Rajasthan News Updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે જનારા હતા જોકે, આ પહેલા જ રાજસ્થાનમાંથી હજાર કિલો વિસ્ફોટક મળી આપવતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રાજસ્થાનના દૌસામાં પોલીસે 65 ડેટોનેટર એટલે કે આશરે એક હજાર કિલો વિસ્ફોટક અને 360 જિલેટીન સ્ટીકની સાથે 40 બોરી જપ્ત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા જ સુરક્ષા તૈયારીનું અવલોકન કરતા પહેલા પોલીસે જિલ્લાના ખાન ભંકરી રોડ પાસેથી કથિત રીતે વિસ્ફોટકો વહન કરનારી વાન સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીએ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરવા રાજસ્થાન જશે.
40 બોરીમાં ભર્યા હતા હથિયાર અને જિલેટિન સ્ટીક્સ
દૌસા પોલીસ અધિક્ષક સંજીવ નૈનના જણાવ્યા પ્રમાણે ભારતના વડાપ્રધાનના પ્રસ્તાવિક પ્રવાસને ધ્યાનમાં રાખીને જિલ્લામાં વિશેષ સતર્કતા રાખવામાં આવી છે. ગુરુવારે એક આરોપી ભારે માત્રામાં વિસ્ફોટક પદાર્થોનો ભંડાર લઇ જવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમે ભાકરી રોડ પર એક પીકઅપ વાનને રોકીને તપાસ કરી હતી. તપાસ કરતા પોલીસને વાનમાંથી ડેટોનેટર, કનેક્ટિંગ તાર અને અન્ય સામાનથી ભરેલી 40 બોરીઓ મળી હતી.
આ પણ વાંચોઃ- Today history 10 February : આજનો ઇતિહાસ 10 ફેબ્રુઆરી, ગાંધીજી એ કાશી વિદ્યાપીઠની સ્થાપના કરી
પીકઅપ વાનના ડ્રાઈવર પાસે કોઈ દસ્તાવેજ પણ ન હતા
તેમણે જણાવ્યું કે જ્યારે પીકઅપ ડ્રાઈવર રાજેશ મીણા પાસેથી લાયસન્સ-પરમિટ માંગવામાં આવ્યા ત્યારે તેની પાસે કોઈ દસ્તાવેજો મળ્યા ન હતા. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વાહનમાં કોઈ નિષ્ણાત બ્લાસ્ટર અને બિલ બાઉચર મળ્યા નથી. ગેરકાયદેસર પરિવહન માટે વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીએ કહ્યું, “વિસ્ફોટકોને ખાણકામ માટે લઈ જવામાં આવી રહ્યા હતા”
ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ વ્યાસ મહોલ્લાના રહેવાસી રાજેશ મીણા તરીકે થઈ છે. જે વાહનમાં વિસ્ફોટકો લઈ જવામાં આવ્યા હતા તે વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો હતો કે વિસ્ફોટકો ખાણકામ માટે લઈ જવામાં આવતા હતા.
આટલા મોટા જથ્થામાં વિસ્ફોટક અને અન્ય ગેરકાયદેસર હથિયારો મળ્યા બાદ પોલીસે સતર્કતા વધારી દીધી છે. દરેક આવતા-જતા વાહનોના ચેકિંગની સાથે રાજ્ય બહારના લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાની સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.