PM Narendra Modi Post Uttarkashi Tunnel Workers Rescue: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના બચાવ અભિયાનમાં સફળતા મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા વેબસાઈટ ટ્વિટર પર એક ભાવુક પોસ્ટ કરી છે. પીએમ મોદીએ ટ્વિટર પોસ્ટમાં લખ્યું કે, ઉત્તરકાશીમાં અમારા શ્રમિક ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. તેમણે લખ્યું, “ટનલમાં ફસાયેલા મારા સાથીદારોને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમારા બધાની તંદુરસ્તી અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.”
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે અમારા આ મિત્રો તેમના પ્રિયજનોને મળશે. આ પડકારજનક સમયમાં આ તમામ પરિવારોએ જે ધીરજ અને હિંમત દાખવી છે તેની જેટલી પ્રશંસા થાય તેટલી ઓછી છે. પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, “હું આ બચાવ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને નિશ્ચયે આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા દર્શાવી છે અને ટીમે એક અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.”
ઉત્તરકાશી ટનલમાંથી 41 શ્રમિકો 17 દિવસ બાદ સહીસલામત બહાર આવ્યા
ઉત્તરાખંડની ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલમાંથી બહાર આવેલા પ્રથમ શ્રમિકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે સાથે વાતચીત પણ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ મજૂરોની તબિયત સારી છે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ અને રાજ્યના મુખ્યમંત્રી ઘટના સ્થળે હાજર છે અને સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે.
શ્રમિકોને હોસ્પિટલ લઇ જવાયા
શ્રમિકોને ટનલની બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. સુરંગ દરમિયાન થયેલા ઘટનાક્રમને નજીકથી જોનારા એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મજૂરો સ્વસ્થ છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘મોદી હૈ તો મુમકિન હૈ’ના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો | ઉત્તરકાશી ટનલમાં માંથી બધા શ્રમિકોને સલામત બહાર કાઢ્યા, 17 દિવસ પછી કેવી છે શ્રમિકોની સ્થિતિ
આ પહેલા સોમવારે ઉત્તરકાશી ટનલ દુર્ઘટના સ્થળે ‘રેટ હોલ માઇનિંગ’ નિષ્ણાતો કાટમાળના સ્થળે પહોંચ્યા હતા. ચારધામ યાત્રા માર્ગ પર બનાવવામાં આવી રહેલી આ ટનલના અવરોધિત ભાગમાં પડેલા 10-12 મીટરના કાટમાળને સાફ કરવા માટે ‘રેટ હોલ માઈનિંગ’ના આ નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. અગાઉ, ટનલમાં આડું ડ્રિલિંગ કરતી ઓગર મશીન શુક્રવારે કાટમાળમાં ફસાઈ ગયા પછી, બચાવ ટીમોએ વૈકલ્પિક માર્ગ બનાવવા માટે રવિવારથી ઊભી ડ્રિલિંગ શરૂ કરી હતી. મેન્યુઅલી ડ્રિલિંગ કરતી વખતે પાઇપને દબાણ કરવામાં આવ્યું હતું.