Parliament Security Breach : 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર બુધવારે સંસદની સુરક્ષામાં ભંગની મોટી ઘટના બની હતી. સાગર શર્મા અને મનોરંજન ડી નામના બે શખ્સો લોકસભામાં ઝીરો અવર દરમિયાન વિઝિટર્સ ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા અને કેન દ્વારા પીળો ધુમાડા ફેલાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે સદનમાં હાજર સાંસદોએ તેમને પકડી લીધા હતા. લલિત ઝા સંસદની સુરક્ષામાં ભંગનો માસ્ટર માઇન્ડ હોવાની શંકા છે. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. લલિત હાલ ફરાર છે અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેને શોધી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ લલિતને શોધી કાઢવા દરોડા પાડી રહી છે. કોલકાતાનો રહેવાસી લલિત વ્યવસાયે શિક્ષક છે અને તે આ ઘટનાનો મુખ્ય કાવતરાખોર હોવાનું મનાય છે. જાણકારી અનુસાર લલિત અને અન્ય 5 લોકોને ક્રાંતિકારી શહીદ ભગતસિંહથી પ્રેરણા મળી હતી કે તેઓ એવા કામ કરે જે દેશનું ધ્યાન આકર્ષિત કરી શકે. તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર તમામ છ વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ ફેસબુક પર ભગતસિંહના ફેન પેજ પર જોડાયા હતા.
એક વર્ષ પહેલા મૈસૂરમાં મળીને સંસદમાં પ્રવેશવાની યોજના બનાવી હતી
લલિત, સાગર અને મનોરંજનની મુલાકાત લગભગ એક વર્ષ પહેલા મૈસુરમાં થઈ હતી, જ્યાં તેમણે સંસદમાં પ્રવેશવાની યોજના બનાવી હતી. બાદમાં તેઓએ આ યોજનામાં નીલમ અને અમોલનો સમાવેશ કર્યો હતો. લલિતે આગેવાની લીધી અને મનોરંજનને મોનસૂન સત્ર દરમિયાન સંસદના તમામ પ્રવેશ બિંદુઓની તપાસ કરવા નિર્દેશ આપ્યો. જુલાઈમાં મનોરંજન દિલ્હી આવ્યો હતા અને એક સાંસદના નામે જારી કરવામાં આવેલા વિઝિટર્સ પાસ પર સંસદની અંદર ગયો હતો. ત્યાં તેને ખબર પડી કે શૂઝની તપાસ થતી નથી.
આ પણ વાંચો – લોકસભામાં સુરક્ષા ચૂક | લોકસભામાંથી 14 અને રાજ્યસભામાંથી 1 સાંસદ સસ્પેન્ડ
બુધવારે લલિત અન્ય ચાર લોકો સાથે સંસદમાં આવ્યો હતો. તેમાંથી માત્ર બે જ પાસ મળ્યા તો લલિતે સાગર, મનોરંજન, નીલમ અને અમોલના મોબાઈલ ફોન પોતાની સાથે લઈ જવાનું નક્કી કર્યું. સંસદ સંકુલની અંદર અને બહાર જે રંગબેરંગી સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો તે અમોલ મહારાષ્ટ્રના કલ્યાણથી લાવ્યો હતો.
10 ડિસેમ્બરે પાંચેય ભેગા થયા હતા
લલિતનું છેલ્લું લોકેશન રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર આવેલા નીમરાણામાં મળ્યું હતું. પોલીસે અગાઉ કહ્યું હતું કે પાંચેય લોકો 10 ડિસેમ્બરે એકઠા થયા હતા અને ગુરુગ્રામમાં વિશાસ શર્માના નિવાસસ્થાને રોકાયા હતા. પોલીસ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે સુરક્ષા ભંગ સંપૂર્ણ રીતે સંકલિત અને સારી રીતે પ્લાન કરેલો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બધાની વિચારધારા એક જ હતી તેથી તેઓએ સરકારને સંદેશો મોકલવાનો નિર્ણય કર્યો હતો.
સંસદની સુરક્ષાના ભંગમાં મુખ્ય કાવતરાખોર
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાનું આયોજન છ વ્યક્તિઓએ કર્યું હતું અને ચારેય શખ્સો એક જ જૂથનો ભાગ હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંસદની સુરક્ષાનો ભંગ કરનારા આ છ લોકો દેશના અલગ અલગ શહેરોના છે અને તેમણે મેસેજિંગ પ્લેટફોર્મના માધ્યમથી વાત કરીને ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું, જેના માટે તેઓ હરિયાણાના ગુરુગ્રામના એક ફ્લેટમાં ભેગા થયા હતા. જોકે પોલીસનું કહેવું છે કે મુખ્ય કાવતરાખોર કોઇ અન્ય વ્યક્તિ છે. સદનમાં કૂદેલા બે વ્યક્તિઓની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. સંસદની બહારથી ધરપકડ કરાયેલા બંનેની ઓળખ હરિયાણાના જીંદ જિલ્લાના ગામ ઘાસો ખુર્દની રહેવાસી નીલમ (42) અને લાતુર (મહારાષ્ટ્ર)ના રહેવાસી અમોલ શિંદે (25) તરીકે થઈ છે.





