સંસદમાં બજેટ સત્રનો બીજો રાઉન્ડ આજથી શરુ થયો છે. સંસદ શરુ થતાં જ બંને ગૃહોમાં જમકર હંગામો મચી ગયો હતો. રાહુલ ગાંધીના કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયમાં આપવામાં આવેલા નિવેદનને લઇને બીજેપીએ વિપક્ષને ઘેરી લીધી હતી. બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બીજેપી સરકાર સામે જોરદાર નિશાન સાધ્યું હતું. મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે દેશમાં કંઈપણ લોકતંત્રના હિસાબથી થતું નથી.
મીડિયા સાથે વાત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશને તાનાશાહી રીતે ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “મોદીજીના શાસનમાં કાયદાનું શાસન અને લોકશાહી નથી. તેઓ દેશને સરમુખત્યારશાહીની જેમ ચલાવે છે અને પછી લોકશાહીની વાત કરે છે. ગૃહના નેતા (પિયુષ ગોયલ) એ એક પ્રશ્ન ઉઠાવ્યો જેનો ગૃહ સાથે કોઈ સંબંધ નથી. રાહુલજીએ લંડનમાં જે કહ્યું તે રાજ્યસભામાં ઉઠાવ્યું. નિયમો હેઠળ આ ખોટું છે.”
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “તેઓ એવા વ્યક્તિ વિશે કેવી રીતે સવાલ ઉઠાવી શકે છે જે ગૃહ (રાજ્યસભા)નો ભાગ પણ નથી? ગૃહના નેતા 10 મિનિટ બોલ્યા અને વિપક્ષના નેતાને માત્ર 2 મિનિટનો સમય આપવામાં આવ્યો, શું છે આ નિયમ? આ લોકશાહીનો અંત છે અને આ જ તેમણે (રાહુલ ગાંધી) સેમિનારમાં કહ્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેએ પણ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જેપીસી તપાસની માંગ કરી હતી. ખડગેએ કહ્યું, “અમે અદાણીના શેરના મુદ્દા પર જેપીસીની રચનાની માંગ કરી રહ્યા છીએ. જ્યારે અમે આ મુદ્દો ઉઠાવીએ છીએ, ત્યારે માઈક બંધ થઈ જાય છે અને ગૃહમાં હોબાળો થાય છે.”
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, “આ સસ્તી રાજનીતિ છે કારણ કે રાહુલ ગાંધીએ એ નથી કહ્યું કે તેમના પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘અમે આંતરિક રીતે મુદ્દાઓને ઉકેલીશું અને ફક્ત દરેક જણ જાગૃત રહે તેવું ઇચ્છીએ છીએ, ભારતીય લોકશાહી વૈશ્વિક જનહિત છે’. એવું કંઈ નથી કે જેના માટે તેણે માફી માંગવાની જરૂર હોય.”
સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પક્ષના નેતાઓએ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. CBI અને EDના દરોડાનો વિરોધ વિપક્ષે કર્યો હતો. વિપક્ષે કહ્યું કે ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કેમ નથી થતી?