ભારતમાં પ્રદુષણની સમસ્યા અત્યંત ગંભીર બની ગઇ છે. દુનિયાના સૌથી પ્રદૂષિત 50 શહેરોમાં ભારતના 39 શહેરોનો સમાવેશ કરાયો છે. આ આંકડાથી જ ખ્યાલ આવે છે કે ભારતમાં પ્રદૂષણની સમસ્યા કેટલી ગંભીર બની રહી છે. IQAir દ્વારા હવામાં પ્રદૂષક PM 2.5ના વાર્ષિક સરેરાશ સ્તરના આધારે તૈયાર કરાયેલ પાંચમા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે. ઉપરાંત આ રિપોર્ટમાં ભારતની રાજધાની ‘દિલ્હી’ અને ‘ નવી દિલ્હી’ના પ્રદૂષણના આંકડાને અલગ-અલગ દર્શાવવામાં આવ્યા છે, જે વિશ્વના સૌથી પ્રદૂષણ ટોપ-10 શહેરોમાં સામેલ છે.
IQAir એ સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની છે જે વિશ્વભરની સરકારો અને અન્ય સંસ્થાઓ અને સંસ્થાઓ દ્વારા સંચાલિત મોનિટરિંગ સ્ટેશનોના આંકડાના આધારે વાર્ષિક વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ તૈયાર કરે છે. વર્ષ 2022નો આ રિપોર્ટ 131 દેશોના 7,323 શહેરોના PM 2.5 ડેટા પર આધારિત છે.
ભારતના પ્રદૂષિત શહેરો
આ અસામાન્ય આંકડાઓ દર્શાવે છે કે ભારતના રાજસ્થાનમાં આવેલું ભીવાડી એ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ત્રીજા ક્રમે છે. આ શહેરનો એર ક્વોલિટી રેશ્યો PM 92.7 છે, જે તેને ભારતની સૌથી પ્રદૂષિત શહેર અને વિશ્વનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બનાવે છે. તો ભારતની રાજધાની દિલ્હી PM 92.6 રેશિયો સાથે સૌથી પ્રદૂષિત મેટ્ સિટી શહેર તરીકે ઉભરી આવ્યું,જ્યાં મર્યાદા કરતા લગભગ 20 ગણું હવા પ્રદૂષણ છે. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ચોથા ક્રમે છે.

IQAirના વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2022માં સામેલ ભારતના અન્ય પ્રદૂષિત શહેરોમાં પટના, મુઝફ્ફરનગર, દરબંગા, નોઈડા, ગુડગાંવ, બુલંદશહર, મેરઠ, ચરખી દાદરી, જિંદ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, દાદરી, મેરઠ, હિસાર અને ગ્રેટર નોઈડાનો સમાવેશ થાય છે.
કેટલાંક સ્થળોએ પ્રદૂષણ ઘટ્યું
IQAirના રિપોર્ટના તારણ અનુસાર, દિલ્હીના નજીકના શહેરો જેવા કે – ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પ્રદૂષણના સ્તરમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. આ યાદીમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, અંકલેશ્વરનો પણ સમાવેશ થાય છે. જેમાં વિશ્વના સૌથી પ્રદૂષણ શહેરમાં 90.3 PM2.5 સાથે 81 ક્રમે છે. આમ જોવા જઇયે તો અમદાવાદમાં પ્રદૂષણ ઘટ્યું છે.
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર
IQAirના રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં પાકિસ્તાનનું લાહોર શહેર પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ચીનનું હોટાન શહેર બીજા ક્રમે, ભારતનું ભીવાડી શહેર ત્રીજા ક્રમે છે.

પ્રદૂષણથી દર વર્ષે 60 લાખ લોકોના મોત

IQAirના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ખરાબ પર્યાવરણ એ આરોગ્ય સામે સૌથી મોટો ખતરો બની રહ્યો છે. દુનિયાભરમાં હવાની નબળી ગુણવત્તાને કારણે દર વર્ષે 60 લાખ લોકોના મોત થાય છે. તેનાથી કુલ આર્થિક નુકસાન 6 લાખ કરોડ ડોલર જેટલો થાય છે જે દુનિયાની કુલ જીડીપીના 6.1 ટકા બરાબર છે. હવા પ્રદૂષણથી વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે જેમાં અસ્થમા, કેન્સર, ફેફસાની બિમારીઓ, હૃદય રોગ અને અકાળે મૃત્ય મુખ્ય છે.