વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે ગયા છે. પીએમ મોદી જાપાન બાદ પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાતે જશે. જાપાનમાં પીએમ મોદી જી-7 દેશોની બેઠકમાં ભાગ લેશે. પરંતુ બેઠક પહેલા પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ચીન સાથે સામાન્ય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ જરૂરી છે.
પીએમ મોદીએ જાપાની મેગેઝિન નિક્કી એશિયાને ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ચીન સાથેના સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં અમન-ચૈન જરૂરી છે. ભારત-ચીન સંબંધોનો ભાવિ વિકાસ પરસ્પર આદર, સંવેદનશીલતા અને પારસ્પરિક હિતો પર આધારિત હોઈ શકે છે. બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય થવાથી સમગ્ર વિશ્વને ફાયદો થશે.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથેના સંબંધો મામલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “ભારત પાકિસ્તાન સાથે સામાન્ય અને પડોશી દેશવાળા સંબંધો ઈચ્છે છે. પરંતુ આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત સાનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. જો સાનુકૂળ વાતાવરણ બનાવવામાં આવે તો જ વાતચીત શક્ય છે.
પીએ નરેન્દ્ર મોદીએ સાર્વભૌમત્વ, કાયદાનું શાસન અને વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારતના સમ્માન ઉપર પણ ભાર મૂક્યો. ભારતીય અર્થવ્યવસ્થા વિશે જણાવતા પીએમ મોદીએ કહ્યું કે, તે દુનિયાની ઝડપથી વૃદ્ધિ પાી રહેલી અર્થવ્યવસ્થાઓ પૈકીનું છે. તેમણે કહ્યું કે, ભારત હવે દુનિયાની સૌથી મોટી પાંચમાં અર્થવ્યવસ્તા બની ગઇ છે. તેની સરકારનો આગામી લક્ષ્ય 25 વર્ષની અંદર ભારતને એક વિકસીત રાષ્ટ્ર બનાવવાનો છે.
રશિયા-યુક્રેન પર જણાવતા પીએમ મોદીએ કહ્યુ કે, યુક્રેન યુદ્ધ મામલે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે અને અતૂટ છે. તેમણે કહ્યું, “ભારત શાંતિના પક્ષમાં છે અને મક્કમતા સાથે ઉભું રહેશે. ખાસ કરીને ભોજન, ઈંધણ અને ખાતરની વધતી કિંમતોને કારણે તેમની પાયાની જરૂરિયાતોને પહોંચી વળવામાં પડકારોનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા અમે પ્રતિબદ્ધ છીએ. અમે રશિયા અને યુક્રેન બંને સાથે તાલમેલ જાળવી રાખીએ છીએ. સહકરાને આપણા સમયની વ્યાખ્યા બનાવવી જોઇએ, સંઘર્ષ ને નહીં.”