આ છોકરાને તેના માતા-પિતા સાથે ફરીથી મુલાકાત કરાવવામાં હોસ્પિટલે સમય લીધો ન હતો. તેના માતા-પિતા નેપાળથી તેની શોધમાં આવ્યા હતા.
રામાનંદ પાસવાનના પિતા હરિ પાસવાને પોતાના પુત્રને શોધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું કે હું મારા પુત્રને મેળવીને ખુશ છું. તે અમારા ત્રણ સંબંધીઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો. આ અકસ્માતમાં તે બધાના મોત થયા હતા. મારો પુત્ર બચી ગયો, તે અમારા માટે ચમત્કાર છે.





