ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના પ્રથમ દિવસે સોમવારે NDMC કન્વેન્શન સેન્ટરમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં હારનું મનોમંથન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ભાજપ પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, વર્ષ 2023માં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, આપણે એક પણ ચૂંટણી હારવાની નથી. આ કાર્યકારિણી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના લગભગ 350 વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપનું ધ્યાન હવે વર્ષ 2023માં યોજાનારી 9 રાજ્યોની સ્થાનિક ચૂંટણીઓ પર છે.
ચૂંટણીલક્ષી રાજ્યોના પ્રદેશ પ્રમુખોએ રિપોર્ટ રજૂ કર્યો
ANIના મતાનુસાર, કર્ણાટક, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય રાજ્યના ભાજપના પ્રદેશ અધ્યક્ષોએ આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં તેમના અહેવાલ રજૂ કર્યો છે. જ્યારે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમના રિપોર્ટ આવતીકાલે રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને માહિતી આપી હતી કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને કર્ણાટકમાં પાર્ટીની ગતિવિધિઓ પર બ્રિફિંગ યોજવામાં આવી હતી. કર્ણાટક અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓ રાજ્યના પાર્ટી અધ્યક્ષો સાથે બેઠકમાં સામેલ થયા હતા.
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા પીએમ મોદીનો રોડ શો
સભાના સ્થળે પહોંચવાની પહેલા વડાપ્રધાન મોદીએ પટેલ ચોકથી NDMC કન્વેન્શન સેન્ટર સુધી લગભગ એક કિલોમીટરનો રોડ-શો પણ યોજ્યો હતો. આ દરમિયાન રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર હતા. કેન્દ્રીય મંત્રીઓમાં નિર્મલા સીતારમન, રાજનાથ સિંહ અને એસ જયશંકર સહિત ભાજપના કેટલાક ટોચના નેતાઓએ પણ આ રોડ-શોમાં હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ-શોને જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પીએમ કારમાંથી નીકળી હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, 2024 ઇલેક્શન પર નજર
આ કાર્યકારિણી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના લગભગ 350 વરિષ્ઠ નેતાઓ સામેલ થયા છે. જેમાં 12 મુખ્યમંત્રી અને પાંચ નાયબ મુખ્યમંત્રી અને 35 કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે.