ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં માફિયા ડોન અતીક અહમદને દોષીત જાહેર કર્યો છે. 17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે મંગળવારે ચૂકાદો આપ્યો છે. આ મામલે અતીક અહમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકો આરોપી હતા. કાલે અતીક અહમદ અને તેમના ભાઈ અસરફને પ્રયાગરાજની નૈની જેલ લાવવામાં આવ્યા હતા.
અતીક અહમદને ગઇકાલે ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજની નૈની જેલમાં લઇ જવાયો હતો. અને અશરફને બરેલીથી પ્રયાગરાજ લઇ જવાયો હતો. અતીકને જેલમાં હાઇ સિક્યુરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. 24 કલાક સીસીટીવી કેમેરા હેઠળ તેના પર નજર રાખવામાં આવે છે. જેલની બહાર અને અંદર સુરક્ષા વ્યવસ્થાનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.
જેલથી કોર્ટ સુધી કડક સુરક્ષા કરવામાં આવી હતી. 12 વાગ્યે અતીક અહમદને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટ લઇ જવાયો હતો. 12.30 વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉમેશ પાલના પરિવારજનોએ અતીક અહમદ માટે મોતની સજાની માંગણી કરી હતી. તેઓ ઇચ્છતા હતા કે આતંકનું સામ્રાજ્ય ખતમ થાય.
ઉમેશ પાલે 2006માં અતીક અહમદ ઉપર આરોપ લગાવ્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉમેશ પાલ બસપા ધારાસભ્ય રાજૂ પાલની હત્યાના મામલામાં એકમાત્ર સાક્ષી હતો.
આ કેસમાં અતીક આરોપી છે અને ગત 24 ફેબ્રુઆરીએ રાજુ પાલ હત્યાકાંડ મામલે સુનાવણીથી પરત ફરથી વખતે ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મચારીઓ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના આગામી દિવસે ઉમેશ પાલની પત્નીની અરજી પર અતીક, ભાઈ અશરફ, પત્ની શાઇસ્તા પરવીન અને અન્ય લોકો વિરુદ્ધ ઘૂમનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.