One Nation One Election: શું એક દેશ, એક ચૂંટણી શક્ય છે? દેશને કેટલો ફાયદો અને કેટલું નુકસાન? જાણો દરેક પ્રશ્નનો જવાબ

One Nation One Election : વન નેશન વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી માટેનું બિલ (Bill) મોદી સરકાર (Modi govt) સંસદ સત્ર (Parliament session) માં લાવી શકે છે. તો જોઈએ શું આ શક્ય છે? કેવા પડકારો છે? દેશને શું ફાયદો થાય? વગેરે વગેરે બધુ જ જોઈએ.

Written by Kiran Mehta
Updated : September 01, 2023 13:43 IST
One Nation One Election: શું એક દેશ, એક ચૂંટણી શક્ય છે? દેશને કેટલો ફાયદો અને કેટલું નુકસાન? જાણો દરેક પ્રશ્નનો જવાબ
એક દેશ, એક ચૂંટણી - તમામ વિગત

કુલદીપ સિંહ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2024 ની લોકસભા ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. કેન્દ્ર સરકાર વન નેશન વન ઈલેક્શનને લઈને આગળ વધી છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, આમાં એક દેશ એક ચૂંટણીને લઈને બિલ લાવવામાં આવી શકે છે. આ અંગે સરકારે એક કમિટી પણ બનાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 2018 માં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ, એક ચૂંટણીને લઈને મામલો રજૂ કર્યો હતો. સરકાર આ બાબતે કેમ આગળ વધી રહી છે, તેવા અનેક સવાલો સામે આવ્યા છે. શા માટે એક દેશ, એક ચૂંટણીની જરૂર છે? ચાલો આ બધા પ્રશ્નોના જવાબો વિગતવાર સમજીએ.

એક સાથે દેશમાં ચૂંટણીની જરૂર કેમ પડી?

એક દેશ એક ચૂંટણીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની પાછળ પણ એક કારણ છે. હકીકતમાં, કોઈપણ જિલ્લામાં સામાન્ય રીતે ચાર વખત આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. લોકસભા ચૂંટણી, વિધાનસભા ચૂંટણી, પાલિકા અને પંચાયતની ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. જ્યારે આચારસંહિતા લાગુ પડે છે ત્યારે તેની સીધી અસર વિકાસ યોજનાઓ પર પડે છે. દેશમાં સતત ચૂંટણીની સ્થિતિને કારણે સરકારને નીતિ અને વહીવટી નિર્ણયો લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આના કારણે અનેક મહત્ત્વના કામો પ્રભાવિત રહે છે.

હવે કાયદો શું કહે છે?

કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ચૂંટણીને લઈને બંધારણમાં તેમના કાર્યકાળથી લઈને અન્ય બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જો સરકારે આ દિશામાં આગળ વધવું હશે તો તેના માટે સંસદમાં બંધારણ સંશોધન બિલ લાવવું પડશે. તેની મંજૂરી બાદ આ દિશામાં પ્રગતિ થઈ શકશે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે આ મામલો સામે આવ્યો છે. કાયદા પંચે આ અંગે 1999, 2015 અને 2018 માં ત્રણ વખત રિપોર્ટ આપ્યો હતો. તો, અગાઉ 2016 માં સંસદીય સમિતિએ પણ તેનો વચગાળાનો અહેવાલ આપ્યો હતો. 2018 માં જ્યારે આ મામલો સામે આવ્યો, ત્યારે કેન્દ્રએ સમગ્ર મામલો કાયદા પંચને સોંપી દીધો હતો. કાયદા પંચ દ્વારા આ અંગેનો સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

2018 માં કાયદા પંચે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે કરાવવાની જરૂર છે, તેવું વાતાવરણ છે. કમિશને તેના અહેવાલમાં સ્વીકાર્યું હતું કે, વર્તમાન નિયમો અનુસાર એક સાથે ચૂંટણી શક્ય નથી અને તેથી બંધારણમાં કેટલાક સુધારા જરૂરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જો સરકારે તેનો અમલ કરવો હશે તો, બંધારણમાં ઓછામાં ઓછા 5 સુધારા કરવા પડશે.

શું એક સાથે ચૂંટણી શક્ય છે?

સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું દેશમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એક સાથે શક્ય છે. જવાબ હા છે. આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. આઝાદી પછી કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ એક સાથે યોજાઈ છે. આ પછી કેન્દ્ર અને રાજ્યોમાં સરકારો પડી જવાને કારણે તેમની ચૂંટણીમાં ફરક જોવા મળ્યો છે. જો 2024 માં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે તો ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પંજાબ, ગુજરાત અને ગોવા જેવા રાજ્યોની સરકારોને બહુ ઓછા સમયમાં બરખાસ્ત કરવી પડશે.

આ પડકારનો સામનો કરવો પડશે

એક દેશ એક ચૂંટણી, સરકાર સામે એક સમસ્યા દેશની રાજકીય વ્યવસ્થાને લઈને પણ છે. વાસ્તવમાં જ્યાં કેન્દ્રમાં ભાજપ અને કોંગ્રેસ જેવા બે મોટા રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સ્પર્ધા છે ત્યાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે. અનેક વખત રાજ્યોમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પણ સામે આવે છે. આવી સ્થિતિમાં ગઠબંધન સરકાર રચાય છે. આવી સ્થિતિમાં જો સરકાર પડી તો, એક દેશ એક ચૂંટણીનો ક્રમ તૂટી જશે.

અગાઉ કેન્દ્ર અને રાજ્યની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી

ભલે આજે દેશમાં એક દેશ એક ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે, પરંતુ આઝાદી પછી દેશમાં કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ એક સાથે થઈ. 1952 માં જ્યારે દેશમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યાર બાદ રાજ્યોની ચૂંટણીઓ પણ એક સાથે થઈ હતી. આ પછી 1957, 1962, 1967 માં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચૂંટણી એક સાથે થઈ. 1967 માં ઉત્તર પ્રદેશમાં ચૌધરી ચરણ સિંહના બળવાને કારણે સીપી ગુપ્તાની સરકાર પડી અને અહીંથી એક સાથે ચૂંટણીનું અંકગણિત પણ બગડી ગયું. આ પછી, વર્ષ 1968 અને 1969 માં, કેટલાક રાજ્યોની સરકારો સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. 1971 ના યુદ્ધ પછી, લોકસભાની ચૂંટણી પણ નિર્ધારિત સમય પહેલા યોજાઈ હતી. આનાથી ચૂંટણીનું ગણિત બગડી ગયું. 2019 ની લોકસભા ચૂંટણીમાં ઓડિશામાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી.

એક દેશ, એક ચૂંટણી કેટલી મોટી હશે?

ચૂંટણી પંચે એક દેશ, એક ચૂંટણી માટે મોટી તૈયારીઓ કરવી પડશે. દેશમાં લોકસભાની 543 બેઠકો છે. તે બધા પર એક સાથે ચૂંટણી યોજાય છે. આ સિવાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 4126 બેઠકો પર ચૂંટણી થાય. સમસ્યા એ છે કે ઘણા રાજ્યોમાં થોડા સમય પહેલા જ વિધાનસભાની રચના કરવામાં આવી છે. આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં, કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ સમય પહેલા સમાપ્ત કરવો પડી શકે છે, જ્યારે કેટલીકનો કાર્યકાળ લંબાવવો પડે તેમ છે. ચૂંટણી પંચ અનુસાર, 2019 ની લોકસભા ચૂંટણીમાં કુલ 91 કરોડ મતદારો હતા. આ વખતે તેમની સંખ્યા વધીને 101 કરોડ થઈ શકે છે. મતદારો માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવી એ પણ એક મોટો પડકાર હશે.

ચૂંટણી પાછળ કેટલો ખર્ચ થાય છે?

ચૂંટણી કેન્દ્રની હોય કે વિધાનસભાની, તેની સીધી અસર સરકારી તિજોરી પર પડે છે. લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ખર્ચને અડધા-અડધા ભાગમાં વહેંચે છે. બીજી તરફ, વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે ખર્ચ થાય છે, તે રાજ્યો પોતે ભોગવે છે. આવી સ્થિતિમાં રાજ્યોને બે વાર ફટકો પડે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારનું કહેવું છે કે, કેન્દ્ર અને રાજ્યોમાં એકસાથે ચૂંટણી થવી જોઈએ. આના પર જે પણ ખર્ચ કરવામાં આવે તે કેન્દ્ર અને રાજ્યએ સમાન રીતે ઉઠાવવો જોઈએ. સરકારી તિજોરી મુજબ તેને યોગ્ય પગલું ગણી શકાય.

આ પણ વાંચોઅવકાશમાં સૂર્યોદય કેટલી વાર થાય છે? અવકાશયાત્રીઓ દિવસ-રાત વિશે કેવી રીતે ખબર પડે છે, જાણો બધુ

સરકારી ડેટા અનુસાર, કેન્દ્ર સરકારે 2014 થી 2020 સુધીની ચૂંટણી માટે 5794 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં બે વખત લોકસભાની ચૂંટણી અને વિવિધ રાજ્યોમાં 50 વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચુકી છે. એક સર્વે મુજબ 2019 ની લોકસભા ચૂંટણીમાં લગભગ 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાંથી લગભગ 9 હજાર કરોડ રૂપિયા સરકાર અને ચૂંટણી પંચ દ્વારા ખર્ચવામાં આવ્યા હતા. આંકડા મુજબ 1952 માં ચૂંટણી પાછળ 10 કરોડ 45 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો આંકડાઓની વાત કરીએ તો, તે દરમિયાન પ્રતિ મતદાતાનો ખર્ચ માત્ર 60 પૈસા હતો, જે 1991 માં વધીને 359 કરોડ રૂપિયા થયો હતો અને પ્રતિ મતદાર ખર્ચ 7 રૂપિયા હતો. આ પછી, 2014 માં, આ ખર્ચ વધીને 3870 કરોડ થયો અને પ્રતિ મતદાર ખર્ચ 46.40 રૂપિયા હતો.

ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે?

ચૂંટણી દરમિયાન, ચૂંટણી પંચ અને કેન્દ્ર ઈવીએમથી લઈને મતદાર યાદીઓ તૈયાર કરવા, મતદાન પક્ષોની તાલીમ, મતદાન પક્ષોની હિલચાલ, તેમની ભોજન વ્યવસ્થા અને કેન્દ્રીય દળોની નિમણૂક સુધીનો ખર્ચ કરે છે. જેમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પર ભારે ખર્ચ કરવામાં આવે છે. એક સર્વે મુજબ, કોઈપણ ચૂંટણીમાં થતા કુલ ખર્ચના 15 ટકા સરકાર અને ચૂંટણી પંચ, 40 ટકા ઉમેદવારો, 35 ટકા રાજકીય પક્ષો, 5 ટકા મીડિયા ખર્ચ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ