અજમેરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – લૂટમાં કોંગ્રેસ કોઇ સાથે ભેદભાવ કરતી નથી, બધાને સરખા ભાવથી લૂટે છે

PM Narendra Modi in Rajasthan : અજમેર રેલી પહેલા પીએમ મોદીએ પુષ્કર સ્થિત પ્રસિદ્ધ બ્રહ્મા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી

Written by Ashish Goyal
May 31, 2023 20:29 IST
અજમેરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – લૂટમાં કોંગ્રેસ કોઇ સાથે ભેદભાવ કરતી નથી, બધાને સરખા ભાવથી લૂટે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેરમાં એક રેલી સંબોધી હતી (તસવીર - બીજેપી ટ્વિટર)

PM Narendra Modi in Rajasthan : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેરમાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે છેલ્લા નવ વર્ષમાં ભારતભરમાં ગરીબોના કલ્યાણ માટે કેવી રીતે કામ કર્યું છે. આ રેલી ભાજપ-મહા જનસંપર્ક દ્વારા કેન્દ્રમાં સત્તામાં તેના નવ વર્ષ પૂરા થવાના પ્રસંગે એક મહિના સુધી ચાલનારા પ્રચાર અભિયાનનો એક ભાગ છે.

કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે પાર્ટીની વ્યૂહરચના ગરીબોને છેતરવાની રહી છે. કોંગ્રેસની આ ગેરંટીની આદત નવી નથી, જૂની છે. 50 વર્ષ પહેલા કોંગ્રેસે દેશને ‘ગરીબી હટાઓ’ની ગેરંટી આપી હતી. કોંગ્રેસ પાર્ટીનો ગરીબો સાથેનો આ સૌથી મોટો દગો છે. રાજસ્થાનના લોકોને આના કારણે નુકસાન થયું છે.

વડા પ્રધાને આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન પદની એક શક્તિ છે અને કોંગ્રેસ સરકાર રિમોટ કંટ્રોલ દ્વારા કામ કરી રહી હતી. પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાની પરિસ્થિતિ શું હતી? ભ્રષ્ટાચાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, મોટા શહેરોમાં આતંકવાદી હુમલા થતા હતા, કોંગ્રેસ સરકાર સરહદો પર રસ્તા બનાવવાથી ડરતી હતી, મહિલાઓ વિરુદ્ધ અપરાધ વધારે હતો, પીએમની ઉપર એક મહાસત્તા હતી. કોંગ્રેસની સરકાર રિમોટ કંટ્રોલ દ્વારા કામ કરી રહી હતી. આજે દુનિયાભરમાં ભારતના વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો – મોદી સરકાર 9 વર્ષ: જાણો દેશમાં ગરીબી અને ગરીબોની સ્થિતિ ક્યાં

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની રણનીતિ રહી છે કે ગરીબોને ભરમાવો, ગરીબોને તરસાવો. કોંગ્રેસની ખોટી નીતિઓનું સૌથી વધારે નુકસાન નાના ખેડૂતોને થયું છે. જ્યારે લૂટની વાત આવે છે તો કોંગ્રેસ કોઇ સાથે ભેદભાવ કરતી નથી. કોંગ્રેસ દેશના દરેક નાગરિકને, ગરીબ, પીડિત, દલિત, શોષિત, વંચિત, આદિવાસી અને અલ્પસંખ્યક બધાને સમાન ભાવથી લૂટે છે.

અજમેર રેલી પહેલા પીએમ મોદીએ પુષ્કર સ્થિત પ્રસિદ્ધ બ્રહ્મા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું કે અજમેર આવતાં પહેલાં મને પુષ્કરની મુલાકાત લેવાની તક મળી હતી. આપણા શાસ્ત્રોમાં ભગવાન બ્રહ્માને સૃષ્ટિના રચયિતા કહેવામાં આવ્યા છે. ભગવાન બ્રહ્માના આશીર્વાદથી ભારતમાં નવા સર્જનનો યુગ ચાલી રહ્યો છે. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે.

ભાજપનો મહા જનસંપર્ક કાર્યક્રમ 31 મે થી 30 જૂન સુધી યોજાવાનો છે. જે અંતર્ગત કેન્દ્રમાં પાર્ટીની નવ વર્ષની સત્તાને ચિહ્નિત કરવા માટે લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોમાં વ્યાપક જાહેર રેલીઓ અને સભાઓ યોજાશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ