Parliament Monsoon Session Updates : રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પાસ થઇ ગયું છે. પક્ષમાં 131 વોટ પડ્યા હતા અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ મુદ્દે પોતાની વાત રાખી હતી. અમિત શાહે કહ્યું કે અમારો ઉદ્દેશ દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર સુનિશ્ચિત કરવાનો છે. આ બિલ દિલ્હીની વ્યવસ્થા સુધારવા માટે લાવવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું કે આ બિલનો હેતુ દિલ્હીમાં ભ્રષ્ટાચાર રોકવાનો છે અને બિલની એક પણ જોગવાઈ ખોટી નથી.
અમિત શાહે કહ્યું કે દિલ્હી સરકારે કેન્દ્રના પાવર પર અતિક્રમણ કર્યું છે. તેમણે કહ્યું કે અમારે પાવર લેવાની જરૂર નથી, દેશની જનતાના આશીર્વાદથી અમે સત્તામાં છીએ અને ઘણા રાજ્યોમાં અમારી પાસે પૂર્ણ બહુમતની સરકાર છે. અમિત શાહે કહ્યું કે સંસદને દિલ્હી માટે કાયદા બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના કોઈ પણ નિર્ણયનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.
ગૃહમંત્રીએ કહ્યું કે દિલ્હી સરકારને સિમિત અધિકાર આપવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી પણ મર્યાદિત સત્તાથી વાકેફ છે. દિલ્હી રાજ્ય રાજધાની પ્રદેશ છે પૂણે રાજ્ય નથી. 1991થી 2015 સુધી ટ્રાન્સફર પોસ્ટિંગ વિવાદને લઈને કોઈ પણ સીએમે કેન્દ્ર સાથે ઝઘડો કર્યો ન હતો.
આ પણ વાંચો – શું છે ન્યૂઝ ક્લિક? ભાજપ લગાવી રહ્યું છે ગંભીર આરોપ, ન્યૂયોર્ક ટાઇમ્સના ઇન્વેસ્ટિગેશન પછી ભારતમાં બબાલ
અમિત શાહે કહ્યું કે સંસદ કાયદા બનાવી શકે છે અને કાયદાને ખતમ કરી શકે છે, સંસદને આ અધિકાર છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે અને ‘આપ’ના ખોળામાં બેઠેલી કોંગ્રેસ આ કાયદો લાવી હતી. પરંતુ હવે તે પોતાના કાયદાને હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ફેરફાર ઇમરજન્સી લાવવા માટે નથી. કોંગ્રેસને લોકશાહી પર બોલવાનો કોઈ અધિકાર નથી. આ બિલ કોઈ પીએમને બચાવવા માટે નથી.
અમિત શાહે કહ્યું કે અરવિંદ કેજરીવાલે જે પોતાના માટે બંગલા બનાવ્યા છે, તે માટે નક્કી કરેલી રકમથી 6 ગણી વધારે રકમ ખર્ચ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે એક્સાઈઝ કૌભાંડની ફાઈલ, શીશ મહલની ફાઇલ વિજિલન્સ પાસે હતી એટલે તે વિજિલન્સ પાછળ પડ્યા છે.





