Odisha Train Accident : ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં CBI તપાસ થઈ શકે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે રેલવે તરફથી તેની ભલામણ આવી છે આવી સ્થિતિમાં હવે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી શકે છે. મોટી વાત એ છે કે ગઈકાલે એક પૂર્વ રેલ મંત્રીએ પણ આ સમગ્ર ઘટનાને કાવતરું ગણાવ્યું હતું. આ દરમિયાન સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. કેન્દ્ર આ ભલામણને ક્યારે મંજૂર કરશે તે હજુ સ્પષ્ટ નથી.
મીડિયા સાથે વાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આટલી મોટી દુર્ઘટના સાથે બધાએ સાથે મળીને બચાવ કાર્ય કર્યું છે. અત્યાર સુધી ટ્રેકનું સમારકામ થઇ ગયું છે, જે ઉપર ઈલેક્ટ્રીક વાયર છે તેને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાંની પરિસ્થિતિ જોતા રેલવે બોર્ડ તરફથી સીબીઆઈ તપાસની ભલામણ આવી છે, તેને આગળ વધારવામાં આવશે.
આ પણ વાંચો – Odisha Train Accident : ઓડિશા ટ્રેન અકસ્માત કેવી રીતે થયો? સમજીએ સરળ શબ્દોમાં
જવાબદાર લોકોની ઓળખ થઈ ગઈ છે : અશ્વિની વૈષ્ણવ
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કરમાં 275 મુસાફરોના મોત થયા છે. કમિશ્નર ઓફ રેલવે સેફ્ટીએ આ મામલે તપાસ કરી છે અને ઘટનાનું કારણ અને જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોના અભ્યાસનો ખર્ચો ઉઠાવશે અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોના અભ્યાસનો ખર્ચો ઉઠાવશે. તેમણે ટ્વિટ કર્યું કે ટ્રેન દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ વ્યથિત છીએ. અમે નિર્ણય કર્યો છે કે આ અકસ્માતમાં જે બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના શાળાના શિક્ષણની જવાબદારી અદાણી જૂથ ઉઠાવશે. પીડિતો અને તેમના પરિવારોને સાંત્વના અને બાળકોને સારું ભવિષ્ય મળે આ આપણા બધાની સંયુક્ત જવાબદારી છે.
ટ્રેન દુર્ઘટના પર રાજકારણ ગરમાયું
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પર રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. સરકાર દ્વારા મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી છે.