લોકસભા ચૂંટણી : 2019માં ભાજપે એકલા હાથે 56 ટકા સીટો જીતી હતી, પટનામાં ભેગી થયેલી પાર્ટીઓથી ઘણી વધારે

opposition meeting in patna - વિપક્ષી એકતાની બેઠકમાં ભાગ લેનાર પાર્ટીઓમાં કોંગ્રેસ 2019માં સીટોની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી હતી. તેના ખાતામાં સૌથી વધુ 52 સીટો આવી હતી

Written by Ashish Goyal
June 23, 2023 19:07 IST
લોકસભા ચૂંટણી : 2019માં ભાજપે એકલા હાથે 56 ટકા સીટો જીતી હતી, પટનામાં ભેગી થયેલી પાર્ટીઓથી ઘણી વધારે
પટનામાં વિપક્ષી એકતાની આ બેઠકમાં કોંગ્રેસ, એનસીપી, જેડીયુ અને ડીએમકે સહિત કુલ 15 પાર્ટીઓના નેતા સામેલ રહ્યા હતા (તસવીર - એઅનઆઈ)

Opposition Unity: બિહારની રાજધાની પટનામાં 23 જૂને લગભગ દોઢ ડઝનથી વધારે વિપક્ષી દળોના નેતા મળ્યા હતા. નીતિશ કુમારની પહેલ પર આયોજિત આ બેઠકનો એક જ એજન્ડો છે – 2024માં બીજેપીને સત્તામાંથી બહાર કરવી. વિપક્ષી એકતાની આ બેઠકમાં કોંગ્રેસ, એનસીપી, જેડીયુ અને ડીએમકે સહિત કુલ 15 પાર્ટીઓના નેતા સામેલ રહ્યા હતા. રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે જો વિપક્ષ ભાજપ સામે એકજૂથ થાય તો 2024માં દરેક બેઠક પર વિપક્ષના એક સંયુક્ત ઉમેદવારને મેદાનમાં ઉતારી શકાય છે. જેથી મતનું વિભાજન થતું અટકાવી શકાય. પરંતુ શું આ વ્યૂહરચના કામ કરશે? 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરીએ અને આ સવાલનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ. આંકડા પરથી સમજીએ.

2019ના આંકડા શું દર્શાવે છે?

બીજેપી સામે જે પાર્ટીઓ વિપક્ષી એકતા બેઠકમાં સામેલ થઇ છે. જો આ તમામ પક્ષો 2019માં એકસાથે ચૂંટણી લડ્યા હોત તો ભાજપને કોઇ ખાસ નુકસાન પહોંચ્યું ન હોત. 2019ની ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો આ તમામ પાર્ટીઓની કુલ બેઠકો માત્ર ભાજપે જીતેલી બેઠકોમાંથી અડધી પણ નથી. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી. એટલે કે 55.9 ટકા બેઠકો જીતી હતી.

પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં સામેલ તમામ પક્ષોની પાસે 148 સીટો હતી અને વોટ શેર 24.15 ટકા હતો. જેમાં જેડી(યુ) અને શિવસેનાએ જીતેલી 34 બેઠકોનો સમાવેશ થાય છે. હવે શિવસેનામાં બે ભાગલા પડી ગયા છે. જ્યારે જેડીયુ એનડીએ ગઠબંધનમાંથી બહાર થઇ ગયું છે.

વિપક્ષ એકજૂથ થાય તો પણ ભાજપને રોકવો મુશ્કેલ

વિપક્ષી એકતાની બેઠકમાં ભાગ લેનાર પાર્ટીઓમાં કોંગ્રેસ 2019માં સીટોની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી હતી. તેના ખાતામાં સૌથી વધુ 52 સીટો આવી હતી અને જે મળેલી સીટોમાં 9.1 ટકા છે. એ જ રીતે ડીએમકે 23 બેઠકો મેળવીને બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી હતી. તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો મળી હતી અને સીટોમાં 4.1 ટકા છે. આ ઉપરાંત બેઠકમાં સામેલ અન્ય પક્ષોમાં કેટલાકને માત્ર 5 તો કોઇને કે એકપણ બેઠક મળી ન હતી અને વોટ શેર એક ટકાની અંદર હતો.

આ પણ વાંચો – પહેલા પણ રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન બનતા આવ્યા છે, જુઓ રાજકીય ઈતિહાસ

ભાજપનું પ્રદર્શન કેવી રહ્યું હતું?

હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 303 સીટો જીતી હતી. જે જીતેલી સીટોમાં 55.9 ટકા છે. જો સાથી પક્ષો એટલે કે એનડીએની વાત કરીએ તો કુલ બેઠકોની સંખ્યા 353 પર પહોંચી હતી. 2014ની સરખામણીએ ભાજપની બેઠકો તો વધી જ હતી, પરંતુ વોટ શેર પણ વધ્યો હતો. 2014માં ભાજપે 282 બેઠકો જીતી હતી અને 51.09 ટકા સીટો જીતી હતી.

બીજી તરફ વિપક્ષી એકતાની બેઠકમાં સામેલ એનસીપી અને આરજેડી જેવા પક્ષોને નુકસાન વેઠવું પડ્યું હતું. 2019માં આરજેડી 4 સીટથી ઘટીને શૂન્ય થઈ ગઈ હતી.

ભાજપને રોકવો કેમ આટલો મુશ્કેલ છે?

આવી સ્થિતિમાં 2019ની ચૂંટણીના પરિણામો જે બતાવી રહ્યા છે કે વિપક્ષી એકતાની બેઠકમાં સામેલ થયેલી પાર્ટીઓ 2024માં એક થાય તો પણ એ કહેવું મુશ્કેલ છે તે ભાજપને હરાવવા સફળ થશે. વિપક્ષી એકતાના માર્ગમાં અન્ય પડકારો પણ છે. જેમ કે મમતા બેનરજી ડાબેરી પક્ષોની વિરુદ્ધમાં છે. જ્યારે અરવિંદ કેજરીવાલની શરત એ છે કે દિલ્હી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અધ્યાદેશ પર પહેલા ચર્ચા થવી જોઈએ. આ જ રીતે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસની વિરુદ્ધમાં છે. આવી સ્થિતિમાં સામાન્ય વિપક્ષનું ચિત્ર પણ સ્પષ્ટ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ