predator drones buy india : કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મોદી સરકાર અમેરિકા પાસેથી વધુ કિંમતે પ્રિડેટર ડ્રોન ખરીદી રહી છે, જ્યારે અન્ય દેશો ચાર ગણી ઓછી કિંમતે આ ડ્રોન ખરીદી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “રાફેલ ડીલમાં જે થયું, તે હવે પ્રિડેટર ડ્રોનની ખરીદીમાં પણ પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે.”
તેમણે કહ્યું કે, જે ડ્રોનને બીજા દેશો ચાર ગણી ઓછી કિંમતે ખરીદી રહ્યા છે, તે ડ્રોન માટે ભારત (આપણે) 110 મિલિયન ડોલર એટલે કે 880 કરોડ રૂપિયા પ્રતિ ડ્રોન ખર્ચી રહ્યા છીએ. પવન ખેડાએ કહ્યું કે, ભારત સરકાર 25,000 કરોડ રૂપિયાના 31 ડ્રોન ખરીદી રહી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બિડેનના સંયુક્ત નિવેદનના 6ઠ્ઠા મુદ્દામાં આ ડ્રોન્સનો ઉલ્લેખ છે.
આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે, શા માટે ભારત અન્ય દેશો કરતા ડ્રોન માટે વધુ ચૂકવણી કરી રહ્યું છે? તેમણે ડ્રોનની સંખ્યાને લઈને પણ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, બે મહિના પહેલા એપ્રિલ 2023માં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા મોદી સરકારને કહેવામાં આવ્યું હતું કે, માત્ર 18 પ્રિડેટર ડ્રોનની જરૂર છે, 31ની નહીં, તો પછી મોદી સરકાર હવે 31 ડ્રોન કેમ ખરીદી રહી છે?
આ પણ વાંચો – ગુજરાતના મહત્ત્વના સમાચાર: ટામેટા સહિત શાકભાજીના ભાવ આસમાને, પેરામેડિક રજિસ્ટ્રેશન ફીમાં વધારો, પ્રજા પરેશાન
‘અન્ય દેશો ઓછા ભાવે આ ડ્રોન ખરીદી રહ્યા છે’
તેમણે કહ્યું કે, અમેરિકન વાયુસેનાએ MQ-9 ડ્રોનના સુપરિયર વર્ઝનને 56.5 મિલિયન અમેરિકન યુએસ ડોલર પ્રતિ ડ્રોનના મિલિયન પ્રતિ ડ્રોનના હિસાબે ખરીદ્યું છે. વર્ષ 2016માં, યુકે એરફોર્સે ડ્રોન દીઠ 12.5 મિલિયન અમેરિકન યુએસ ડોલર MQ-9B ડ્રોન ખરીદ્યા હતા. સ્પેને આ ડ્રોન પ્રતિ ડ્રોન 46.5 મિલિયન યુએસ ડોલર અને જર્મનીએ 17 મિલિયન યુએસ ડોલર પ્રતિ ડ્રોન ખરીદ્યા હતા.