Atal Setu : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ રાજ્યમાં 30,500 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. પીએમ મોદીએ શુક્રવારે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (એમટીએચએલ)નું ઉદ્ઘાટન કર્યું હતું. જેને હવે ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. આવો જાણીએ કે 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા આ પુલ પર તમે કેટલી ઝડપથી વાહન ચલાવી શકો છો અને કઈ વસ્તુઓ પર પ્રતિબંધ છે.
અટલ સેતુ પર કેટલી સ્પીડે વાહન ચલાવી શકાશે?
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પર ફોર-વ્હીલર્સ માટે મહત્તમ સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાકની રહેશે. કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિનિબસ અને ટુ-એક્સલ બસ જેવા વાહનોની મહત્તમ ગતિ મર્યાદા 100 કિલોમીટર પ્રતિ કલાકની છે. પુલ પર ચડવા અને ઉતરવા પર સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી સીમિત રહેશે
અટલ સેતુ પર કઈ વસ્તુઓની મંજૂરી નથી?
પોલીસે બુધવારે જણાવ્યું હતું કે દરિયાઇ પુલ પર બાઇક, ઓટો-રિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવશે નહીં. મોટરસાઇકલ, મોપેડ, થ્રી-વ્હીલર, પ્રાણીઓ દ્વારા ખેંચાયેલા વાહનો અને ધીમી ગતિએ ચાલતા વાહનો માટે પણ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ તરફ જતા મલ્ટી એક્સલ હેવી વાહનો, ટ્રક અને બસોને ઇસ્ટર્ન ફ્રીવે પર પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીનું અનુષ્ઠાન, શું કહ્યું? જાણો
આ વાહનોએ આગળની અવર-જવર માટે મુંબઈ પોર્ટ-સેવડી એક્ઝિટ (EXIT 1C) લેવું પડશે અને ‘ગાડી અડ્ડા’ નજીક એમબીપીટી રોડનો ઉપયોગ કરવો પડશે. એક અધિકારીએ જણાવ્યું કે લોકોને જોખમ, અવરોધો અને અસુવિધા ન થાય તે માટે મુંબઇ પોલીસે ભારતના સૌથી લાંબા દરિયાઇ પુલ પર ગતિ મર્યાદા લાદી દીધી છે. એમ.ટી.એચ.એલ. મુંબઇના શિવરીથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના ન્હાવા શેવા ખાતે સમાપ્ત થાય છે. મુંબઈ તરફ જતા મલ્ટી એક્સલ હેવી વાહનો, ટ્રક અને બસોને ઇસ્ટર્ન ફ્રીવે પર પ્રવેશ આપવામાં આવશે નહીં.
17,840 કરોડના ખર્ચે અટલ સેતુનું નિર્માણ થયું
17,840 કરોડના ખર્ચે અટલ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે. આ પુલ લગભગ 21.8 કિલોમીટર લાંબો, છ લેનનો પુલ છે, જેની લંબાઈ સમુદ્ર પર લગભગ 16.5 કિલોમીટર અને જમીન પર લગભગ 5.5 કિલોમીટર છે.
આ પુલ મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારત સુધીના પ્રવાસના સમયમાં પણ ઘટાડો થશે. તે મુંબઈ બંદર અને જવાહરલાલ નહેરુ બંદર વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો કરશે.





