Indian National Democratic Inclusive Alliance : મોદી સરકારનો મુકાબલો કરવા માટે વિપક્ષી પાર્ટીઓની એકતાની ચાલી રહેલી કવાયતમાં ગઠબંધનના નેતાઓ એક ડગલું આગળ વધી ગયા છે. આ ગઠબંધનનું નામ ઇન્ડિયાના સ્પેલિંગ સાથે બનાવવામાં આવ્યું છે. હાલમાં બેંગલુરુમાં ચાલી રહેલી 26 પાર્ટીઓની બેઠકમાં આ ગઠબંધનને ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે. તેનું પૂરું નામ ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે ટૂંકમાં INDIA છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી દળોની બેઠક પુરી થયા પછી કહ્યું કે અમારા ગઠબંધનનું નામ ઇન્ડિયા રહેશે. તેમણે કહ્યું કે હવે યુપીએના સ્થાને તેનું નામ ઇન્ડિયા જ રહેશે. બધા દળોએ તેના પર સહમતિ વ્યક્ત કરી છે. ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપ સંવૈધાનિક સંસ્થાઓનો દુરપયોગ કરી રહી છે.
તેમણે કહ્યું કે ચૂંટણી માટે દિલ્હીમાં ઇન્ડિયાનું એક સચિવાલય બનાવવામાં આવશે. હવે આગામી બેઠક મુંબઈમાં યોજાશે. વિપક્ષી ગઠબંધનમાં 11 સભ્યોની એક સમન્વય સમિતિ બનાવવામાં આવશે અને મુંબઈમાં યોજાનારી આગામી બેઠકમાં તેના સભ્યોના નામની જાહેરાત કરાશે.
મીડિયા સાથે વાતચીતમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે શું તમે લોકો ઇન્ડિયાને પડકાર આપી શકશો. તેમણે દાવો કર્યો કે 2024ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા જીતશે અને બીજેપી હારી જશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે દેશને બચાવવા અને નવું ભારત બનાવવા માટે ભેગા થયા છીએ.
આ પણ વાંચો – NDAમાં સામેલ થયા 6 દળ, બીજેપીએ ગઠબંધન કરીને કેવી રીતે બદલ્યા અનેક રાજ્યોના રાજકીય સમીકરણ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે 26 પક્ષો છીએ અને 11 રાજ્યોમાં અમારી સરકાર છે. ભાજપે પોતાની જાતે 303 બેઠકો જીતી નથી, તેણે સહયોગી દળોના વોટ લીધા હતા અને બાદમાં તેમને હાંકી કાઢ્યા હતા. મંગળવારે એનડીએની બેઠક પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને પાર્ટીના નેતાઓ જૂના સહયોગીઓને જોડવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યા છે.
સૂત્રોના હવાલાથી જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ આ પ્રસ્તાવ આપ્યો હતો. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઘણા ધારાસભ્યો અને સાંસદોએ આ નામ પર સહમતિ દર્શાવી છે. સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધીને આ ઇન્ડિયા ગઠબંધનના ચેરપર્સન બનાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ પક્ષો આના પર સહમત છે. આ પહેલા આ બેઠકમાં સામેલ તમામ પક્ષોના નેતાઓએ 2024ની લોકસભા ચૂંટણીમાં સર્વાનુમતે મોદી સરકારનો મુકાબલો કરવા માટે સંપૂર્ણ એકતા અને તાકાતમાં એકજૂથ થવા પર સહમતિ વ્યક્ત કરી હતી.





