અરૂણ શર્મા : Rajouri Terror Attack | પૂંછમાં સુરક્ષા દળો દ્વારા કથિત રીતે ઉપાડવામાં આવેલા એક વ્યક્તિએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેને અને અન્ય અટકાયતીઓને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો અને જ્યાં સુધી તેઓ બેભાન ન થઈ ગયા, ત્યાં સુધી “ઘા પર મરચાનો પાવડર નાખવામાં આવ્યો હતો”.
હોસ્પિટલના પલંગ પરથી બોલતા, 52 વર્ષીય પીડિત મોહમ્મદ અશરફે દાવો કર્યો હતો કે, ગયા અઠવાડિયે તેમને અને અન્ય ચારને સુરક્ષા દળોએ ઉઠાવી લીધા હતા, ત્યારબાદ “તેઓએ અમારા કપડા ઉતાર્યા અને અમને લાકડીઓ અને લોખંડના સળિયા વડે ઢોર માર માર્યો, અને અમારા ઘા પર મરચાનો પાવડર છાંટ્યો” .
ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદી હુમલામાં સેનાના ચાર જવાનો માર્યા ગયા પછી નાગરિકોને કથિત રીતે ઉપાડવામાં આવ્યા હતા. ત્રણ નાગરિકોના કથિત રીતે પૂછપરછ દરમિયાન મૃત્યુ થયા હતા અને અશરફ સહિત પાંચને શનિવારે રાજૌરીની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવેલા વીડિયોનો ઉલ્લેખ કરતા અશરફે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “વાઈરલ વીડિયોમાં હું તે વ્યક્તિ છું, જેમાં સેનાના જવાનો દ્વારા લોખંડના સળિયા અને લાકડીઓથી મારવામાં આવી રહ્યો છે.”
તેણે કહ્યું કે, આઘાતને કારણે તે ગયા શનિવારથી ઊંઘી શક્યો નથી. “મારા આખા શરીરમાં તીવ્ર પીડા થાય છે અને આંખો બંધ કરૂ કે તરત જ મગજમાં ત્રાસના વિચારો આવે ત્યારે કોણ સૂઈ શકે?”.
રાજૌરી જિલ્લાના થાનામંડી વિસ્તારના હાસબાલોટે ગામના અશરફ 2007 થી જમ્મુ અને કાશ્મીરના પાવર ડેવલપમેન્ટ વિભાગમાં લાઇનમેન તરીકે કામ કરે છે અને તેને દર મહિને 9,330 રૂપિયાનો પગાર મળે છે. આ સાથે તે તેના ત્રણ બાળકો – એક 18 વર્ષની પુત્રી અને 15 અને 10 વર્ષના બે પુત્રોને ટેકો આપે છે. તેમની પત્નીનું આ વર્ષે 23 માર્ચે અવસાન થયું હતું.
અશરફ સાથે રાજૌરી હોસ્પિટલમાં દાખલ અન્ય ચાર લોકો ફારુક અહેમદ, 45, અને ફઝલ હુસૈન, 50, તેમજ હુસૈનના ભત્રીજા મોહમ્મદ બેતાબ, 25 અને અન્ય 15 છે. આ તમામ થાનામંડી વિસ્તારના છે.
હોસ્પિટલના એક ડોકટરે જણાવ્યું હતું કે, પાંચેયને “સામાન્ય ઈજાઓ” હતી, પરંતુ વિસ્તૃત માહિતી આપી ન હતી.
અશરફે કહ્યું કે, “તેમાંથી કોઈ પણ યોગ્ય રીતે ઊભા કે બેસી શકતા નથી. “જ્યારે અમારે કુદરતી હાજત માટે અથવા શૌચાલયમાં જવું પડે છે, ત્યારે તેઓ (હોસ્પિટલ સ્ટાફ) અમને વ્હીલચેર અથવા સ્ટ્રેચર પર લઈ જાય છે.”
પીડિતે દાવો કર્યો હતો કે, “શુક્રવારે સવારે લગભગ 9.30 વાગ્યે સુરક્ષા દળોએ તેમને તેના ઘરેથી ઝડપી લીધા હતા. “તેઓ મને ડીકેજી (દેહરા સ્ટ્રીટ) નજીક મન્યાલ ગલીમાં લઈ ગયા, જ્યાં તેમનો સહયોગી ફારુક અહેમદ સાથે ટાટા સુમોમાં પહેલેથી જ બેઠો હતો. થોડા સમય પછી, મોહમ્મદ બેતાબ અને તેના ભાઈને પણ લાવવામાં આવ્યા, અને તેઓ બધા અમને ડીકેજીમાં તેમના કેમ્પમાં લઈ ગયા.”
તેણે વધુમાં કહ્યું કે, “અમે ત્યાં પહોંચ્યા પછી, સવારે 10.30 વાગ્યે, તેઓએ અમારો મોબાઇલ ફોન બંધ કરી દીધો અને કંઈપણ બોલ્યા વિના અમને લાકડીઓ અને લોખંડના સળિયાથી મારવાનું શરૂ કર્યું,” તેમણે દાવો કર્યો કે, “થોડા સમય પછી, તેઓએ અમારા કપડા કાઢી નાખ્યા અને ફરીથી અમને લાકડીઓ અને લોખંડના સળિયાથી મારવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી અમે બેભાન ન થઈ ગયા, ત્યાં સુધી અમારા ઘા પર મરચાંનો પાવડર ઘસવાનું શરૂ કર્યું.”
એક 15 વર્ષીય છોકરો, જે ધોરણ 10 માં અભ્યાસ કરે છે, તે રાજૌરી હોસ્પિટલમાં તેમની સાથે એક જ રૂમમાં દાખલ છે. તેણે દાવો કર્યો કે, “પૂછપરછ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેને પણ પૂછ્યું કે, શું તેણે આતંકવાદીઓને ભોજન પૂરું પાડ્યું હતું અને આતંકવાદી હુમલાના આઠ દિવસ પહેલા તેના ઘરે આયોજિત મિજબાનીનો ઉલ્લેખ કર્યો હતો.”
તેણે કહ્યું. “મેં તેમને કહ્યું કે, મારા ભાઈ બેતાબના લગ્ન માટે મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું.” તેણે આરોપ લગાવ્યો કે, આ સવાલો બાદ તેમણે અન્ય લોકોની સાથે મારપીટ પણ કરી હતી.
બેતાબ એક મજૂર છે જે કાશ્મીરમાં કામ કરતો હતો, અને લગભગ બે મહિના પહેલા તેના લગ્ન માટે ઘરે આવ્યો હતો.
તેણે કહ્યું, “કાશ્મીરમાં કામ પર પાછા જતા પહેલા મેં લગભગ એક મહિના સુધી મારી પત્ની સાથે ઘરે રહેવાની યોજના બનાવી હતી.”
તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેને મારવામાં આવ્યો હતો: “મારા શરીરના ઉપરના ભાગમાં કોઈ ચામડી બચી નથી.”
તેણે કહ્યું કે, “આતંકવાદી હુમલાના કલાકો બાદ ગુરુવારે સાંજે પોલીસની એક ટીમે તેને તેના ભાઈ અને કાકા ફઝલ હુસૈન સાથે થાનામંડીમાં તેમના ઘરેથી ઝડપી લીધો હતો. તેણે કહ્યું કે, પોલીસે તેને ત્રણ કલાક પછી ઘરે પરત ફરવાની મંજૂરી આપી અને બીજા દિવસે થાનામંડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કહ્યું.”
આ પણ વાંચો – Exclusive: ‘દેશની સેવા કરવા બદલ આ ઈનામ મળ્યું’, પૂંછમાં ‘ભાઈ’ની હત્યા બાદ BSF જવાનની પીડા
બેતાબે કહ્યું. “જો કે, શુક્રવારે સવારે પોલીસ સ્ટેશન જતી વખતે, “સેનાના જવાનોએ અમને મોબાઈલ પર ફોન કર્યો અને પહેલા મન્યાલ ગલીમાં મળવાનું કહ્યું. ત્યાં, તેઓ અમને એક વાહનમાં લઈ ગયા અને અમને DKG ટોપ પર તેમની પોસ્ટ પર લઈ આવ્યા.”
આર્મી પીઆરઓએ રાજૌરી હોસ્પિટલમાં દાખલ પાંચ લોકો વિશે કોઈ માહિતી ન હોવાનો ઇનકાર કર્યો છે.