ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયંકર ત્રિપલ ટ્રેન અકસ્માતથી લોકો હજુ પણ ભયભીત અને દહેશતમાં છે. આ અકસ્માત બાદ કેન્દ્રની મોદી સરકાર સતત વિપક્ષના ટાર્ગેટ પર છે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. વિપક્ષે વૈષ્ણવ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે, જેના કારણે લગભગ 288 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. ચાલો જાણીએ કે ભૂતકાળમાં આવા ભયંકર ટ્રેન અકસ્માત બાદ કયા-ક્યા રેલવે મંત્રીઓએ રાજીનામું આપ્યા.
- વર્ષ 1956માં લાલ બહાદુર શાસ્ત્રીએ તમિલનાડુ ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ ટ્રેન અકસ્માતમાં 250 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આની પહેલા આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનામાં 100 લોકોના મોત બાદ તેમણે પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી, પરંતુ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમનું રાજીનામું સ્વીકાર્યું ન હતું.
- નીતિશ કુમારે પણ 1999માં રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યુ હતુ. પશ્ચિમ બંગાળના ગાયસાલમાં એક ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં 285 લોકોના મોત થયા અને 300 લોકો ઘાયલ થયા હતા. બ્રહ્મપુત્ર મેલ અને અવધ અસમ એક્સપ્રેસ વચ્ચે ટક્કર થઇ હતી. આ ટ્રેન અકસ્માત બાદ તરત જ નીતિશ કુમારે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતુ. અલબત્ત અટલ બિહારી વાજપાયીએ તેમને ઉતાવળ ન કરવા આગ્રહ કર્યો હતો. નીતિશ કુમારે કહ્યુ હતુ કે, તેમાં કોઇ રાજનીતિ નથી અને તેઓ ઘણા દુખી છે. તે સમયે કેન્દ્રમાં ભાજપ અને જેડીયુના ગઠબંધનની સરકાર હતી.

- વર્ષ 2000માં જ્યારે મમતા બેનર્જી કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા, ત્યારે એક ટ્રેન અકસ્માતમાં 43 લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ તેમણે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, પરંતુ તેમણે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
- વર્ષ 2016માં મોદી સરકારમાં રેલ્વે મંત્રી રહેલા સુરેશ પ્રભુએ 4 દિવસમાં બે ટ્રેન અકસ્માત બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અકસ્માતમાં 150 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ પ્રભુને રાજીનામું પાછું ખેંચવા વિનંતી કરી હતી, પ્રભુએ કહ્યું હતું કે તેમણે આ અકસ્માતોની નૈતિક જવાબદારી લીધી છે અને તેમણે રાજીનામું આપ્યું છે.
બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગણી
ગત શુક્રવારે ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ વચ્ચે, ભારતીય જનતા પાર્ટી જૂના રેલ્વે રેકોર્ડમાં ખોદકામ કરી રહી છે અને કેન્દ્ર સરકાર પર લાગેલા આરોપોનો બદલો લઈ રહી છે. ભાજપનો દાવો છે કે જ્યારે મમતા બેનર્જી રેલવે મંત્રી હતા ત્યારે ટ્રેન અથડામણની 54 ઘટના ઘટી, 839 ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ અને 1,451 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભાજપે નીતિશ કુમાર પર પણ નિશાન સાધતા કહ્યું કે જ્યારે તેઓ રેલ મંત્રી હતા ત્યારે ટ્રેન અથડામણના 51 કેસ, 550 ટ્રેન પાટા પરથી ઉતરી જવાના અને 1,199 લોકોએ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.





