PM MOdi Independence Day Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના ભાષણમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આરએસએસ એક એવું સંગઠન છે, જે છેલ્લાં 100 વર્ષથી સમાજ અને દેશની સેવામાં લાગેલું છે. તમને જણાવી દઇયે કે, 2025માં સંઘનું શતાબ્દી વર્ષ છે એટલે કે આ વર્ષે સંઘને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તેની સ્થાપના 1925માં નાગપુરમાં કેશવ બલિરામ હેડગેવારે કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે હું ગર્વ સાથે કહેવા માંગુ છું કે 100 વર્ષ પહેલા એક સંગઠનનો જન્મ થયો હતો – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ). દેશસેવાના 100 વર્ષ એક ગૌરવશાળી, સ્વર્ણિમ અધ્યાય છે. ભારત માતાના કલ્યાણના ઉદ્દેશ સાથે ‘વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ’ના સંકલ્પ સાથે સ્વંયસેવકોએ માતૃભૂમિના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. એક રીતે જોઈએ તો આરએસએસ દુનિયાની સૌથી મોટી એનજીઓ છે. તેનો 100 વર્ષનો સમર્પણનો ઇતિહાસ છે. ”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમને લાલ કિલ્લા પરથી ઓપરેશન સિંદૂરનાં બહાદુર સૈનિકોને સલામ કરવાની તક મળી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા બહાદુર, વીર સૈનિકોએ તેમની કલ્પના બહાર દુશ્મનોને સજા કરી છે.
પોડકાસ્ટમાં RSSની પ્રશંસા કરી હતી
આ વર્ષે માર્ચમાં અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટ “લેક્સ ફ્રિડમેન પોડકાસ્ટ” (Lex Fridman Podcast)માં પીએમમોદીએ આરએસએસના પણ વખાણ કર્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું કે આરએસએસ વિશે તમે શું કહી શકો છો અને આ સંગઠનની તમારા પર શું અસર પડી છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, “છેલ્લા 100 વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વિશ્વની ઝગમગાટથી દૂર રહીને સમર્પણ સાથે કામ કર્યું છે અને મારું સૌભાગ્ય છે કે મને આવી સંસ્થાથી જીવનના મૂલ્યો મળ્યા, મને હેતુપૂર્ણ જીવન મળ્યું, આ મારું સૌભાગ્ય છે કે હું થોડા સમય માટે સંતોની વચ્ચે ગયો.” ”
આ પણ વાંચો | મોદી સરકાર દિવાળી પર GST કાયદામાં સુધારો કરશે, PM એ લાલ કિલ્લા પરથી કહ્યું- સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે
પીએમ મોદીએ કહ્યું હતું કે, “કરોડો લોકો આરએસએસ સાથે જોડાયેલા છે, આરએસએસને સમજવું એટલું સરળ નથી, વ્યક્તિએ તેના કામને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.” જીવનના હેતુની બાબતમાં સંઘ તમને સારી દિશા આપે છે. આરએસએસના કેટલાક સ્વયંસેવકોએ સેવા ભારતી નામનું સંગઠન બનાવ્યું છે. સેવા ભારતી માત્ર સમુદાયની મદદથી કોઈ પણ સરકારી સહાય વિના ઝૂંપડપટ્ટીમાં લગભગ 125,000 સેવા પ્રોજેક્ટ્સ ચલાવે છે. આવામાં તેઓ બાળકોને ભણાવે છે અને બીજી કામગીરી પણ કરે છે. ”
મોદીએ કહ્યું હતું કે આરએસએસના સ્વયંસેવકો વનવાસી કલ્યાણ આશ્રમ પણ ચલાવી રહ્યા છે.