Pew survey : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને પ્રભાવ પર પ્યૂ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટમાં કેટલાક દાવા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10માંથી લગભગ 8 ભારતીયોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોઝિટિવ વિચાર છે અને તેઓ પીએમનું સમર્થન કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મામલોમાં યોગ્ય પગલા ભરવા માટે 37 ટકા લોકો વડાપ્રધાન પર વિશ્વાસ કરે છે. જોકે 40 ટકા લોકોનું કહેવું છે કે તેમને પીએમ મોદી પર વિશ્વાસ કરતા નથી. આ સર્વે 20 ફેબ્રુઆરીથી 22 મે દરમિયાન 24 દેશોમાં કરવામાં આવ્યો હતો.
શું કહે છે રિપોર્ટ?
પ્યૂ રિસર્ચ સેન્ટરના આ સર્વેમાં 10માંથી લગભગ 8 ભારતીયો પીએમ મોદી વિશે પોઝિટિવ અભિપ્રાય ધરાવે છે. જેમાંથી 55 ટકા લોકો ઘણો સારો દૃષ્ટિકોણ ધરાવે છે. જ્યારે માત્ર પાંચ ટકા ભારતીયો જ પીએમ મોદી પર વિશ્વાસ રાખતા નથી. લગભગ દર દસમાંથી સાત ભારતીયોએ કહ્યું હતું કે હાલના વર્ષોમાં દેશનો પ્રભાવ મજબૂત બની રહ્યો છે, જ્યારે પાંચથી પણ ઓછા લોકો માને છે કે તે નબળો થઇ રહ્યો છે.
આ પણ વાંચો – જી-20 સમિટ ભારત માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે, પીએમ નરેન્દ્ર મોદી એમ જ તૈયારીમાં લાગ્યા નથી
ભારતના પ્રભાવને લઇને શું મત છે?
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં શાસક પક્ષોનું સમર્થન કરનારાઓનું કહેવું છે કે ભારતનો પ્રભાવ વધી રહ્યો છે. દર દસમાંથી સાત ભારતીયોએ કહ્યું હતું કે તાજેતરના વર્ષોમાં દેશનો પ્રભાવ મજબૂત બની રહ્યો છે, જ્યારે પાંચમા ભાગ કરતા પણ ઓછા લોકો માને છે કે તે નબળો પડી રહ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પોતાને એશિયામાં ચીનના આર્થિક અને સૈન્ય આક્રમકતા સામે એક સુરક્ષા કવચના રૂપમાં પણ તૈનાત કર્યું છે. ભારતે અમેરિકા અને રશિયા બંને તાકોતા સાથે સારા સંબંધો રાખ્યા છે.
રિપોર્ટનું બીજું પાસું અલગ-અલગ દેશો વિશેના મંતવ્યોથી સંબંધિત છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 65 ટકા ભારતીયો અમેરિકાને વધુ અનુકૂળ માને છે, જ્યારે 10માંથી 4 લોકો માને છે કે રશિયાનો વૈશ્વિક પ્રભાવ મજબૂત થયો છે. પ્યૂએ જણાવ્યું હતું કે આ વર્ષે સર્વેક્ષણમાં સામેલ કરાયેલા 24 દેશોમાંથી ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં બહુમતીનો અભિપ્રાય રશિયાની તરફેણમાં છે અને તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર વિશ્વાસ કરે છે.





