OBC caste : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પીએમ નરેન્દ્ર મોદીને ઓબીસી વિરોધી ગણાવી રહ્યા છે. તેઓ સતત કહી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી કાગળ પર ઓબીસી છે. તેમણે ગુરુવારે સાંજે ફરી એકવાર ટ્વિટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી પરંતુ પેપર પર ઓબીસી છે.
રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મોદીજી જન્મથી નહીં પરંતુ કાગળ પર ઓબીસી છે. તે પોતાના જન્મના 5 દાયકા સુધી ઓબીસી ન હતા. મારી આ સચ્ચાઇની પૃષ્ટિ કરવા બદલ ભાજપ સરકારનો આભાર.
કોંગ્રેસ અધ્યક્ષના આ હુમલા બાદ ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીને વળતો હુમલો કર્યો છે. નરહરિ અમીન કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. તેઓ 1994માં કોંગ્રેસ પાર્ટીની સરકારમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ હતા.
આ પણ વાંચો – રાજ્યસભામાં મનમોહન સિંહને આપવામાં આવી ફેરવેલ, પીએમ નરેન્દ્ર મોદીએ યાદ કરી ખાસ ક્ષણો
નરહરિ અમીને શું કહ્યું?
નરહરિ અમીને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે હું કોંગ્રેસની સરકારમાં ગુજરાતનો ડેપ્યુટી સીએમ હતો, જ્યારે 25 જુલાઈ, 1994ના રોજ ગુજરાત સરકારે મોઢ-ઘાંચીને ઓબીસી તરીકે સૂચિત કર્યા હતા. આ એ જ જ્ઞાતિ છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધિત છે. આ મુદ્દા પર ગેરસમજ ભર્યું જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણય અને ભારત સરકારની નોટિફિકેશન ત્યારે આવી જ્યારે નરેન્દ્ર મોદી સીએમ તો દૂર, સાંસદ અને ધારાસભ્ય પણ ન હતા. રાહુલ ગાંધી આ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવીને ઓબીસી સમુદાયોનું અપમાન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે હું રાહુલ ગાંધીને વિનંતી કરું છું કે તેઓ તરત જ પોતાનું જુઠ્ઠાણું પાછું ખેંચે. તેમણે ઓબીસીને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ અને પીએમ મોદી પ્રત્યે નફરતથી ભરેલા રહેવા બદલ ગુજરાતની જનતાની માફી પણ માંગવી જોઈએ.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું
આજે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોલતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની જાતિ વિશે ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. ઓડિશાના ઝારસુગુડામાં કહ્યું કે પીએમ મોદી ઓબીસી કેટેગરીમાં જન્મ્યા નથી. તેમનો જન્મ ગુજરાતમાં તેલી જ્ઞાતિમાં થયો હતો. ભાજપે વર્ષ 2000માં આ સમુદાયને ઓબીસીનો ટેગ આપ્યો હતો. તેઓ તેમના સમગ્ર જીવનમાં જાતિની વસ્તી ગણતરી કરવા દેશે નહીં કારણ કે તેઓ ઓબીસી જાતિમાં જન્મ્યા નથી. પીએમ મોદીનો જન્મ જનરલ કેટેગરીમાં જ થયો હતો.