PM Narendra Modi Rajya Sabha Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે કોંગ્રેસ પાસે પોતાના નેતાની કોઇ ગેરેન્ટી નથી, તે મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ટીકા કરવી કેટલાક લોકોની મજબૂરી છે. કડવી વાત કરવી કેટલાક સાથીઓની મજબૂરી છે. વડાપ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધતા કહ્યું કે સદનમાં દેશના વડાપ્રધાનનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે તમારો એક એક શબ્દ ખૂબ જ ધીરજ અને વિનમ્રતાથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ આજે પણ તમે ન સાંભળવાની તૈયારી કરીને આવ્યા છો. પણ તમે મારા અવાજને દબાવી નહીં શકો. દેશની જનતાએ આ અવાજને તાકાત આપી છે, તેથી હું પણ આ વખતે પૂરી તૈયારી સાથે આવ્યો છું.
ખડગેજીએ મનોરંજનની ખોટ પુરી કરી : પીએમ મોદી
વડાપ્રધાને કહ્યું કે તમને પશ્ચિમ બંગાળથી પડકાર મળ્યો છે. 40ને પાર ન કરવાનો પડકાર આવી ગયો છે. હું પ્રાર્થના કરું છું કે તમે 40 ને બચાવી શકો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ખડગેજીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. હું તે દિવસે ખૂબ જ ધ્યાન અને આનંદ સાથે તેમને સાંભળી રહ્યો હતો. લોકસભામાં મનોરંજનની ખોટ અમને લાગી રહી હતી તે તેમણે પુરી કરી દીધી છે. તે દિવસે બે કમાન્ડો આવ્યા ન હતા અને તેઓએ તકનો ફાયદો ઉઠાવ્યો હતો અને ઘણા ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી માં 400 સીટનો ટાર્ગેટ, માત્ર દાવો જ બની રહેશે? રાજ્યોનું ગણિત ભાજપના પક્ષમાં બેસતુ નથી
માત્ર પોતાના પરિવારને જ ભારત રત્ન આપતા રહ્યા – પ્રધાનમંત્રી
પીએમ મોદીએ કહ્યું કે આ પાર્ટી હવે જૂની થઈ ગઈ છે. આ પાર્ટી આઝાદી બાદથી જ મૂંઝવણમાં છે. કોંગ્રેસના કાર્યકાળમાં દેશ ગુસ્સામાં હતો. તેઓ મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસે નેરેટિવ ફેલાવ્યો હતો, જેનું પરિણામ એ આવ્યું હતું કે જે લોકો ભારતની સંસ્કૃતિ અને સંસ્કારોમાં માનતા લોકોને ખૂબ જ લઘુતાગ્રંથિથી જોવામાં આવ્યા હતા. આમ આપણા ભૂતકાળ સાથે અન્યાય કરવામાં આવ્યો. તેમનું નેતૃત્વ ક્યાં હતું. તે દુનિયા સારી રીતે જાણે છે. જે કોંગ્રેસે ઓબીસીની ક્યારે પુરી રીતે અનામત ના આપી, જેમણે સામાન્ય વર્ગના ગરીબોને ક્યારેય અનામત ના આપી, જેમણે બાબા સાહેબને ભારત રત્નના યોગ્ય ના માન્યા ફક્ત પોતાના પરિવારને ભારત રત્ન આપતી રહી.
આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં – પીએમ મોદી
કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. કોંગ્રેસ પાર્ટીનો વિચાર આઉટડેટેડ થઇ ગયો છે. જ્યારે વિચાર જૂનો થઈ ગયો છે ત્યારે તેમણે તેમનું કાર્ય પણ આઉટસોર્સ કર્યું છે. આટલો મોટો પક્ષ, આટલા લાંબો સમય શાસન કરનાર પક્ષ, આવું પતન. અમને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે.