Parliament Security Breach : સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન વિઝિટર્સ ગેલેરીમાંથી બે શખ્સો કૂદી પડ્યા હતા. આ સમય દરમિયાન ત્યાં બેઠેલા સાંસદો ડરી ગયા હતા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે જે પણ અહીં આવે છે, પછી તે મુલાકાતીઓ હોય કે પત્રકાર, તેઓ ટેગ રાખતા નથી. તેથી મને લાગે છે કે સરકારે તેના પર ધ્યાન આપવું જોઈએ. મને લાગે છે કે આ પુરી રીતે સુરક્માં ચૂક છે. લોકસભાની અંદર કંઈ પણ થઈ શક્યું હોત.
તેમના હાથમાં સ્મોક કેન્ડલ હતા – કાર્તિ ચિદમ્બરમ
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે અચાનક 20 વર્ષની ઉંમરના બે યુવાનો મુલાકાતીઓની ગેલેરીમાંથી સદનમાં કૂદી પડ્યા હતા અને તેમના હાથમાં સ્મોક કેન્ડલ હતા. તેમાંથી પીળો ધુમાડો નીકળતો હતો. તેમાંથી એક અધ્યક્ષની ખુરશી તરફ દોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે કેટલાક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ધુમાડો ઝેરીલો પણ હોઈ શકતો હતો. ખાસ કરીને 13 ડિસેમ્બરે સુરક્ષાનો આ એક ગંભીર મુદ્દો છે કારણ 13 ડિસેમ્બરે સંસદ પર 2001માં આ જ દિવસે હુમલો થયો હતો.
આ ચોક્કસપણે સુરક્ષામાં ચૂક છે – અધીર રંજન ચૌધરી
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે બે યુવાનો ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું હતું જેમાંથી ગેસ બહાર આવી રહ્યો હતો. તેમને સાંસદોએ પકડ્યા હતા અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. સંસદની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ ચોક્કસપણે સુરક્ષામાં ચૂક છે.
આ પણ વાંચો – લોકસભા સુરક્ષા ભંગ : સંસદમાં કેવી રીતે પહોંચ્યા શંકાસ્પદ? કોને અને કેવી રીતે મળે એન્ટ્રી પાસ
આ એક ભયાનક અનુભવ હતો – અરવિંદ સાવંત
શિવસેના (યુબીટી)ના સાંસદ અરવિંદ સાવંતે સંસદમાં સુરક્ષા ભંગ અંગે કહ્યું કે કોઈને ઈજા થઈ નથી. જ્યારે તેઓ નીચે કૂદી પડ્યા ત્યારે પાછળની પાટલીઓ ખાલી હતી તેથી તેઓ પકડાઈ ગયા. ગૃહમાં બે મંત્રીઓ હતા. ટીએમસી સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે કહ્યું કે આ એક ભયાનક અનુભવ હતો. કોઈ પણ અનુમાન લગાવી શક્યું નહીં કે તેમનું લક્ષ્ય શું છે અને તેઓ તે શા માટે કરી રહ્યા છે. અમે બધા તરત જ ગૃહની બહાર નીકળી ગયા પરંતુ તે સુરક્ષામાં ચૂક હતી. તેમણે ધુમાડો છોડનાર ઉપકરણો સાથે કેવી રીતે પ્રવેશ કરી લીધો?
દિલ્હી પોલીસે શું કહ્યું
આ ઘટના પર દિલ્હી પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પરિવહન ભવનની સામેથી બે પ્રદર્શનકારીઓ (એક પુરુષ અને એક મહિલા)ની અટકાયત કરવામાં આવી હતી. એક પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસ સુરક્ષા ચૂક અને કોણે પાસ આપ્યો તેની સાથે સંબંધિત છે. અંદર કૂદનારાના કોઈ સાથે સંબંધ છે કે કેમ તે અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે. મલ્ટી એજન્સી પણ પૂછપરછ કરી શકે છે.





