અરૂણ શર્મા | Poonch Rajouri Terror Attack Update News : જમ્મુ અને કાશ્મીરના પુંછમાં જમીન પર પરિસ્થિતિ તંગ છે, કારણ કે ત્રણ નાગરિકોના કથિત મૃત્યુથી ખીણમાં અશાંતિ સર્જાઈ છે. એક તરફ આતંકવાદી હુમલાને કારણે સેના સામે લડવાના મોટા પડકારો છે તો, બીજી તરફ સ્થાનિક લોકોના મોતથી અવિશ્વાસની ખાઈ ઉભી થઈ છે. પૂંછમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામેલા ત્રણ નાગરિકોમાંથી એક બીએસએફ જવાનનો ભાઈ સફીર હતો. હવે તે પોતાના ભાઈના મૃત્યુથી બીએસએફ જવાન પણ દુઃખી છે અને તેના વતી ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.
BSF જવાને શું કહ્યું?
પુંછમાં માર્યા ગયેલા પોતાના ભાઈ સફીર વિશે બીએસએફ જવાન નૂર અહેમદે કહ્યું કે, દેશની સેવા કરવાનું આ ઈનામ છે. મને મારા ભાઈના મૃત્યુ વિશે પોલીસ અધિકારી પાસેથી ખબર પડી, જેમણે મને શુક્રવારે સવારે ફોન કર્યો. મારો ભાઈ ઘણી એજન્સીઓ માટે કામ કરતો હતો. જ્યારે મારા ભાઈના મૃતદેહને કબરમાં દફનાવવામાં આવ્યો ત્યારે, તેની વિધવા પત્ની અને ત્રણ નાનાં બાળકો તેની પાછળ એકલાં રહી ગયાં. મારા 82 વર્ષના પિતા મીર હુસૈન અને માતા ઝૈનબ અત્યારે કોમામાં સરી પડ્યા છે.
શું થયું પુંછમાં?
તમને જણાવી દઈએ કે, ગુરુવારે આતંકી હુમલો થયો હતો, તે હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા. જે બાદ બીજા દિવસે શુક્રવારથી સેનાએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પૂછપરછ માટે પુંછમાંથી કુલ 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. હવે તે 8માંથી 3 નાગરિકોના મોત થયા છે. મૃતકોના નામ સફીર અહેમદ, તેના બે ભાઈ મોહમ્મદ શૌકત અને શબીર અહેમદ છે. અત્યારે તો ત્રણેયની દફનવિધિ પૂરી થઈ ગઈ છે, પરંતુ વાતાવરણમાં એક વિચિત્ર તણાવ છે. પુંછના બે જિલ્લામાં હાલમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
આ મામલે પોલીસ મૌન, લોકો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે
વાસ્તવિક સ્થિતિને સમજવા માટે જ્યારે જમ્મુના સેનાના જનસંપર્ક અધિકારી સાથે વાત કરવામાં આવી તો, તેમણે એટલું જ કહ્યું કે, તેમની પાસે મૃતકો અને ઘાયલો વિશે કોઈ માહિતી નથી. એ વાત સાચી છે કે, પૂંછના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ યાસીન ચૌધરીએ આ મામલે એફઆઈઆર નોંધી છે, પરંતુ વારંવાર ફોન કરવા છતાં તેમની તરફથી કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
પરિવારોને આર્થિક સહાયની જાહેરાત
હવે, વધુ માહિતી મેળવવા માટે, ઈન્ડિયન એક્સપ્રેસે મૃતકોના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. આ સંબંધમાં મૃતક શૌકત અહેમદના સંબંધી મોહમ્મદ ઈકબાલે જણાવ્યું કે, સવારે 10 વાગ્યે સેનાનો એક જવાન, બે પોલીસ અધિકારીઓ સાથે આવ્યો હતો. શૌકતને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો અને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે અમે લગભગ 10 વાગ્યે બુફિલિયાઝ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અમે માત્ર મૃતદેહો જોયા. મૃતકોના શરીર પર ત્રાસના નિશાન હોવાનું પણ વાતચીત દરમિયાન બહાર આવ્યું હતું. આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં સુરક્ષા દળો કડક પૂછપરછ કરતા જોવા મળ્યા હતા, પરંતુ તે વીડિયોની સત્યતાની પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો – Poonch terror attack Impact : પૂંછમાં 3 નાગરિકોના મોતના પડઘા ઘાટીમાં : ‘શું આ છે નવું કાશ્મીર?’
હાલ માટે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક પ્રશાસને વચન આપ્યું છે કે, મૃતકોના પરિવારોને આર્થિક સહાય તરીકે 30 લાખ રૂપિયા આપવામાં આવશે, સરકારી નોકરીઓનું પણ વચન આપવામાં આવ્યું છે.
નોંધ: આ અહેવાલ અંગ્રેજીમાં વાંચવા માટે, અહીં ક્લિક કરો – ‘રાષ્ટ્ર માટે કામ કરવા બદલ આ ઇનામ મળ્યું’: પૂંછમાં માર્યા ગયેલા નાગરિકનો ભાઈ, BSF જવાન