Parliament Monsoon Session Updates : મણિપુરમાં હિંસા અને બબાલના મુદ્દા પર સંસદમાં સત્તા અને વિપક્ષ વચ્ચે ટકરાવના કારણે સતત કાર્યવાહી ખોરવાઇ રહી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સાંસદોને સદનની મર્યાદા બનાવી રાખે અને કાર્યવાહીને સરળતાથી ચાલવા દે. જો આવું નહીં થાય તો તેઓ કાર્યવાહી કરશે. સતત હંગામા પર તેમણે કહ્યું કે સદનમાં કેટલાક સભ્યોનું વર્તન સદનની ઉચ્ચ પરંપરાઓથી વિરુદ્ધ છે.
નારાજ થયેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્પીકરની ખુરશી પર બેસવાની ના પાડી દીધી હતી. લોકસભા અધ્યક્ષે પોતાના નિર્ણયની જાણકારી તમામ સભ્યોને આપતા કહ્યું કે જ્યાં સુધી સદનમાં તેમની ગરિમા અને અનુશાસન નહીં જળવાય ત્યાં સુધી તેઓ પોતાની સીટ પર નહીં જાય. લોકસભા અધ્યક્ષ બિરલાએ કહ્યું કે તેમના માટે ગૃહની ગરિમા સર્વોચ્ચ છે. સદનમાં શિષ્ટાચાર જાળવવો એ બધાની સામૂહિક જવાબદારી છે.
વિરોધ પક્ષોના સભ્યોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરના મુદ્દે ગૃહમાં આવીને નિવેદન આપવું જોઇએ અને જણાવવું જોઇએ કે મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે સરકાર શું પગલાં લઇ રહી છે. આ કારણે સદનની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે.
આ પણ વાંચો – 8 ઓગસ્ટે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ, સરકારને બીજેડીના 12 સાંસદોનું પણ સમર્થન મળ્યું
બીજી તરફ સરકારે લોકસભામાં વિવાદાસ્પદ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 રજૂ કર્યું હતું. વિપક્ષે આ બિલનો સખત વિરોધ કર્યો હતો. વિપક્ષનું કહેવું છે કે આ બિલનો હેતુ દિલ્હી સરકારને કામ કરતા રોકવાનો છે, જ્યારે સરકારનું કહેવું છે કે આ બિલનો હેતુ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વ્યવસ્થા જાળવી રાખવાનો છે.
મણિપુરને લઈને સંસદમાં મડાગાંઠ ચોમાસુ સત્રની શરૂઆતથી જ ચાલુ છે. વિપક્ષના સભ્યોના હંગામાને કારણે લોકસભાને સતત સ્થગિત કરવી પડી રહી છે. ઓમ બિરલા બુધવારે લોકસભામાં ગયા ન હતા. વિવિધ રાજકીય પક્ષોને કડક ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તમે ગૃહને સરળતાથી ચાલવા નહીં દો, ત્યાં સુધી હું અંદર નહીં જાઉં.





