Gita Press Gorakhpur: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં ગીતા પ્રેસના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ વખતની ગોરખપુરની મારી મુલાકાત વિકાસ અને વિરાસતની નીતિનું અદ્દભુત ઉદાહરણ છે.
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર પણ આપ્યો છે. ગાંધીજી ગીતા પ્રેસ સાથે ભાવનાત્મક જોડાણ ધરાવતા હતા. એક સમયે ગાંધીજી કલ્યાણ પત્રિકા દ્વારા ગીતા પ્રેસ માટે લખતા હતા. મને કહેવામાં આવ્યું હતું કે ગાંધીજીએ જ સૂચન કર્યું હતું કે કલ્યાણ પત્રિકામાં જાહેરાતો પ્રકાશિત ન થવી જોઈએ. કલ્યાણ પત્રિકા આજે પણ ગાંધીજીની સલાહને 100 ટકા અનુસરે છે.
ગીતા પ્રેસ કાર્યાલય કોઈ મંદિરથી ઓછું નથીઃ પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગીતા પ્રેસ એ વિશ્વનું એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ છે, જે માત્ર એક સંસ્થા જ નહીં, પરંતુ એક જીવંત આસ્થા છે. ગીતા પ્રેસનું કાર્યાલય કરોડો લોકો માટે કોઈ મંદિરથી ઓછું નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સમય ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો અને આપણી વિરાસત પર ગર્વ કરવાનો છે. આજે એક તરફ ભારત ડિજિટલ ટેકનોલોજીમાં નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. સાથે જ સદીઓ બાદ કાશીમાં વિશ્વનાથ ધામનું દિવ્ય સ્વરૂપ પણ દેશની સામે પ્રગટ થયું છે.
આ પણ વાંચો – ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી, રાજસ્થાનમાં નીતિન પટેલને મળી મોટી જવાબદારી
હિન્દુ ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકોના વિશ્વના સૌથી મોટા પ્રકાશન ગીતા પ્રેસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ચિત્રમય શિવ પુરાણ પુસ્તકનું વિમોચન કર્યું હતું. સમારોહ દરમિયાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે ગીતા પ્રેસ પોતાની 100 વર્ષની ગૌરવશાળી યાત્રા સાથે આગળ વધ્યું છે. 100 વર્ષની આ ગૌરવશાળી યાત્રામાં છેલ્લા 75 વર્ષોમાં ગીતા પ્રેસમાં ક્યારેય કોઈ પ્રધાનમંત્રી આવ્યા નથી, કારણ કે ગીતા પ્રેસે ભારતની મૂળ આત્માને જાગૃત કરવાનું કામ કર્યું છે.
ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 મળ્યો
તાજેતરમાં જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં એક જ્યુરીએ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 1995માં શરૂ કરવામાં આવેલા આ વાર્ષિક પુરસ્કારમાં એક કરોડ રૂપિયાનું રોકડ ઇનામ, પ્રશસ્તિપત્ર અને તકતી તથા ઉત્કૃષ્ટ પરંપરાગત હસ્તકળા અથવા હાથવણાટનું ઉત્પાદન આપવામાં આવે છે. ગીતા પ્રેસે ઇનામની રકમ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તે ફક્ત પ્રશસ્તિપત્ર સ્વીકારશે.
પ્રધાનમંત્રી મોદીએ ગોરખપુર રેલવે સ્ટેશનથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. જેમાં નોર્થ ઇસ્ટર્ન રેલવેની પ્રથમ સેમી હાઇ સ્પીડ ગોરખપુર-લખનઉ વંદે ભારત ટ્રેન અને જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.