પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. જે અંતર્ગત તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. આ સાથે તેમણે ગર્ભ ગૃહમાં સતત 20 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે ચોલા-ડેરા પોશાક પહેર્યો હતો. જે તેમને હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. પીએમ મોદી બદ્રીનાથની પણ મુલાકાત લેશે.
પીએમ મોદીએ ભગવાન શિવની આરાધના કર્યા બાદ શંકરાચાર્યની મૂર્તિની પરિક્રમા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી આ પહેલાં પાંચ વખત કેદારનાથના દર્શન કરી ચૂક્યાં છે. ત્યારે આ તેની છઠ્ઠી મુલાકાત છે. જે અંતર્ગત પીએમ મોદીએ કેદારનાથ મંદિર બહાર તેમને મળવા આવેલા લોકોનું અભિવાદન કર્યું હતું.
આ બાદ પીએમ મોદી આદિગુરૂ શંકરાચાર્યની સમાધિ સ્થળ પર પહોંચી શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પછી પીએમ મોદી ગૌરીકુંડને કેદારનાથ અને ગોવિંદઘાટને હેમકુંડ સાહિબથી જોડનાર બે નવી રોપવે પરિયોજનાની આઘારશિલા રાખશે. આ રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે. મહત્વનું છે કે, હાલ આ અંતર કાપવામાં આશરે 6 કલાક જેટલો સમય લાગે છે. જોકે રોપ વેના નિર્માણ બાદ આ યાત્રા 30 મિનિટમાં પૂર્ણ થશે.