PM modi objectionable posters : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનેક વિસ્તારોના દિવારો અને થાંભલાઓ પર મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવાની માંગ વાળા પોસ્ટર જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે 44 ફરિયાદ નોંધી છે બે પ્રિંન્ટિંગ પ્રેસના માલિકો સહિત ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. પોલીસે ઓછામાં ઓછા 2000 પોસ્ટર હટાવી દીધા છે. આ ઉપરાંત એક શંકાસ્પદ વાનને રોકીને તેમાંથી 2 હજારથી વધારે વિવાદિત પોસ્ટર જપ્ત કર્યા છે.
AAP મુખ્યાલયથી આવી રહેલી એક વાનમાં મળ્યા હજારો પોસ્ટર જપ્ત
વિશેષ પોલીસ આયુક્ત દીપેન્દ્ર પાઠકે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પોલીસે એક શંકાસ્પદ વાનને રોકી હતી. આ વાન આઈપી એસ્ટેટમાં ડીડીયુ માર્ગ સ્થિત આપ મુખ્યાલયથી આવી રહી હતી. વાનમાં બે હજારથી વધારે પીએમ મોદી વિરોધી પોસ્ટરને જપ્ત કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પાઠકે કહ્યું હતું કે અમે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી હતી. આગળ તપાસ ચાલું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા વ્યક્તિએ ખુલાસો કર્યોહતો કે તેમના નિયોક્તા દ્વારા આમ આદમી પાર્ટીના મુખ્યાલયમાં પોસ્ટર વિતરિત કરવાનું કહેવાયું હતું. તેણે એક દિવસ પહેલા જ ત્યાં ડિલિવરી કરી હતી. આ મામલે આપ તરફથી તત્કાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
બે પ્રિંટિંગ પ્રેસોના માલિકોની ધરપકડ, અનેક વિસ્તારોમાં એફઆઇઆર
પોલીસ પ્રમાણે બે પ્રિંટિંગ પ્રેસ ફર્મોમાં 50-50 હજાર પોસ્ટર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. કંપનીઓ સાથે જોડાયેલા કર્મચારીઓને રવિવારે મોડી રાતથી સોમવારે સવારે સુધી દિલ્હીના અનેક વિસ્તારોમાં અનેક પોસ્ટર ચોંટાડ્યા હતા. પોતાના પ્રિંટિંગ પ્રેસનું નામ પોસ્ટરો ઉપર પ્રકાશિત ન કરવાના આરોપમાં માલિકોની ધરપકડ કરી હતી. પોલીસ પ્રમાણે તાજા ઘટનાઓમાં 20 ફરિયાદ ઉત્તર પશ્વિમ જિલ્લામાં, છ ફરિયાદ ઉત્તરમાં અને પાંચ ફરિયાદ પશ્ચિમમાં, શાહદરા અને દ્વારકામાં ત્રણ-ત્રણ ફરિયાદ, મધ્ય પૂર્વોત્તર અને પૂર્વ બે-બે ફરિયાદ અને દક્ષિણ પૂર્વમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બે કાયદા અંતર્ગત નોંધવામાં આવ્યા કેસો
ડીસીપી જિતેન્દ્ર મીણાએ જિલ્લામાં 20 ફરિયાદ નોંધાયાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે તેમણે હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. જોકે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગની ફરિયાદ સાર્વજનિક સંપત્તિ વિરુપણ અધિનિયમ અને પ્રેસ અને પુસ્તક પંજીકરણ અધિનિયમ અંતર્ગત નોંધવામાં આવી છે.
અધિકારીઓએ કહ્યું કે ત્રણ લોકોને મધ્ય જિલ્લામાંથી અને એકને પશ્વિમમાં પકડવામાં આવ્યા છે. ડીસીપી પશ્વિમ ઘનશ્યામ બંસલે કહ્યું કે અમે એક પ્રિંન્ટિંગ પ્રેસના માલિકની ધરપકડ કરી છે. તેને આ ઓર્ડર ક્યાંથી મળ્યો એ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
કોવિડ કાળમાં આવી જ ઘટનાઓ પર નોંધાઈ હતી 25 ફરિયાદો
બે વર્ષ પહેલા પણ દિલ્હીમાં આવી જ એક ઘટના સામે આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા 25 ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ 30 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન કોવિડ રસીકરણ અભિયાન દરમિયાન દિલ્હીના અનેક વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.





