PM Narendra Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનામાં અમેરિકાના પ્રવાસે જશે. વ્હાઇટ હાઉસે બુધવારે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ જો બાઇડેન યુનાઇટેડ સ્ટેટ્સની આધિકારિક રાજકીય મુલાકાત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રવાસની યજમાની કરશે, જેમાં 22 જૂને રાજકીય ડિનર સામેલ હશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારાઇન જીન-પિયરે આ મુલાકાતની જાહેરાત કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી મુલાકાતથી અમેરિકા અને ભારત વચ્ચેની ગહેરી અને ગાઢ ભાગીદારીની મિત્રતામાં વધારો થશે.
તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની મુલાકાત બંને દેશોની સ્વતંત્ર, મુક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત હિન્દ પ્રશાંત ક્ષેત્રની બન્ને દેશની સહિયારી પ્રતિબદ્ધતા વધારે મજબૂત બનાવશે. બંને નેતાઓ શિક્ષણ ક્ષેત્ર અને લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારવાની તકો પર પણ ચર્ચા કરશે.
વ્હાઇટ હાઉસના નિવેદનમાં શું છે?
વ્હાઇટ હાઉસે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકા પહોંચશે અને સ્ટેટ ડિનરમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડેન હોસ્ટ કરશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, આગામી મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચેની ગાઢ ભાગીદારી, પરિવાર અને મિત્રતાની પૃષ્ટિ કરશે. જે અમેરિકનો અને ભારતીયોને એક સાથે જોડે છે.
આ પણ વાંચો – ભારતમાં થશે વસ્તી વિસ્ફોટ, દુનિયાના દર 1000 માંથી 172 બાળકોનો જન્મ ભારતમાં
વડાપ્રધાનની અમેરિકાના પ્રવાસને લઇને ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને આ મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. ભારત સપ્ટેમ્બરમાં જી-20 સંમેલનની યજમાની કરશે, જેમાં જો બાઇડેન સહિત અન્ય લોકો પણ સામેલ થશે. આ પહેલા બંને દેશોના નેતાઓની બેઠક ઘણી મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસની આ જાહેરાત બાદ હવે આ મુલાકાત નક્કી થઇ ગઇ છે.