Parliament Security Breach: બુધવારે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષના સાંસદો આ મુદ્દે સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં ગુરુવારે આ મુદ્દે હંગામો થયો હતો. આ હોબાળા વચ્ચે કુલ 14 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પહેલા ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાં થયેલા હંગામાની વચ્ચે અપમાનજનક ગેરવર્તણૂક બદલ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પહેલા 5 અને પછી 9 સાંસદોને લોકસભામાં સસ્પેન્ડ
આ પહેલા કોંગ્રેસના પાંચ સાંસદો – ટીએન પ્રતાપન, હિબી ઈડન, એસ જોથિમની, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી પણ સતત હંગામો કરી રહેલા 5 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં જે લોકસભા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં બેની બેહનન, મોહમ્મદ જાવેદ, પીઆર નટરાજન, કનિમોઇનો સમાવેશ થાય છે. આ બધાને લોકસભામાં અનુચિત વ્યવહાર માટે બચેલા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ
આ પહેલા રાજ્યસભામાંથી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર જ્યારે બપોરે 12 વાગ્યા બાદ રાજ્યસભા ફરીથી શરૂ થઈ તો અધ્યક્ષ જગદીપ ધનખડેએ ડેરેક ઓ બ્રાયનનું નામ લઈને તેમને ચેતવણી આપી હતી. આ પહેલા સવારે પણ તેમનું નામ ગેરવર્તણૂક માટે લેવામાં આવ્યું હતું અને અધ્યક્ષે તેમને ગૃહ છોડવાનું કહ્યું હતું.
આ પણ વાંચો – કોણ છે ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હા? જેમના વિઝિટર પાસથી સંસદમાં પહોંચ્યા હતા બે યુવકો
ડેરેક ઓ બ્રાયન પર અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવાનો અને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો આરોપ લગાવતા અધ્યક્ષે ગૃહના નેતા પિયુષ ગોયલને આ મામલે તેમની વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવાની મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો હતો. જે પછી અધ્યક્ષે ડેરેક ઓ બ્રાયનને બાકી રહેલા સત્રમાંથી ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
ઇન્ડિયા ગઠબંધને ગૃહમંત્રીના નિવેદનની કરી માંગ
ગુરુવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંસદની સુરક્ષામાં ચૂકના મામલે બેઠક યોજી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે આ મુદ્દાની ગંભીરતાને જોતા ગૃહમંત્રી અમિત શાહે સંસદના બંને ગૃહોમાં નિવેદન આપવું જોઈએ અને આ મામલે બંને સદનોમાં ચર્ચા થવી જોઈએ. આ ઉપરાંત લોકસભામાં સાંસદોની બેન્ચ પર કૂદનાર વ્યક્તિને વિઝિટર પાસ માટે ભલામણ કરનાર ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હા સામે કાર્યવાહી કરવાની માગણી વિરોધ પક્ષો કરી રહ્યા છે.





