બંગાળમાં વકફ બિલના વિરોધમાં વણસેલી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાના અભાવે માનવતા મરી રહી છે. અહીંના દ્રશ્યો હ્રદયને હચમચાવી દેનારા છે. ઇન્ડિયન એક્સપ્રેસ કોલકાતાના બ્યુરો ચીફ રવિક ભટ્ટાચાર્ય ગ્રાઉન્ડ ઝીરો અહેવાલમાં સમગ્ર ઘટનાનો ચિતાર આપી રહ્યા છે. આવો જાણીએ…
“હુમલા શરૂ થયા પછી પણ અમે પોલીસને ફોન કરતા રહ્યા. કોઈએ જવાબ આપ્યો નહીં. મારા પતિ અને સસરાને મારી નાખ્યા, મૃતદેહો ત્રણ કલાક સુધી અમારા ઘરની નજીક પડ્યા રહ્યા,” 32 વર્ષીય પિંકી દાસ પોતાની આપવીતિ જણાવતાં રડી રહી હતી, પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ એની છ વર્ષની પુત્રીને પોતાનાની અલગ થવા દેવા ઇચ્છતી ન હતી અને દિકરીને ખોળામાં પકડી રાખી હતી. એમની આંખોમાંથી ચોમેર આસુંઓ વહી રહ્યા હતા.
પિંકી દાસ ભાગ્યે જ બોલી શકતા હતા, થોડા સમય માટે બેભાન થઈ ગયા હોય તેવું લાગતું હતું. શુક્રવારે, પશ્ચિમ બંગાળમાં નવા વક્ફ (સુધારા) કાયદા સામે મુર્શિદાબાદ જિલ્લામાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ, તેમના પતિ ચંદન દાસ (40) અને તેમના સસરા હરગોવિંદ દાસ (70) ની ટોળાએ હત્યા કરી હતી.
શુક્રવારે થયેલી હિંસામાં મૃત્યુ પામેલા ત્રણ લોકોમાં પિતા અને પુત્રનો સમાવેશ થાય છે, અને ઓછામાં ઓછા 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બાદમાં, કોલકાતા હાઈકોર્ટે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
“મને ન્યાય કોણ આપશે? હવે આપણે કેવી રીતે જીવીશું?” અસરગ્રસ્ત મહિલા પિંકી રડમશ અવાજે પુછી રહી છે. સમસેરગંજ પોલીસ સ્ટેશન હેઠળના જાફરાબાદ ગામમાં તેના ઘર પર લૂંટફાટ કરવામાં આવતાં જાણે તેણીએ બધું જ ગુમાવી દીધું.
લગભગ 20 કિમી દૂર, સુતી પોલીસ સ્ટેશન હેઠળના કાશીમનગર ગામના ગાઝીપુર વિસ્તારમાં પિંકીના પ્રશ્નો બીજા ઘરમાં પણ ગૂંજી રહ્યા છે. “મને ન્યાય જોઈએ છે. મારા પતિ ખૂબ નાના હતા,” સેલિમા બીબીએ પોતાના એકમાત્ર બાળક, બે વર્ષની પુત્રીને હાથમાં લઈને કહ્યું. શુક્રવારના વિરોધ પ્રદર્શનો વચ્ચે, સેલિમાના પતિ, 21 વર્ષીય એજાઝ અહેમદ, તેના ઘરથી 10 મિનિટના અંતરે, NH 12 પર સજુરમોર ક્રોસિંગ પર પોલીસ ગોળીબારમાં કથિત રીતે માર્યા ગયા હતા.
જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસે પિંકીના ઘરની મુલાકાત લીધી, ત્યારે તેમને મિલકતને નોંધપાત્ર નુકસાન થયેલું હતું. મુખ્ય દરવાજો અને બારીઓ તૂટી ગઈ હતી, અને અંદરના ઓરડાઓમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓના મતે, શુક્રવારની હિંસાનો સૌથી વધુ માર આ ગામમાં પડ્યો હતો. ઘરોને પથ્થરોથી નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્રણ ઘરો અને કાર અને મોટરબાઈક સહિત અનેક રહેવાસીઓના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
પિંકીનું ગામ જ્યાં આવેલું છે તે તીનપુકુરિયા ગ્રામ પંચાયતના સભ્ય શ્રાબોની દાસે (24) જણાવ્યું હતું કે ટોળાએ તેમના ઘરને પણ આગ લગાવી દીધી હતી, કારણ કે તેઓ ઘરમાં ઘૂસી શક્યા ન હતા. “અમે ભયભીત છીએ અને અમને ખબર નથી કે અમે ફરી ક્યારેય અહીં રહી શકીશું કે નહીં,
રવિવારે, સમસેરગંજ ટીએમસીના ધારાસભ્ય અમીરુલ ઇસ્લામ અને ભાજપના બ્લોક કન્વીનર ઉત્તમ કુમાર દાસ પિંકીના ઘર પાસે એકસાથે ઉભા હતા. દાસે કહ્યું કે, જેમણે આ કર્યું તેઓ માણસ નથી પ્રાણીઓ છે. મોટી સંખ્યામાં હિન્દુ ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી, લૂંટ ચલાવવામાં આવી અને આગ લગાવવામાં આવી. આવું બીજા ઘણા ગામોમાં પણ બન્યું છે. જ્યારે ટીએમસીના ઇસ્લામે કહ્યું કે, અમે બધા પરિવાર સાથે છીએ.
પિંકીના જણાવ્યા મુજબ, શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યાથી યુવાનોના જૂથો ગામમાં ફરવા લાગ્યા હતા. ઘરો પર બોમ્બ ફેંકતા અને પથ્થરમારો કરતા હતા. તેઓએ અમારા ઘર પર ચાર વાર હુમલો કર્યો. અંતે, તેઓ લાકડાનો દરવાજો તોડવામાં સફળ રહ્યા અને અમારુ બધું જ ખતમ થઇ ગયું.
“કેટલાક લોકો ઘરમાં, રૂમમાં તોડફોડ કરવા લાગ્યા, ત્યારે એક જૂથ મારા સસરાને પકડીને બહાર લઈ ગયા. પછી, તેઓએ મારા પતિને પકડી લીધો. તેઓએ બંનેને મારી નાખ્યા. મેં હુમલાખોરોને વિનંતી કરી, તેમના પગ પકડી રાખ્યા, પરંતુ તેઓએ મને મારી નાખવાની ધમકી આપી.
“અમે લાચાર હતા. હું બાળકોને ટેરેસ પર લઈ ગઈ અને ત્યાં સંતાઈ ગઈ. હવે, બાળકો તેમના પિતા અને દાદાને શોધી રહ્યા છે,” પિંકીની સાસુ પારુલ દાસે કહ્યું, તેમણે ઉમેર્યું કે ચંદન એક કડિયાકામ કરતો હતો અને તેનો પતિ ખેડૂત હતો જેની પાસે થોડા વિઘા જમીન હતી.
દરમિયાન રવિવારે સેલિમાના ઘરે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. “મૃત્યુ પછી કોઈ રાજકારણી કે કોઈ પોલીસકર્મી અમારા ઘરે આવ્યા ન હતા. એજાઝના કાકા શાહિદ શેખે જણાવ્યું કે, હોસ્પિટલમાં અમને કહેવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ સોંપવામાં આવશે.
સેલિમાના જણાવ્યા મુજબ, એજાઝ રવિવારે ચેન્નાઈ જવા માટે તૈયાર હતો , જ્યાં તે એક હોટલમાં કામ કરતો હતો. “તે 28 માર્ચે ઈદ માટે ઘરે આવ્યો હતો. શુક્રવારે સવારે તે ઇસ્લામપુરમાં એક કાકાને મળવા ગયો. ઘરે પરત ફરતી વખતે, તે સજુરમોરમાં અંધાધૂંધીમાં ફસાઈ ગયો. ત્યાંથી કોઈએ અમને ફોન કરીને કહ્યું કે તેને પોલીસે ગોળી મારી દીધી છે.
સ્થાનિક રહેવાસીઓના એક જૂથે એજાઝને નજીકની જાંગીપુર હોસ્પિટલમાં અને પછી મુર્શિદાબાદ જનરલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેનું મોત નીપજ્યું. એજાઝના બાળપણના મિત્ર ઓદુધ શેખ (22) એ જણાવ્યું કે, એજાઝ તેના પિતા, માતા, પત્ની અને પુત્રી સાથે રહેતો હતો. ગુરુવારે રાત્રે અમે તેની સાથે પિકનિક મનાવી હતી. તેને ફૂટબોલ ખૂબ ગમતી હતી. શુક્રવારે અમે સાંભળ્યું કે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
મુર્શિદાબાદમાં હિંસા ત્રણના મોત, પોલીસ તૈનાત
વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા ત્રણ મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. રવિવારે પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને બીએસએફની વિશાળ ટુકડી સજુરમોર ક્રોસિંગ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તેમની નજીક, રસ્તાના કિનારે, શુક્રવારની સળગેલી યાદો હતી: એક સરકારી બસ, બે પોલીસ જીપ અને ઘણી મોટરબાઈક સાથે અમારો શું વાંક હતો? અમને ન્યાય કોણ આપશે? એ ચિંતા અને ભયનો માહોલ છવાયો છે.