Parliament Special Session : મોદી સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સરકારે આ સત્ર કેમ બોલાવ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. સંસદના વિશેષ સત્રના એજન્ડાને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે કેટલાક મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સરકાર સંસદના વિશેષ સત્રમાં ‘એક દેશ, એક ચૂંટણી’ સાથે જોડાયેલ બિલ લાવી શકે છે. સંસદના આ વિશેષ સત્રમાં 5 બેઠક થશે.
દેશમાં એક સાથે ચૂંટણીઓની હિમાયત કેમ કરવામાં આવી રહી છે?
વન નેશન, વન ઇલેક્શનનો વિચાર સૌ પ્રથમ 1983ની આસપાસ ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આઝાદી બાદ પહેલીવાર 1951-52માં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થઈ હતી. 1957, 1962 અને 1967માં પણ આવું જ બન્યું હતું, પરંતુ આ પછી કેટલીક વિધાનસભાઓના અકાળે વિસર્જનને કારણે આ ચક્ર તૂટી ગયું હતું અને 1968 અને 1969માં ચૂંટણીઓ યોજાઇ હતી. 1970માં લોકસભા જ સમય પહેલા ભંગ કરી દેવામાં આવી હતી. આ પછી ધીરે ધીરે ચૂંટણી ચક્ર બગડ્યું અને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી યોજવામાં આવી હતી.
આ પણ વાંચો – સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે બોલાવવામાં આવ્યું, થશે 5 બેઠકો
ચૂંટણી પ્રક્રિયામાં ઘણી મોટી રકમ ખર્ચાય છે. જો સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજાય તો સમય અને નાણાંની બચત થાય. એટલું જ નહીં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિકાસના કામો પર વધુ ધ્યાન આપવાનો સમય મળશે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાને કારણે જે વિકાસનું ચક્ર અટકે છે તે પણ સતત 5 વર્ષ સુધી નોન સ્ટોપ ચાલી શકશે.
વિરોધ શા માટે થાય છે?
મોટાભાગના પ્રાદેશિક પક્ષો દેશમાં એક સાથે ચૂંટણીઓનો વિરોધ કરે છે. વાસ્તવમાં આ પાર્ટીઓનું માનવું છે કે એક સાથે ચૂંટણી થવાને કારણે કેન્દ્રના મુદ્દા રાજ્યના મુદ્દાઓને ગાયબ કરી શકે છે અને ચૂંટણીમાં મોટા પક્ષોને વધુ ફાયદો થશે. આની સામે બીજી દલીલ એ છે કે જો 5 વર્ષમાં માત્ર એક જ વાર ચૂંટણી થાય તો નેતાઓ મતદાતાથી દૂર થઈ જશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અલગ અલગ સમયે યોજાતી હોવાથી નેતાઓને વચ્ચે-વચ્ચે મતદારોનો સામનો કરવો પડે છે અને તેમની જવાબદારી વધે છે અને તેઓ સતર્ક રહે છે.





