PM Modi In Mann Ki Baat : પીએમ નરેન્દ્ર મોદીએ આજે રેડિયો શો મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો. મન કી વાત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, જેમણે કટોકટી લાદી હતી તેમણે આપણા બંધારણની હત્યા કરી એટલું જ નહીં પરંતુ તેમનો ઇરાદો ન્યાયતંત્રને પોતાનો ગુલામ બનાવી રાખવાનો હતો. આ સમય દરમિયાન લોકોને બહુ ત્રાસ આપવામાં આવ્યો હતો. આના ઘણા ઉદાહરણો છે જે ક્યારેય ભૂલી શકાતા નથી.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘જ્યોર્જ ફર્નાન્ડિસ સાહેબને સાંકળથી બાંધી દેવામાં આવ્યા હતા. ઘણાને ભારે યાતનાઓ આપવામાં આવી હતી. મીસા હેઠળ, કોઈની પણ આવી જ રીતે ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પણ હેરાન કરવામાં આવ્યા હતા. અભિવ્યક્તિની સ્વતંત્રતાને પણ દબાવવામાં આવી હતી. “તે સમયગાળા દરમિયાન ધરપકડ કરાયેલા હજારો લોકો પર આવા જ અમાનવીય અત્યાચારો કરવામાં આવ્યા હતા. પરંતુ આ જ તો ભારતની જનતાની તાકાત છે, તેમણે નમતું જોખ્યું નહીં, તેઓ તૂટ્યા નહીં અને તેમણે લોકશાહી સાથે કોઈ સમાધાન સ્વીકાર્યું નહીં. આખરે, જનતા જર્નાદનની જીત થઇ અને કટોકટી હટાવી લેવામાં આવી અને કટોકટી લાદનારની હાર થઇ.’
દેશવાસીઓએ સંવિધાન હત્યા દિવસ મનાવ્યો : પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “દેશ પર કટોકટી લાદવાના 50 વર્ષ થોડા દિવસો પહેલા જ પૂર્ણ થયા છે. આપણે સંવિધાન હત્યા દિવસ મનાવી રહ્યા છીએ. આપણે હંમેશાં એ લોકોને યાદ કરવા જોઈએ જેઓ કટોકટી સામે સામી છાતીએ લડ્યા હતા. તે આપણને આપણા બંધારણને મજબૂત રાખવા માટે સતત સતર્ક રહેવાની પ્રેરણા આપે છે.
યોગ દિવસની ઉજવણી ભવ્ય બની રહી છે
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ સમયે આપ સૌ યોગની ઊર્જા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદોથી ભરપૂર હશો. આ વખતે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દુનિયાભરમાં કરોડો લોકોએ ભાગ લીધો હતો. તેની શરૂઆત 10 વર્ષ પહેલાં થઈ હતી અને 10 વર્ષમાં તે દર વર્ષે પહેલા કરતા પણ વધુ ભવ્ય બની રહી છે. વધુમાં વધુ લોકો પોતાના રોજિંદા જીવનમાં યોગને અપનાવી રહ્યા હોવાનો પણ સંકેત છે. ’
કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઇ – પીએમ મોદી
પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું, ‘લાંબા સમય બાદ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. કૈલાશ માનસરોવર એટલે કે ભગવાન શિવનો વાસ. હિન્દુ, બૌદ્ધ, જૈન, કૈલાશની દરેક પરંપરામાં શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને પવિત્ર શ્રાવણ મહિનાને પણ થોડા દિવસો બાકી છે. થોડા દિવસ પહેલા જ આપણે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ જોઇ છે. ’
CEM Cup માત્ર ટુર્નામેન્ટ નહીં, એકતા અને આશાની ઉજવણી
વડાપ્રધાન મોદીએ કહ્યું, બોડોલેન્ડ આજે નવા સ્વરૂપ સાથે દેશની સામે ઉભું છે. અહીંના યુવાનોમાં જે ઊર્જા અને આત્મવિશ્વાસ છે, તે ફૂટબોલના મેદાનમાં સૌથી વધુ જોવા મળે છે. બોડો ટેરિટોરિયલ એરિયામાં બોડોલેન્ડ CEM Cupનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર એક ટુર્નામેન્ટ નથી, તે એકતા અને આશાની ઉજવણી બની ગઈ છે.
એરી સિલ્ક મેઘાલયનો વારસો
પીએમે કહ્યું, “મેઘાલયની એરી સિલ્ક… તેને થોડા દિવસો પહેલા જીઆઈ ટેગ મળ્યો હતો. એરી સિલ્ક મેઘાલય માટે એક વારસો છે. અહીંની જનજાતિઓ, ખાસ કરીને ખાસી સમુદાયના લોકોએ, પેઢીઓથી તેનું જતન કર્યું છે અને તેમની કુશળતાથી તેને સમૃદ્ધ પણ બનાવ્યું છે.