India becomes World third biggest Economy: ભારતીય અર્થતંત્ર હાલ વિશ્વમાં ફ્રાસ્ટેટ ગ્રોઇંગ ઇકોનોમી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવુ છે કે, તેમની સરકાના ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પીએમ મોદી 26 જુલાઇના રોજ દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા આઇટીપીઓ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ટ્રેક રેકોર્ડ મુજબ અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ પહેલીવાર સત્તા સંભાળી ત્યારે ભારત વિશ્વની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, પરંતુ છેલ્લા 9 વર્ષો દરમિયાન તે 5 સ્થાનની છલાંગ લગાવીને પાંચમા સ્થાને પહોંચી ગયું છે.
ભારત જર્મની અને જાપાનથી આગળ નીકળી જશે
IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ આવી જ ભવિષ્યવાણી કરી છે જે PM મોદીએ અર્થવ્યવસ્થાને લઈને કરી હતી. વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ધારણા છે, જે વિશ્વ અર્થતંત્ર માટે IMFની આગાહી અનુસાર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ બની શકે છે. IMF અનુસાર, ભારત આગામી 4 વર્ષમાં જર્મની અને જાપાનને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
2014 બાદથી ભારતની જીડીપીમાં 83 ટકાની વૃદ્ધિ
વર્ષ 2014મા જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર ભારતના વડાપ્રધાન બન્યા, ત્યારથી અત્યાર સુધી એટલે કે 2023 સુધી ભારતની જીડીપીમાં 83 ટકાનો વધારો થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન ચીનની જીડીપીમાં 84 ટકાનો વધારો થયો છે. તો બીજી બાજુ અમેરિકાના જીડીપીમાં પણ 54 ટકાનો વધારો થયો છે. જો કે, ભારત, ચીન અને અમેરિકા સિવાય, ટોચની 10 અર્થવ્યવસ્થાઓમાં સમાવિષ્ટ અન્ય દેશોની જીડીપી કાં તો સ્થિર છે અથવા તેમાં ઘટાડો થયો છે.
વર્ષ 2014 બાદથી અત્યાર સુધીના 9 વર્ષમાં ભારત, જે 5 દેશોમાંથી 10માં સ્થાનેથી 5માં સ્થાને પહોંચ્યું છે તેના આંકડાઓ પર નજર કરીએ તો બ્રિટનના જીડીપીમાં છેલ્લા નવ વર્ષમાં માત્ર 3%નો વધારો થયો છે. તેવી જ રીતે આ સમયગાળા દરમિયાન ફ્રાન્સની જીડીપી બે ટકા, રશિયાની જીડીપી 1 ટકા વધી છે. તો ઈટાલીના જીડીપીમાં કોઈ વધારો થયો નથી જ્યારે બ્રાઝિલના જીડીપીમાં 15 ટકાનો ઘટાડો થયો છે.
અન્ય દેશોના જીડીપીમાં કેમ વધારો ન થયો?
ભારતની સરખામણીએ અન્ય દેશોની જીડીપી કેમ વધી નથી? તેનું મુખ્ય કારણ વર્ષ 2008-2009 વચ્ચે આવેલી આર્થિક મંદી છે. જો કે ભારત પણ આર્થિક મંદીની ઝપેટમાં આવી ગયું, પરંતુ યુરોપિયન યુનિયનના દેશો પર તેની ખતરનાક અસર પડી. હાલ ભવિષ્યમાં પણ ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ગતિ લગભગ આટલી જ રહેવાની છે, આ તથ્ય વચ્ચે દેશનો જીડીપી ગ્રોથ જે ગતિ (8-9 ટકા વાર્ષિક)થી વધવો જોઇ તો હતો, તે દરે વધી રહ્યો નથી. જો જીડીપી ગ્રોથ 6 ટકા વાર્ષિક રહે તો પણ વર્ષ 2027માં ભારત ત્રીજા ક્રમનું સ્થાન હાંસલ કરી લેશે.
ભારત ચોક્કસપણે સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે
આંકડાઓ ઉપર નજર કરીયે તો વર્ષ 2027માં ભારતની જીડીપીમાં હાલના વર્ષ 2023ની તુલનાએ 38 ટકાનો વધારો થશે. જ્યારે જાપાન અને જર્મનીની જીડીપી 20223ની સરખામણીએ 15 ટકા જ વધશે. આવી સ્થિતિમાં આ બંને દેશોની તુલનાએ લગભગ બે ગણી વધારે વૃદ્ધિના પગલે ભારત વર્ષ 2027માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
પણ આગળનો રસ્તો મુશ્કેલ…
વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, પરંતુ તે પછીનો રસ્તો મુશ્કેલ છે. પ્રથમ સ્થાને અમેરિકા અને બીજા સ્થાને રહેલા ચીનને હરાવવું મુશ્કેલ બનશે. વર્ષ 2027માં ભારતની જીડીપી ચીન કરતાં પાંચમા ભાગની (20 લાખ કરોડ ડોલર ઓછી) અને અમરિકાના (26 લાખ કરોડ ડોલર ઓછી)ની તુલનાએ છઠ્ઠા ભાગ જેટલી હશે.
આ પણ વાંચો | ભારતમાં બન્યું ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસથી પણ વિશાળ ટ્રેડ કોમ્પ્લેક્સ, ફોટામાં જુઓ નવા સંકુલની ભવ્યતા
ભારત જીડીપી ગ્રોથમાં આગળ પણ માથાદીઠ આવકના મામલે પાછળ
અલબત્ત, એ વાત યાદ રાખવી જોઇએ કે આ આંકડા દેશના સાર્વત્રિક આંકડા છે. વાસ્તવિક સમૃદ્ધિનો અંદાજ જે-તે દેશની માથાદીઠ આવકથી લગાવી શકાય છે, જે તદ્દન વિપરીત ચિત્ર રજૂ કરે છે. ભારતીય અર્થતંત્ર જીડીપીમાં વૃદ્ધિના મામલે ભલે સૌથી આગળ હોય પરંતુ માથાદીઠ આવકના મામલે ઘણું પાછળ છે. ભારતની વાર્ષિક માથાદીઠ આવક 2,600 ડોલર છે, જે ટોચના 10 દેશોમાં સૌથી ઓછી હોવાની સાથે સાથે તેણે જે દેશોને જીડીપના મામલે પછાડ્યા છે તેમના કરતા પણ નોંધપાત્ર રીતે ઓછી છે. યુકેમાં વાર્ષિક માથાદીઠ આવક 47,000 ડોલર, બ્રાઝિલમાં 10,000 ડોલર અને ઇટાલીમાં 37,000 ડોલર છે.