Deepfakes Videos : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ડીપ ફેક બનાવવા માટે કરવો ચિંતાજનક છે. તેમણે મીડિયાને વિનંતી કરી કે તેઓ આ ઉભરતા સંકટથી લોકોને જાગૃત કરે. પાર્ટી મુખ્યાલયમાં તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધિત કરતા ભારતને વિકસિત ભારત બનાવવાના પોતાના સંકલ્પનો પણ ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આ માત્ર નિવેદનબાજી નથી પણ જમીની હકીકત છે. તેમણે કહ્યું કે ‘વોકલ ફોર લોકલ’ને લોકોનો સાથ મળ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોવિડ-19નાં સમયગાળા દરમિયાન ભારતની સિદ્ધિઓએ લોકોમાં વિશ્વાસ જગાવ્યો છે કે દેશ હવે અટકવાનો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે છઠ પૂજા એક રાષ્ટ્રીય તહેવાર બની ગયો છે જે ખૂબ જ ખુશીની વાત છે.
પીએમ મોદીએ પોતાનું ઉદાહરણ આપીને ડીપફેકના સંકટ વિશે વાત કરી અને મીડિયાને અપીલ કરી કે તે લોકોને તેના પ્રત્યે જાગૃત કરે. તેમણે કહ્યું કે હાલમાં મેં એક મારો વીડિયો જોયો જેમાં હું ગરબા ગાઉં છું. જોકે સ્કૂલ પછી મને ક્યારેય તક મળી નથી. હું સ્કૂલમાં સારું રમતો હતો. મને પસંદ કરનારા લોકો છે વીડિયો ફોરવર્ડ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધી અમેઠી પરત ફરશે! 2024ની તૈયારીઓ શરૂ, 5000 લોકો સુધી ગિફ્ટ સાથે પહોંચ્યો મેસેજ
દિવાળી મિલનના કાર્યક્રમમાં આવ્યા પહેલા પ્રધાનમંત્રીએ ભારત દ્વારા આયોજિત બીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. તેમાં તેમણે કહ્યું કે ભારતે પશ્ચિમ એશિયાની સ્થિતિને પહોંચી વળવા માટે વાતચીત કરી, કૂટનીતિ અને સંયમ પર ભાર મૂક્યો છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નાગરિકોની હત્યાની સખત શબ્દોમાં ટિકા કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે મધ્ય પૂર્વના ઘટનાક્રમથી નવા પડકારો ઉભરી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે કે ગ્લોબલ સાઉથના દેશોએ એકજૂથ થઈને સમગ્ર વિશ્વના વ્યાપક હિતમાં પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.
મોદીએ સમિટમાં કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસ વૈશ્વિક સમૃદ્ધિ માટે જરૂરી છે, પરંતુ આપણે બધા જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમથી નવા પડકારો ઉભા થઇ રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાની નિંદા કરી છે. સંયમની સાથે સાથે અમે વાતચીત અને કૂટનીતિ પર પણ ભાર મૂક્યો છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નાગરિકોના જીવ ગુમાવવાની ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોનિક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કર્યા પછી અમે પેલેસ્ટાઇનનાં લોકોને માનવતાવાદી સહાય મોકલી છે.





