PM Modi flag off Five Vande Bharat Express trains : ટ્રેન મુસાફરો માટે વધુ એક સારા સમાચાર છે, દેશમાં નવી 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જૂન, 2023ના રોજ એક સાથે 5 વંદે ભારત ટ્રેનને ગ્રીન સિગ્નલ આપશે. પીએમ મોદી મંગળવારે મધ્યપ્રદેશની મુલાકાતે જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ સ્થિત રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એક સાથે પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. જાણો આ નવી 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નામ, રૂટ અને સ્ટેશન વિશેની તમામ માહિતી વિગતવાર
નવી 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નામ
પીએમઓ ઓફિસ દ્વારા અપાયેલી માહિતી મુજબ મંગળવારે સવારે લગભગ સાડા 10 વાગેની આસપાસ પીએમ મોદી ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એક સાથે 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપશે, જેમના નામ આ મુજબ છે.
- ભોપાલ- ઇન્દોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
- ભોપાલ – જબલપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
- રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
- ધારવાડ – બેંગ્લુરુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
- ગોવા (મડગાંવ) મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
જેમાં ગોવા, બિહાર અને ઝારખંડ રાજ્યને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી રહી છે. આ ટ્રેનોમાં પ્રવાસીઓને વિશ્વ સ્તરીય અનુભવ મળશે સાથે સાથે પ્રવાસનને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
રાણી કમલાપતિ ભોપાલ – જબલપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
PMOના જણાવ્યા અનુસાર, રાણી કમલાપતિ ભોપાલ જબલપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જબલપુરને મધ્યપ્રદેશના પાટનગર ભોપાળ સાથે જોડાશે. તેનાથી ભેડાઘાટ, પંચમઢી, સતપુરા વગેરે પ્રવાસન સ્થળોએ અવરજવરમાં સુવિધા રહેશે. આ વંદે ભારત ટ્રેન આ રૂટ પર દોડતી અન્ય ટ્રેનોની તુલનામાં લગભગ 30 મિનિટ ઝડપી હશે. તે મધ્યપ્રદેશની બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બનશે. મધ્યપ્રદેશને અગાઉ દિલ્હી- ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી હતી, જે આ કેટેગરીમાં સૌથી ઝડપી ટ્રેન માનવામાં આવે છે.
ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલવા પ્રદેશ (ઈન્દોર) અને બુંદેલખંડ પ્રદેશ (ખજુરાહો)ને મધ્ય પ્રદેશ (ભોપાલ) સાથે જોડશે, બંને પ્રદેશોની કનેક્ટિવિટીમાં સુધારો કરશે. તેનાથી મહાકાલેશ્વર, માંડુ, મહેશ્વર, ખજુરાહો, પન્ના જેવા મહત્વના પ્રવાસન સ્થળોને ફાયદો થશે. આ ટ્રેન આ રૂટની સૌથી ઝડપી ટ્રેન કરતાં લગભગ 2.30 કલાક વધુ ઝડપી હશે. દિલ્હી-ભોપાલ વંદે ભારત એક્સપ્રેસને ભારતની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેનો પૈકીની એક ગણવામાં આવે છે.
મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
મડગાંવ (ગોવા)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બનશે. તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે. નવી હાઈ-સ્પીડ ટ્રેનથી મુસાફરીના સમયમાં એક કલાકથી વધુનો ઘટાડો કરશે. પીએમઓએ આની પુષ્ટિ કરતા કહ્યું કે, તે બે સ્થળોને જોડતી હાલની સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં લગભગ એક કલાકનો મુસાફરીનો સમય બચાવવામાં મદદ કરશે.

ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કર્ણાટકના મહત્વના શહેરો ધારવાડ, હુબલી અને દાવણગેરેને રાજ્યના પાટનગર બેંગલુરુ સાથે જોડશે. પીએમઓએ કહ્યું કે આનાથી પ્રદેશના પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ વગેરેને ઘણો ફાયદો થશે. આ ટ્રેન આ રૂટ પર હાલની સૌથી ઝડપી ટ્રેન કરતાં લગભગ 30 મિનિટ વધુ ઝડપથી દોડશે. નવી વંદે ભારત એક્સપ્રેસ બેંગલુરુ અને હુબલી-ધારવાડ વચ્ચેનું આશરે 490 કિલોમીટરનું અંતર 6 કલાક અને 13 મિનિટમાં કાપશે. ટ્રેન બેંગલુરુથી સવારે 5:45 વાગ્યે ઉપડશે અને 11:58 વાગ્યે ધારવાડ રેલવે સ્ટેશનો પર પહોંચશે.
આ પણ વાંચો- ટ્રેનમાં સામાન ચોરાય તો જવાબદાર કોણ, રેલવે પાસે વળતર માંગી શકાય? સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસ
પટના વંદે ભારત એક્સપ્રેસ ઝારખંડ અને બિહાર માટે પ્રથમ વંદે ભારત હશે. પીએમઓ ઓફિસએ કહ્યું કે, પટના અને રાંચી વચ્ચે કનેક્ટિવિટી વધારનારી આ ટ્રેન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હાલમાં બે સ્થળોને જોડતી સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં મુસાફરીમાં તે લગભગ એક કલાક અને પચીસ મિનિટનો સમય બચાવવામાં મદદ કરશે. તે ટાટીસિલવાઈ, બીઆઈટી મેસરા, બરકાકાના અને હજારીબાગમાંથી પસાર થશે.





